Friday 15 June 2012

લતા મંગેશકર – રજની વ્યાસ

942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ ભાખ્યું હતું કે હવે તેમનો અંત નજીક હતો. તેમણે પોતાની સૌથી મોટી દીકરી લતાને પથારી નજીક બેસાડીને વહાલથી કહ્યું : ‘બેટા, તમને સૌને છોડીને હું જાઉં છું. પેલા ખૂણામાં મૂકેલો તાનપૂરો અને મારા ઓશીકા નીચે રાખેલું નોટેશન્સનું પુસ્તક – બસ આ બે જ ચીજો તને આપવા મારી પાસે છે. એ બે ચીજોને સહારે અને મંગેશી માતાના આશીર્વાદ સાથે તારે જીવન શરૂ કરવાનું છે. ઈશ્વર તને સહાય કરે.’
બીજે દિવસે સવારે પૂનાના સાસૂન હોસ્પિટલમાં પથારી પાસે માત્ર લતા અને માની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. લતા નોંધે છે : ‘મારા પિતાના કોઈ મિત્રો કે અમારાં સગાંવહાલાં આવ્યાં નહીં. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે પિતાના શબને અમે ઘેર લાવ્યાં અને ઉતાવળે સાંજે જ તેમનો અગ્નિદાહ કર્યો. કારણ, તે દિવસો ‘બ્લેકઆઉટ’ના હતા.’ લતાની ઉંમર એ સમયે માત્ર તેર વર્ષની હતી. નાની બહેન આશા, મીના, ઉષા અને ભાઈ હૃદય તો નાનકડાં હતાં. છેલ્લે છેલ્લે કથળી ગયેલી ઘરની હાલતમાં હવે ઘરની સઘળી જવાબદારી આવી ગઈ લતા ઉપર. શરૂઆતમાં કેટલીક મરાઠી-હિન્દી ફિલ્મોમાં લતાએ અભિનય કર્યો હતો પણ એની કમાણી એવી હતી કે કુટુંબને ઘણી વાર બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. માત્ર પાણી પીને બાળકો સૂઈ જતાં હતાં. પિતાએ અંત સમયે સોંપેલો તાનપૂરો હવે એનો એકમાત્ર આધાર હતો. એ તાનપૂરા સાથે નાનકડી લતાને આમ તો આઠ વર્ષની દોસ્તી હતી.
પિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. વિદ્યાર્થીઓ એમને ત્યાં શાસ્ત્રીય સંગીત શીખવા આવતા. એક વખત એક વિદ્યાર્થીએ તાલમાં ભૂલ કરી. દૂર બેઠેલી પાંચ વર્ષની બાલિકા લતાએ તેની ભૂલ બતાવી. પિતા તો ત્યાં બેઠા જ હતા. માત્ર શ્રવણથી કેળવાયેલી લતાની કોઠાસૂઝથી પિતાના મનમાં ઝબકારો થયો. ‘ભલે પાંચ વર્ષની છે. પણ હવે તાલીમ લેવા માટે તે તૈયાર છે.’ બીજે જ દિવસે એમણે લતાને મળસ્કે ચાર વાગે ઉઠાડી. એના નાનકડા દૂબળા હાથો વચ્ચે તાનપૂરો પકડાવ્યો. માથે હાથ મૂકીને આશિષ આપ્યા. પુરિયા ધનાશ્રી રાગથી તેનો પહેલો પાઠ શરૂ થયો. પછીની વહેલી સવારો પિતા દ્વારા દીક્ષિત વિવિધ રાગોથી સુગંધિત બનતી ગઈ. લતાના અવાજમાં પરિપકવતાનો પિંડ બંધાતો ગયો. સંગીત-સમજની સૂક્ષ્મતા સર્જાતી રહી અને ત્યાર પછી પરમસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એ સિલસિલો ચાલુ જ રહ્યો. સંગીત શીખવાની શરૂઆત કરનારને પહેલો પાઠ સામાન્ય રીતે સરળ કહેવાય તેવા ભૂપાલી રાગ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે પિતા દીનાનાથે લતાને પુરિયા ધનાશ્રી – જે શીખનાર માટે ઠીક ઠીક અઘરો કહેવાય તેવા રાગથી શરૂઆત કરાવી. કેવા એ સંગીતકાર – કેવી એમની શ્રદ્ધા એમની દીકરી પ્રત્યેની કે પુરિયા ધનાશ્રી જેવા રાગથી આરંભ કરાવ્યો !

