Friday, 15 June 2012

મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી

એકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત… આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીના મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદ – કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી.
કેટલાય દિવસથી આ વ્યક્તિને મળવાની મનમાં એક તડપ ઉઠી હતી. એમાંય જ્યારે જ્યારે કન્યા વિદાયનું પ્રસિદ્ધ ભાવભર્યું ગીત કાને પડે અને લૂંટાતો લાડ ખજાનો જોતાં રહી ગયેલાં કવિ દાદને મળવાની ઝંખના જોર પકડે. અંતે દસમી ફેબ્રુઆરીને મંગળવારે સાંજે ખિસ્સામાં સરનામાંની ચબરખી અને હૃદયમાં એક ગીતમાત્રથી અનેકને ભાવવિભોર બનાવી દેનાર કવિને મળવાનો રોમાંચ લઈ જુનાગઢના તેમના નિવાસસ્થાને પહોંચવાનો સુયોગ સાંપડ્યો. કશા જ પૂર્વ પરિચય વગર અને કોઈ દેખીતા દુન્વયી કારણ વગર સીધા જ પહોંચી જવાનો ક્ષોભ ત્યાં પહોંચતા જ ખરી પડ્યો અને ઔપચારિક વાતોની ક્ષણો બાદ પૂરા બે કલાક સુધી શબ્દ, સાહિત્ય અને સંવેદનાના ત્રિવિધ રંગે અમારૂં ભાવ વિશ્વ રંગાતું રહ્યું.

