Friday, 15 June 2012

ત્રિપુરામાં – ડંકેશ ઓઝા

હવે સીલ્ચર થઈને ત્રિપુરાની રાજધાની અગરતલા જવાનો ખ્યાલ હતો તેથી આગલી સાંજે જ સીલ્ચર પાર્કિંગમાં જઈને છ ટિકિટો બુક કરાવી. બીજે દિવસે સવારે સાત વાગે ઊપડેલી બસે આખા દિવસના પ્રવાસને અંતે અમને સીલ્ચર રાત્રે આઠ વાગે અંધારામાં વરસાદી ગંદકીમાં શહેર બહાર હાઈવે પર ઉતાર્યા. તે પૂર્વે આવેલું જીરીબામ મણિપુર બોર્ડરનું છેલ્લું ગામ છે. ત્યાર પછી આસામની સરહદ શરૂ થાય છે. આને કારણે જીરીબામમાં ઘણી અવઢવ રહી હતી. આ બસ અમને અહીં ઉતારીને બીજા નાના વાહનમાં સીલ્ચર પહોંચાડશે એવી પણ શક્યતા હતી. બધા જ પ્રવાસીઓ અનિશ્ચિત દશામાં હતા. અંતે કોઈ ફેરફાર વગર આ બસ છેક સીલ્ચર મુસાફરોને લઈ જશે એવું નક્કી થયું ને બધાએ હાશકારો અનુભવ્યો.
ઈમ્ફાલથી સીલ્ચરનો પહાડી રસ્તો એટલો અદ્દભુત છે કે અમે તો આગળ જવા માટે આ પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંય ન જવું હોય તો પણ ચોમાસાની શરૂઆતમાં આછા વરસાદમાં આ પ્રવાસ માણવા જેવો છે. ગોવાથી મહાબળેશ્વરનો આવો પ્રવાસ યાદ આવી ગયો. કુદરતમાં ફરતાં હોઈએ ત્યારે તેના નિરીક્ષણમાં આપણી કલ્પનાઓને છૂટો દૂર સાંપડતો હોય છે. આકાશમાં સફેદ વાદળોના પુંજ એવા ખડકાયેલા અને વિસ્તરેલા હતા કે તમને દરિયાની પણ અનુભૂતિ થાય. દૂર દૂરના ભૂરા પહાડો પર સફેદ વાદળોની બિછાત ક્યારેક બરફીલા પહાડો હોવાની ભ્રમણા ઊભી કરી જાય. ખીણોમાંથી ઉપર ઊઠતાં ઢગલાબંધ વાદળો. ક્યાંક હવામાં સરકતાં વાદળો અને ક્યાંક વાદળોને લીધે ધૂપછાંવની સ્થિતિ. આ બધું બસની બારીએ બેઠા બેઠા કલાકો સુધી માણવું એ પણ એક અદ્દભુત લહાવો છે. કોઈને ખજુરાહોનાં શિલ્પો પણ દેખાયાં. કોર્ણાકનાં શિલ્પો પણ દેખાય ને કંઈકનું કંઈક દેખાય. માણસના વિચારને કે કલ્પનાને કોઈ સીમા કે બંધન હોતાં નથી. આવા કુદરતનાં વિવિધ સ્વરૂપો અને ઉન્મેષો અંગતજન સાથે માણવાની પણ એક મજા હોય છે.