1941માં એક એવી ઘટના બની જે લતાને પાર્શ્વગાયનની સામ્રાજ્ઞી બનાવવામાં નિમિત્તરૂપ બની. ‘ખજાનચી’ ફિલ્મ પૂનામાં ધૂમ મચાવી રહી હતી. એ વખતે ફિલ્મમાં સારા ગાનારની શોધ માટે એક ‘ખજાનચી મ્યુઝિક કોમ્પિટિશન’ યોજવામાં આવી હતી. એમાં ખજાનચી ફિલ્મના સંગીત-નિર્દેશક ગુલામ હૈદર પણ હાજર રહેવાના હતા. લતાએ પિતાથી ખાનગી રીતે આ સ્પર્ધાનું ફોર્મ ભર્યું હતું. કારણ કે દીકરી ફિલ્મી ગીતો ગાય તે પિતાને પસંદ ન હતું. છતાં કોઈક રીતે એમને આ વાતની ગંધ આવી ગઈ. તે ગુસ્સે થયા, પણ જુદા કારણસર – દીનાનાથની દીકરી પહેલી ન આવે તો… આબરૂ શી રહે ? પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની ! નાની વયથી જ તેની સંગીત પર પકડનો એક સરસ પ્રસંગ છે. તે વખતે લતા માંડ આઠ-નવ વર્ષની હશે. એક સમારંભમાં તેણે એક ગીત ગાવા માંડ્યું. ગીતના અંતે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી. આખો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રેક્ષકો-શ્રોતાઓએ એ નાનકડી છોકરી પાસે ફરી ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો. તપાસ કરતાં જણાયું કે લતા તેની માતાના ખોળામાં ઘસઘસાટ ઊંઘતી હતી !
દીનાનાથના મૃત્યુ પછી ભરણપોષણનો બીજો કોઈ આરો ન દેખાતાં લતાએ ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર મારવા શરૂ કર્યાં હતાં. આશાના કિરણ સાથે ઊગેલી સવારે એ ઉંબર બહાર પગ મૂકતી અને સાંજે-રાત્રે થાકેલી નિરાશાથી ભાંગી પડેલી ફરી ઉંબર વટાવીને ઘરમાં આવતી. દિવસે દિવસે સુકાતો એ મ્લાન ચહેરો જોઈને નાનાં ભાઈ-બહેન પણ શિયાવિયાં થઈ જતાં. એ વખતે હજી પ્લેબેકનો જમાનો આવ્યો ન હતો. તો પછી આવી દૂબળીપાતળી ને શામળી છોકરીને કોણ ફિલ્મમાં રોલ આપે ?
એક દિવસ અચાનક-
આવી એક રઝળપાટમાં લતાને નામી સંગીત-નિર્દેશક ગુલામ હૈદરસાહેબ મળી ગયા. લતાએ તેમને કામ આપવા વિનંતી કરી. ગુલામ હૈદરને છ વર્ષ પહેલાં ‘ખજાનચી’ની સ્પર્ધામાં પ્રથમ આવેલી આ છોકરી બરાબર યાદ હતી. બીજે દિવસે એને સ્ટુડિયોમાં બોલાવી. તે વખતે શશધર મુખરજીની ‘શહીદ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સવારે દસ વાગે લતા પહોંચી ગઈ સ્ટુડિયો પર. રેકોર્ડિંગ રૂમની બહાર હૈદર સાહેબની વાટ જોતી બેઠી. હૈદરસાહેબ આ વાત ભૂલી ગયેલા. આખો દિવસ એ છોકરી તેમના બહાર આવવાની વાટ જોઈને બેસી રહી – ભૂખે અને તરસે ! રખે ને પોતે ક્યાંક ખાવા-પીવા જાય ને સાહેબ બહાર આવે. પોતાને ન જુએ અને માંડ હાથ આવેલી તક સરકી જાય તો….
