Thursday 14 June 2012

ધૌલા છિના – ભાણદેવ

અમે આદિબદ્રીમાં છીએ અને દિવાબહેન અલમોડામાં છે. અમારી વચ્ચે વાત ચાલે છે. અમે પ્રારંભ કર્યો :
‘અમે અહીંથી બાગેશ્વર થઈને પાતાલ-ભુવનેશ્વર જઈએ છીએ. પાતાલ-ભુવનેશ્વરની યાત્રા પરિપૂર્ણ કરીને પછી અલમોડા આવશું.’
દિવાબહેન અમને માર્ગદર્શન આપે છે :
‘હા, તે ક્રમ બરાબર છે. પણ તમે પાતાલ-ભુવનેશ્વર તરફથી અહીં આવો ત્યારે રસ્તામાં ધૌલા છિના આવશે. ત્યાં થોડું રોકાઈને, દર્શન કરીને આવજો.’
‘ધૌલા છિના ? ધૌલા છિના શું છે ? ત્યાં કોનાં દર્શન કરવાનાં છે ?’
‘ધૌલા છિના વચ્ચે આવતા એક સ્થળનું નામ છે. ધૌલા છિનાથી ત્રણ કિ.મી. દૂર એક પહાડની ટોચ પર મા આનંદમયીનો આશ્રમ છે. બહુ સુંદર સ્થાન છે. ખૂબ એકાંત અને પવિત્ર સ્થાન છે. આશ્રમનું દિવ્ય વાતાવરણ તમને ખૂબ ગમશે. તમે ત્યાં જરૂર જજો.’
‘સારું. અમે ધૌલા છિના રોકાણ કરીશું. મા આનંદમયીના આશ્રમે જરૂર જઈશું.’
‘ભલે, અમે તમારી વાટ જોઈએ છીએ. વહેલા-વહેલા અલમોડા આવજો.’
‘હરિ ઓમ.’
વાત પૂરી થઈ.
અમારી યાત્રાસ્થાનોની યાદીમાં એક સ્થાન નવું ઉમેરાયું – ધૌલા છિના (ધવલ છિના)નો મા આનંદમયીનો આશ્રમ. તે જ દિવસે સવારે આદિબદ્રીથી નીકળીને કોટિભ્રામરીદેવી અને બૈજનાથ મહાદેવનાં દર્શન કરીને અમે સાંજે બાગેશ્વર પહોંચ્યા. બીજે દિવસે પાતાલ-ભુવનેશ્વરનાં દર્શન કરીને પાછા ફર્યા અને રાત્રિનિવાસ વેરીનાગમાં કર્યો. હિમશિખરોનાં દર્શન કરવા માટે વેરીનાગ આદર્શ સ્થાન છે. વહેલી સવારે હિમગિરિમાળાનાં દર્શન કરીને અમે નીકળ્યા. બપોર થતાં પહેલાં ધૌલા છિના પહોંચી ગયા.

‘ધૌલા’ શબ્દ તો ‘ધવલ’ શબ્દ પરથી બન્યો છે. ધવલ અર્થાત ધૌલા એટલે ધોળું કે સફેદ તે તો બરાબર, પણ આ ‘છિના’ શું છે ? છિના આ વિસ્તારની પહાડી ભાષાનો શબ્દ છે. બે પહાડની વચ્ચે થોડો નીચો ભાગ હોય છે, જ્યાંથી રસ્તો પસાર થઈ શકે છે. તેવા સ્થાનને ‘છિના’ કહેવામાં આવે છે. છિના એટલે છીંડું એવો અર્થ તો નહિ હોય ને ? કારણ કે છિના પણ બે પહાડની વચ્ચેથી નીકળવાનું એક પ્રકારનું છીંડું જ ગણાય. આ ધૌલા છિનામાં પણ આવી રીતે બે પહાડની વચ્ચેના નીચા ભાગમાંથી રસ્તો પસાર થાય છે. ધૌલા છિના પહોંચતાં જ રસ્તા પર જ એક શાળાનાં દર્શન થયાં. શાળાનું નામ છે : ‘श्री मा आनंदमयी विधालय’ વિદ્યાલયના ગણવેશમાં સજ્જ થયેલાં બાલક-બાલિકાઓ ઝડપથી શાળા તરફ ગતિ કરી રહ્યાં છે. તે બાળકોને જ અમે પૂછ્યું :
‘આનંદમયી માનો આશ્રમ ક્યાં છે ?’