ગુજરાતમાં કોઈ કન્યા વિદાયનો પ્રસંગ એવો નહી હોય જેમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…’ એ ગીત ન વાગ્યું હોય. કવિ દાદની આ રચના માટે અહોભાવપૂર્વક અમે જ્યારે કહ્યું કે આપનું આ ગીત ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ ની જેમ અમર થઈ ગયું છે ત્યારે મર્માળુ હસીને કવિએ કહ્યું કે એ તો સાંભળનારને એમાં પોતાની લાગણીનો પડઘો દેખાય એટલે એ લોકજીભે રમતું થયું. ૧૯૪૦ના સપ્ટેમ્બરની અગિયારમી તારીખે વેરાવળ તાલુકાનાં ઇશ્વરિયા ગામે જન્મેલા કવિ દાદના ચહેરા પર વહી ગયેલા સમયના અનેક રંગો દેખાય છે. ચાર ધોરણ સુધીનું શિક્ષણ લઈ બાર જ વર્ષની વયે પિતાને ગુમાવનાર આ ચારણ જે ચોથો વેદ ગણાય છે એ પીડાનાં પાંચમા વેદને પણ પચાવી ગયાં. કવિ નર્મદ જેમ પોતાના કવિત્વ માટે તાપી નદીને યશ આપે છે એમ કવિ દાદ પણ હિરણ નદીના કાંઠે વીતેલાં પોતાનાં શૈશવની વાત કરતાં કરતાં મનોમન હિરણ્યતીર્થ પ્રદેશની યાત્રા કરી લે છે અને કહે છે : ‘મને કવિ બનાવ્યો આ હિરણ નદીએ. એણે મને શબ્દદિક્ષા આપી.’ થોડીવાર આંખ બંધ કરી કવિ પોતાનું બાળપણ તાજું કરતા જાણે અર્ધી સદી પહેલાનાં સમયખંડમાં લટાર મારી લે છે. કવિ દાદે પોતાની પ્રેરણામૂર્તિ હિરણ નદીના સમયાંતરે બદલાતાં સ્વરૂપોની વાતો પણ ભાવવિભોર થઈને કરી. સવારની હિરણ, બપોરની હિરણ, સાંજની હિરણ, સંધ્યાકાળે દેખાતી હિરણ અને રાત્રીના અંધકારની હિરણ વિષે પોતાની કલમમાંથી ટપકેલાં કવિતની વાતો કરતાં કરતાં કવિ દાદનાં રૂંવે રૂંવે જાણે હિરણ નદી વહેવા લાગે છે. સર્જકની અંદર વહેતી સ્પંદનોની નદી જ સર્જકતા ખિલવે છે એ સત્યનો આ સાક્ષાત્કાર હતો.
માનવીના સંવેદનોની અનુભૂતિમાં ટેરવાંનાં પ્રભાવથી સુપેરે પરિચિત કવિ દાદે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘ટેરવાં’ રાખ્યા પછી ઉત્તરોત્તર ‘ટેરવાં ભાગ-૧ થી ભાગ 3’ પણ ભાવકો સુધી પહોંચાડ્યાં. એ સિવાયની વિવિધ નાનકડી પુસ્તિકાઓ તો અલગ. આમ તો ચારણ ગઢવીના ખોળિયાંમાં લોહી નહી પણ સાહિત્ય વહેતું હોય છે. પણ આ કવિ બહુ વિનમ્રભાવે અને આદરથી કવિશ્રી મકરંદ દવેને યાદ કરે છે. ગોંડલ કે જુનાગઢમાં તો ઠીક પણ શ્રીમકરંદભાઇ ને મળવા ખાસ નંદીગ્રામ પણ ગયાં એ વાત કરતી વેળા કવિના ચહેરાં પર સાંઈ મકરંદે સાધેલી સૂફીપણાંની ઊંચાઈ પ્રત્યે ભારોભાર આદર છલકે છે. કવિ મૂલત: અંતર્મુખી સ્વભાવને કારણે કવિઓ સાથે બેસતા હોવા છતાં પણ પોતાની રચનાઓ સંભળાવવા ક્યારેય તલપાપડ નહોતા થતાં પણ જુનાગઢના અનેક કવિઓના પ્રેમ થકી અને પૂ.મોરારિબાપુના સંપર્કથી આ ક્ષેત્રે પ્રદાન કરી શક્યાં એ વાતમાં એમનું નિરાભિમાનપણું પ્રગટ થાય છે.
સૃષ્ટિનાં ગુઢસત્યો અને તથ્યો વિષે જાગરૂક કવિ દાદ જીવનની રોજિંદી ઘટમાળમાં જાત સાથેનું એકાંત અને સર્જકતા જાળવી લેવાની વાત પોતાની આગવી શૈલીમાં કરતાં કહે છે : ‘આ તો ભાઈ, દળતાં દળતાં ફાકતાં જવાની વાત છે. દળવું એ આપણી રોજિંદી ઘટમાળ છે પણ એ ઘરેડ વચ્ચે પણ મનનો ખોરાક તો ચાલુ જ રાખવાનો છે.’ સર્જકતા ઇશ્વરકૃપા વગર આવે જ નહીં એમ દ્રઢતાપૂર્વક કહી કવિએ સરસ વાત કહી : ‘ઉપરવાળાના આશિર્વાદ હોય તો જ આ વહેતા વહેણમાંથી અંજલિ ભરી શકીએ બાકી ઘણા તરસ્યા ય વયાગ્યાં !’
‘દીકરી વહાલનો દરિયો’ના વિમોચન પ્રસંગે અભિયાનના આમંત્રણથી મુંબઈ ગયેલાં એ પ્રસંગ યાદ કરતાં કવિ કબૂલે છે કે ‘કાળજાં કેરો કટકો મારો…’ એ સંવેદનાઓ વારંવાર શબ્દદેહ ધારણ કરતી નથી હોતી. સાહિત્ય પરિષદનું જુનાગઢ ખાતેનું અધિવેશન જે સ્વતંત્રતા સેનાની શ્રી રતુભાઈ અદાણીની હયાતી દરમિયાન યોજાયેલું તેની પણ એક રસપ્રદ વાત કવિ દાદ કરે છે. શ્રી રતુભાઈએ કવિ દાદના કવિત્વને પડકારતાં હોય એ રીતે કહેલું કે ‘કવિ, ભોજન મંડપમાં લોકોના હાથ જમતાં અટકી જાય અને મોં તરફ જતો કોળિયો ક્ષણભર માટે અટકી જાય એવું કંઈક કરો…!’ અને જેવી થાળીઓ પિરસાઈ કે ભોજન મંડપના એક ખૂણે ખાસ બનાવાયેલાં સ્ટેજ પરથી અસલ ગઢવીના મિજાજ અને પહાડી રણકાથી કવિ દાદે કાવ્યગાન શરૂ કરતાં જ શ્રી રતુભાઈ અદાણીના શબ્દો પ્રમાણે જમનારા સૌના હાથ ક્ષણભર માટે થંભી ગયા’તાં.
અમારી એમના સાનિધ્યમાં વીતેલી સાંજની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે સાસરે ગયેલી દીકરીની સંવેદનાંનું એક કાવ્ય ‘મારાં ફળિયાનાં વડલાંની ડાળે, હિંચકો હીરલે ભરિયો……’ વહેતું મુક્યું અને એક અદ્દભુત ભાવવિશ્વ સર્જાયું. એ કમરામાં હાજર અમારા સૌની આંખો વહેતી હતી અને કારૂણ્યથી પ્રત્યેક ક્ષણ પાવક બની રહી હતી. કવિ દાદ રાજકારણીઓમાં પણ પ્રિય હતાં. ભૂ.પૂ. મુખ્યપ્રધાનશ્રી કેશુભાઈ પટેલ જ્યારે સત્તા પર હતાં ત્યારે એમના એક જન્મદિને કવિ દાદ પણ શુભકામના પાઠવવા ગયાં ત્યારે જાહેરમાં શ્રી કેશુભાઇએ કબૂલ્યું હતું કે મારી સરકારની ગરીબ દીકરીઓ માટેની યોજના ‘કુંવરબાઈનું મામેરૂં’ની પ્રેરણા મને કવિ દાદની ‘કાળજા કેરો કટકો મારો…’ એ રચના પરથી મળી છે. રાજ્ય સત્તા પર શબ્દ સત્તાનો કેવો અદભૂત પ્રભાવ….! અનેક માન સન્માન, સ્મૃતિ-ચિન્હો અને વાહ વાહના અધિકારી કવિ દાદ વર્તમાન કવિતાના લોકપ્રિય ગઝલ પ્રકારને પણ સાધ્ય કરી ચુક્યા છે. કેટલાંક શેર પ્રસ્તુત છે જે એમણે એમની પ્રભાવી શૈલીમાં અમને સંભળાવ્યાં.
આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે

શબ્દો થકી સૂરતા ને સાધનાર આ સરલ હૃદયી અને નખશીખ ઉમદા ઇન્સાનને મળવું એ અમારા માટે એક યાદગાર સંભારણું બની રહ્યું.

No comments:

Post a Comment