આખરે સાંજે કામ પત્યું ત્યારે ગુલામ હૈદર બહાર આવ્યા. લતાને જોતાં જ એમને યાદ આવી ગયું. સ્ટુડિયોના મ્યુઝિશિયનો પણ જતા રહ્યા હતા. આખરે પોતે જ હાર્મોનિયમ પર બેઠા. શશધર મુખરજી પણ બેઠા હતા. લતાએ નૂરજહાંએ ગાયેલું ઝીન્નત ફિલ્મનું એક ગીત ગાયું. શશધરે લતાને ‘નપાસ’ કરી દીધી. આવો દૂબળો અને ઝીણો અવાજ ન ચાલે. પરંતુ ગુલામ હૈદર લતાના કંઠની સોનાની ખાણને પારખી ગયા હતા. તેમણે શશધર મુખરજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘તમને ઠીક લાગે તેમ કરો. પરંતુ સામી દીવાલે લખી રાખજો કે એક દિવસ નિર્માતાઓ અને દિગ્દર્શકો આ છોકરી પાસે ગવડાવવા માટે તેના પગ પકડતા હશે !’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્નાટો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી !’
1948નું વર્ષ એને માટે સુવર્ણવર્ષ સમું નીવડ્યું. છ વર્ષના ગાળામાં તેનું નામ ચમકી ઊઠ્યું હતું. લગભગ બધા જ નામી સંગીત-દિગ્દર્શકો સાથે તે કામ કરી ચૂકી હતી. 1948માં તેણે પોતાની મોટરકાર ખરીદી ! અને 1948ની જ એક સોનેરી સવારે તેણે એક યાદગાર ગીત ગાયું…. ફિલ્મ હતી ‘મહલ.’ સંગીત-નિર્દેશક હતા ખેમચંદ પ્રકાશ અને ગીત હતું : ‘આયેગા…. આયેગા… આનેવાલા…’ પછી તો કીર્તિ અને કલદાર તેનાં ચરણ ચૂમવા લાગ્યાં. ‘અંદાઝ’, ‘આગ’, ‘બરસાત’ ફિલ્મોએ લતાને સર્વોચ્ચ શિખરે બેસાડી દીધી. પોતાની પાસે જ્યારે ઠીક કહી શકાય તેવી આવક થઈ તેમાંથી તેણે સૌ પ્રથમ તેનાં નાનાં ભાઈબહેનો માટે કપડાં અને તે મૂકવા કબાટ ખરીદ્યું. ગરીબીના કારમા દિવસો કાપવા માતાનાં વેચાઈ ગયેલાં ઘરેણાં પાછાં ખરીદ્યાં. પોતે ત્યારથી ગરવીલા સફેદ રંગનાં કપડાં ધારણ કર્યાં. મોટે ભાગે તે આજે પણ સાદગીમાં જ રહે છે.