બે-ત્રણ બાલિકાઓ ઉત્સાહભેર આગળ આવી અને બોલી : ‘જુઓ, આ સામે દેખાય છે, તે પગદંડી આશ્રમ સુધી જાય છે.’ અમારે આ પહાડી પગદંડીના માર્ગે અહીંથી ત્રણ કિ.મી. ચાલવાનું છે. અમે તૈયાર થયા અને પગપાળા યાત્રાનો પ્રારંભ થયો.
આકાશ વાદળોથી છવાયેલું છે. હમણાં વરસાદી હવામાન તો નથી, પણ આજે હવામાનમાં કાંઈક પલટો આવ્યો હોય તેમ લાગે છે અને હિમાલયમાં તો વરસાદ ગમે તે ઋતુમાં, ગમે ત્યારે આવી જાય તેમ બની શકે. અહીં તો – સદા રહત બર્ષા ઋતુ હમ પર ! વરસાદ આવે તો ભલે આવે, પણ અમારે મા આનંદમયીના આશ્રમે જવું તો છે જ. અમે ધીમે પગલે પહાડી પગદંડીને રસ્તે ચઢાણ ચડવાનો પ્રારંભ કર્યો. ચાલવાનો પ્રારંભ કરો અને ચાલતા રહો, ભાઈ ! જે ચાલશે તે ક્યારેક પહોંચશે. ‘ચરાતિ ચરતો ભગઃ |’ આમ, અમે પણ ચાલવાનો પ્રારંભ કર્યો અને ચાલતા રહ્યા. પ્રારંભમાં રસ્તો પહોળો છે, મોટર ચાલી શકે તેટલો પહોળો છે, પરંતુ રસ્તો બનાવેલો હોવા છતાં એટલો ઊબડખાબડ છે કે મોટર ક્યાંક વચ્ચે જ રહી જાય. તેના કરતાં તો ચાલવું જ સારું. ભગવાને આપેલા બે પગ જેવું કાર્યક્ષમ સાધન હજુ બીજું શોધાયું નથી. અમે તો આ બે પગને આધારે ચાલવા માંડ્યા. પહોળો રસ્તો પૂરો થયો એટલે એક સાંકડી પહાડી પગદંડીનો પ્રારંભ થયો. ચઢાઈ તો છે, પરંતુ સાવ સૌમ્ય ચઢાઈ – ચડવાનું ગમે તેવી ચઢાઈ. રસ્તાની બંને બાજુ વૃક્ષો તો છે, પણ સાવ પાંખાં. બંને બાજુ મોટા કદનાં પણ પાંખાં વૃક્ષો છે. આંખને ગમે તેવી વાત તો એ છે કે આ આખા પહાડ પર લગભગ સર્વત્ર ઘાસ ઊગી નીકળેલું છે. ચોમાસાના અંતિમ દિવસો છે. ધરતી સાવ લીલુડી ધરતી બની ગઈ. વચ્ચેવચ્ચે ક્યાંક આપ-મેળે ઉગીને ખીલેલાં પુષ્પોનાં ઝુંડ નજરે ચડે છે. પહાડનો આકાર એવો છે કે જાણે ખૂબ વિશાળ કાચબાની પીઠ પર ચડતા હોઈએ તેમ લાગે છે. અચાનક જ ગીચ ઝાડી આવી. બાપ રે ! પગદંડીની બંને બાજુ ખૂબ મોટા કદના ઘેઘૂર બિછુઆ ઊગી નીકળેલા છે. ઊગી નીકળેલા જ નથી, અડાબીડ જામ્યા છે. એમ જ કહો ને કે ફાટીને ધુમાડે જ ગયા છે !
અમે સૌ સાથી-મિત્રોને સાવધાન કરી દીધા.
‘જુઓ, આ બિછુઆ છે. શરીરને તેનો સ્પર્શ ન થઈ જાય તેની કાળજી રાખજો, નહિ તો કાળી બળતરા થશે.’ …પણ સાવધાની રાખવી કેમ ? બિછુઆ માથા-ઢંક ઊભા છે. હિમલાયની યાત્રા તો અમે અનેક વાર કરી છે અને બિછુઆ પણ ખૂબ જોયા છે, તેમના સ્પર્શની બળતરા પણ માણી છે, પણ આટલા મોટા, આટલા ઊંચા બિછુઆ પહેલી વાર જોયા. કેટલીક ડાળીઓ તો માથાની ઉપર ઝૂલે તેવડા મોટા આ બિછુઆ છે. પગદંડીની બંને બાજુ એટલા બિછુઆ થયા છે કે સામસામે અડી ગયા છે. તેમની વચ્ચે રહેલી આ પગદંડી પરથી જ પસાર થવાનું છે. બીજી પગદંડી જ નથી, બીજો વિકલ્પ જ નથી. કરવું શું ? આ જ બિછુઆની વચ્ચેથી, આ જ પગદંડી પર ચાલ્યા વિના બીજો કોઈ ઉપાય જ નથી. હાથમાં નાની-નાની, જેવી મળી તેવી લાકડીઓ રાખીને તેના વડે બિછુઆને યશાશક્ય દૂર રાખીને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એકબીજાને કહેતા રહીએ છીએ :
‘જાળવજો ! સાવધાન રહેજો !’
બિછુઆની ડાળીઓ અને ખાસ તો તેનાં પાન શરીરના કોઈ અંગને સ્પર્શ ન કરે તે માટે એકબીજાને મદદ પણ કરીએ છીએ. આમ, અથડાતા-કુટાતા, વચ્ચેવચ્ચે સિસકારા મારતા અમે આગળ ચાલ્યા.
આખરે અમે આ બિછુઆના જંગલમાંથી બહાર નીકળ્યા. ખૂબ સાવધાની રાખવા છતાં પ્રત્યેકને બિછુઆના સ્પર્શનો થોડોઘણો પ્રસાદ તો મળ્યો જ છે. કોઈને ત્રણ ઠેકાણે, કોઈને પાંચ ઠેકાણે અને કોઈને વળી આઠ ઠેકાણે આ બિછુઆનો કટુ-તીક્ષ્ણ સ્પર્શ મળ્યો છે. સૌને સૂચના આપી છે :
‘જે સ્થાને બિછુઆનો સ્પર્શ થયો હોય તે સ્થાને ખજવાળશો નહિ. તે સ્થાને ઝીણા કાંટા ચોંટેલા હશે. જાળવીને તે કાંટા વીણી લો એટલે રાહત રહેશે.’ થોડી વાર તો બધા આ અંગમાં ચોંટેલા કાંટા વીણવામાં વ્યસ્ત રહ્યા. પણ કાંટા એટલા ઝીણા હોય છે કે વીણવા મુશ્કેલ બને છે. અમારામાંથી એક ભાઈએ બળાપો કાઢ્યો પણ ખરો :
‘આવો સરસ આશ્રમ છે અને આશ્રમની પગદંડીમાં આટલા બિછુઆ છે ! આ લોકોને આ બિછુઆ કઢાવી નાંખવાનું કેમ સૂઝતું નથી ?’ …પણ ભાઈ બળાપો કાઢવાથી કાંઈ બિછુઆ ચાલ્યા જવાના નથી. માટે શાંત રહો અને આગળ ચાલો, આગળ ચાલો, આગળને આગળ ચાલ્યા જ કરો – આ જ ઉપાય છે, આ જ સાચો ઉપાય છે. તે પ્રમાણે અમે પણ આગળ ચાલ્યા. સાવ ધીમો-ધીમો ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદનાં અમીછાંટણાંએ અમારી બિછુઆની વેદનાને ધોઈ નાંખી, વેદનાનું શમન કર્યું. અમે તો બસ આગળ ને આગળ ચાલતા જ રહ્યા.