લતા મંગેશકરનું સ્થાન ચાર ચાર દાયકા સુધી ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે નિશ્ચલ અને અજોડ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં બીજી કેટલીય પાર્શ્વગાયિકાઓ આ ક્ષેત્રમાં આવી છે. કેટલાકે સારો યશ પ્રાપ્ત કર્યો છે – કીર્તિ સંપાદન કરી છે – છતાં લતાની બરોબરી કરી શકે તેવો કંઠ હજી ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. ફિલ્મી જગતની કારકિર્દી છતાં લતાએ કદી સસ્તી લોકપ્રિયતા ઈચ્છી નથી. કોઈ સમારંભમાં એ ગાતાં નથી. એના જેટલી વિપુલ સંખ્યામાં પણ કોઈએ ગીતો ગાયાં નથી. એટલે જ તો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેઓ સ્થાન પામ્યાં છે. તેમણે 26,000થી પણ વધુ ગીતો ગાયાં છે. લતાનો અદ્દભુત કંઠ ઈશ્વરની એક અદ્દભુત કૃપા સમાન છે. એક દંતકથા સમાન છે. સાધનાની સરાણે ચઢીને એનો સૂર દિવ્ય તેજ પામ્યો હોય તેમ અવિરતપણે રેલાઈ રહ્યો છે. લતાને માટે ગાવું એ શ્વાસ લેવા જેટલું જ સહજ છે. કેટલાંક ગીતોની બંદિશ ટેલિફોન ઉપર જ સાંભળીને સ્ટુડિયોમાં પહેલી જ વારના ટેકમાં તે રેકર્ડ થઈ શક્યાં છે. ધન-વૈભવ, કીર્તિ અને કોઈ અભાવ વિનાની ચરમ પરિતૃપ્તિના શિખરે હોવા છતાં તે અત્યંત સૌમ્ય, વિવેકી અને સાદગીથી ભર્યાં ભર્યાં છે. બધાં ભાઈબહેનો, મીના, આશા, ઉષા પાર્શ્વગાયિકાઓ છે. ભાઈ હૃદયનાથ સંગીત-નિર્દેશક છે.
આટલી સિદ્ધિના શિખરે ઊભવા છતાં લતાના હૃદયમાં એક જ રંજ છે. એને એના પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રીય સંગીતની જ સાધના કરવી હતી. સંજોગોએ એને ફિલ્મક્ષેત્રમાં લઈને મૂકી દીધી. શાસ્ત્રીય સંગીતના આરાધકો – ગમે તેવા ઉચ્ચકોટિના પણ ફિલ્મી સંગીત માટે સૂગ ધરાવે છે.
એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો.
એક ખાંસાહેબે-ઉસ્તાદજીએ વાતવાતમાં અભિપ્રાય આપી દીધો : ‘ઠીક છે, છોકરી ફિલ્મોમાં ગાય છે એટલે એ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ આમાં સંગીત-સાધના ક્યાં ?’ લતાને કાને આ વાત ગઈ. ખૂબ આદરપૂર્વક ઉસ્તાદજીને લતાએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. એમના ચરણસ્પર્શ કરીને કહ્યું :
‘હું તાનપૂરો લઈને બેસું છું. આપ કાંઈક ગાઓ. હું તે દોહરાવવાની કોશિશ કરીશ.’
આવી ગુસ્તાખી ! ઉસ્તાદજીએ મનોમન લતાને પાઠ શિખવાડવાનું નક્કી કર્યું હોય તેમ એક વિચિત્ર તાનપલટાવાળી ગત ગાઈ. લતાએ તરત જ – ક્ષણનાય વિલંબ વિના ઉસ્તાદજી કરતાં પણ વધુ સહજતાથી-કુશળતાથી એ ગત ગાઈ સંભળાવી ! ઉસ્તાદજી અવાક થઈ ગયા. હવે તો એ પણ લતાની પ્રશંસા કરતા થાકતા નથી.
કહે છે કે સાધનાનું મૂલ્ય તો છે જ છતાંય પરમેશ્વરની કૃપાનો કોણ ઈન્કાર કરી શકે ? હા, સંગીતના પરમ સાધક પિતાના હૃદયના આશીર્વાદ સાથે બાલિકા લતાના હાથે ધરાયેલા એ તાનપુરાના સૂરોમાં મા મંગેશીના આશિષ પણ ભળ્યા હતા એ વાત અવાજની સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૈયે બરાબર કોતરાયેલી છે. કારણ કે આજે પણ તેને પુરિયા ધનાશ્રીના સૂરો સંભળાય છે.

No comments:

Post a Comment