આખરે આશ્રમનાં મકાનો દેખાયાં. અહીં ઝાડપાન બહુ નથી. સર્વત્ર લીલુંછમ ઘાસ ઊગી નીકળ્યું છે. કાચબાની ઢાલ જેવા આકારનું એક મોટું મેદાન છે. સામાન્ય રીતે પહાડની ટોચ પર જગ્યા સાવ થોડી, સાવ સાંકડી હોય છે. પણ આ પહાડની ટોચ તેમાં અપવાદરૂપ છે. અહીં તો પહાડને મથાળે એક વિશાળ ખુલ્લી જગ્યા છે. બાજુમાં બીજા ઊંચા પહાડો છે, પરંતુ અહીં તો એક વિશાળ પહાડને મથાળે એક વિશાળ મોટું થોડા-થોડા ઢાળવાળું મેદાન છે. ઢાળનો આકાર પણ કેવો ? જાણે કાચબાની પીઠના ઢાળ જેવો ! હિમાલયમાં આટલી ઊંચાઈ પર આટલી મોટી ખુલ્લી જગ્યા અને વિશેષ વાત તો એ છે કે અહીં વૃક્ષો પણ નથી. જાણે ભુગ્યાલ જ જોઈ લો. ઝાડપાન વિનાના થોડા-થોડા ઢાળવાળા ઘાસના મેદાનને હિમાલયના લોકો ભુગ્યાલ કહે છે. આ પણ આવું એક ભુગ્યાલ છે. આશ્રમમાં પહોંચ્યા. જોઈને મન પ્રસન્ન થઈ ગયું. આશ્રમ કૂર્મપીઠાકાર જમીન પર વસેલો છે. બહુ મોટી વાત. આશ્રમમાં કોઈ કળાતું નથી. પ્રગાઢ નીરવ શાંતિ જ અનુભવાય છે. નાની-નાની સુંદર કુટિયાઓ છે. કોઈ માનવીનો પદસંચાર કે વાણીસંચાર પણ કળાતો નથી. આશ્રમમાં કોઈ છે કે નહિ ? હશે તો ખરા જ, પણ બૂમાબૂમ કરીને કોઈને બોલાવવાની પદ્ધતિ અહીં આશ્રમના પરિસરમાં શોભે નહિ. અમે શાંત રહ્યા. કોઈ મોજાં વિનાના શાંત સરોવરના પ્રશાંત જળમાં પથ્થર ફેંકીને પાણીની શાંતિને હણી નાંખવી તે અપરાધ છે. આટલા નીરવ, શાંત વાતાવરણમાં મોટેથી બોલવું તે પણ અપરાધ છે. બૂમાબૂમ કરવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આશ્રમ-પરિસરના સૌથી ઊંચા સ્થાન પર, સૌની વચ્ચે એક થોડી મોટી કુટિયા છે. કુટિયા ખુલ્લી જ છે. અમે દબાતે પગલે અને બંધ જીભે અંદર પ્રવેશ કર્યો. અરે, આ તો શ્રીમાનું મંદિર છે. મુખ્ય દ્વારની સામે જ એક આસન પર શ્રીમાની ચિત્રમૂર્તિ પધરાવેલ છે. ચારે બાજુની દીવાલો પર પૂ. માનાં અનેક ચિત્રો ગોઠવેલાં છે. પૂ. માની ચિત્રમૂર્તિની સામે એક પ્રજ્વલિત દીપ અને ધૂપ છે. આખા ઓરડામાં ગાલીચા પાથરેલા છે. અમે ગાલીચા પર બેઠા. ચારે બાજુની મોટી બારીઓમાંથી વિશાળ, ઉત્તુંગ અને લીલાછમ પહાડોનાં દર્શન થાય છે. કેવા સુંદર સ્થાને આશ્રમ બન્યો છે ! કેવું સુંદર વાતાવરણ છે ! કેવું એકાંત અને કેટલી શાંતિ ! આ સ્થાનની પસંદગી કોણે કરી ? અહીં આશ્રમ બન્યો કેવી રીતે ? અહીં આશ્રમ બનાવવાનું આયોજન કોણે કર્યું અને તેનો અમલ કોણે અને કેવી રીતે કર્યો ?

No comments:

Post a Comment