સીલ્ચર એવું મુખ્ય મથક છે જ્યાં તમારે વારંવાર આવવું પડે. ત્રિપુરા જવા માટે આવવું પડે, મિઝોરમ જવા માટે આવવું પડે અને શિલૉંગ જવા માટે પણ ત્યાંથી પસાર થવું પડે. સીલ્ચરમાં હોટલ ‘કલ્પતરુ’માં રોકાયા જે એસ.ટી. બસમથકને અડીને છે. રાત્રે મોડા પહોંચ્યા હોવાને કારણે બીજે દિવસે અગરતલા જવા માટે પાકી માહિતી મળી ન હતી, પરંતુ સવારમાં વહેલા નીચે ઊતર્યા તો સવારના 6:30ની અગરતલાની સીધી બસ અમને અચાનક મળી ગઈ. કાઉન્ટર પરથી બુકિંગ કરાવી બેસી ગયા. ઈમ્ફાલથી સીલ્ચરના પ્રાઈવેટ બસમાં, બાર કલાકની મુસાફરીના, રૂ. 250 થયા હતા, એટલા જ સમયની સીલ્ચરથી અગરતલાની એસ.ટી. બસમાં રૂ. 130 થવાના હતા.
અગરતલામાં મોટર સ્ટેન્ડે ઊતરીને રાત્રે હોટલની શોધખોળ શરૂ કરી તો સંતોષકારક ને ખાલી જગ્યા ન મળે. અંતે અમે ઊભા હતા ત્યાંથી તદ્દન નજીકમાં શનિતલા સામે ‘સમ્રાટ’ હોટલ મળી ગઈ અને તેના માલિક બંગાળીબાબુ સાથે મજા આવી. અમને વેજિટેરિયન ફૂડ માટે પણ તે સામે ચાલીને જગ્યા બતાવવા આવ્યા. મજાનો અનુભવ એ થયો કે શુદ્ધ શાકાહારી ભોજન શોધતા હોવ ત્યારે સ્વસ્તિક ભોજનાલયમાં ડુંગળી-લસણ ભોજનમાં તો ન હોય, પરંતુ તમારી પાસે હોય તોપણ ખાવાની મનાઈ. અમારામાંના મોટા ભાગનાને માંસ-મચ્છી નહીં, પણ ડુંગળી અચૂક જોઈએ. અહીં તો તેમની ડુંગળી પર પણ પ્રતિબંધ આવી ગયો. મહારાષ્ટ્રના બોગનગેરના એક સત્સંગી સંપ્રદાયનાં બહેન આ લૉજ ચલાવતાં હતાં અને અમને થાળીની અંદર કેળના ધોયેલા પાનમાં ભોજન પીરસવામાં આવ્યું હતું.
ત્રિપુરાની રાજધાની અગરતલામાં રાજમહેલ અને મંદિરો જોવા જેવા છે. ઉજ્જયતા પૅલેસ સરોવરને કિનારે વિશાળ જગ્યામાં ઊભેલો છે. તેની બિલકુલ બાજુમાં ટુરિઝમની ઑફિસ છે. વારસદાર રાણી ક્યારેક અહીં નિવાસ કરતાં હોય છે. એ વધુ સમય કોલકતા રહેતાં હોય છે. મહેલના કેટલાક ભાગમાં ઑફિસો પણ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં અવારનવાર યોજાય છે. અમે રોકાયા એ દિવસોમાં કોલકતા દૂરદર્શન તરફથી બંગાળી લોકનૃત્યનો કાર્યક્રમ પૅલેસ કમ્પાઉન્ડમાં રવીન્દ્રભવનમાં યોજાયો હતો, જેનું ઉદ્દઘાટન કોલકતાના રાજ્યપાલે કર્યું હતું. અમારામાંના બે મિત્રોએ આ કાર્યક્રમનો પૂરો લાભ લીધો.
અગરતલાની આસપાસ જોવા જેવાં ઘણાં સ્થળો છે. અમે 50-60 કિ.મી.ના વિસ્તારનાં સ્થળો એક દિવસમાં થઈ શકે તેવી રીતે કરવાનું નક્કી કર્યું. આખા દિવસની મારુતિ ઓમનીના રૂ. 1000 ઠરાવીને ફરવા નીકળ્યા. ટુરિઝમનાં વાહનો તેમના કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ત્યાંના કર્મચારીના મદદ અને માર્ગદર્શન હેઠળ સ્થળો અને વાહનનું નક્કી કર્યું. સૌપ્રથમ અમે કમલાસાગર ગયા. રાજધાનીની નજીકનું આ સુંદર પ્રાકૃતિક સ્થળ છે. બાંગલાદેશની સરહદ સરોવરને પેલે પાર છે. 16મી સદીનું કાલી ટેમ્પલ સરોવરના કિનારે થોડી ઊંચાઈ પર છે. એપ્રિલ અને ઑગસ્ટમાં ભારત અને બાંગલાદેશમાંથી યાત્રિકો કાલીમંદિરમાં એકઠા મળતા હોય છે. મહારાજા કલ્યાણ માણિક્યે આ સરોવર બંધાવ્યું હોવાનું કહેવાય છે. બાજુમાં કાફેટેરિયા પણ છે અને પ્રસાદ-પૂજાની દુકાનો મંદિર અને સરોવરની વચ્ચે છે. ટુરિસ્ટો માટે સરોવર કિનારે એક તરફ બેસવાની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. સિમેન્ટના થાંભલા અને તારની વાડ માત્ર આ સરહદે જોવા મળે છે અને થોડાક જવાનો તેની સુરક્ષા કરી રહ્યા છે. અમે સરોવર કાંઠે ઊભા રહ્યા એ દરમિયાન સરોવરને સામે કાંઠે વાડની બરાબર પાછળ એક મુસાફર રેલગાડી પણ પસાર થતી જોઈ. અહીં અમને રામનિવાસ નામનો સુરક્ષા જવાન મળી ગયો જેનો ભાઈ ઉત્તર ગુજરાતમાં કૉન્ટ્રાક્ટર હોવાથી તે ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યો હતો. પિયરનું કૂતરું મળે ને સ્ત્રીને આનંદ થાય તેવો આનંદ આ જવાનને જોઈને અમને ગુજરાતીઓને મળીને થયો. થોડી વાતચીત બાદ તેણે લીચી ડ્રીંક્સથી અમારી મહેમાનગતિ પણ કરી.
ત્યાંથી નીકળીને અમે નીરમહલ જવા નીકળ્યા. આ મહેલ રુદ્રસાગર સરોવરની વચ્ચે આવેલો છે. રાજસ્થાનનું ઉદેપુર શહેર લેક પૅલેસ માટે જાણીતું છે, પરંતુ પૂર્વભારતમાં આ એકમાત્ર નીરમહલ છે. રાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરે 1930માં તે બાંધવો શરૂ કરેલો અને 1938માં બાંધકામ પૂરું કરેલું. માંડ 70 વર્ષ પૂર્વેનું આ બાંધકામ આજે ખંડેરની અવદશામાં છે. આટલી સુંદર જગ્યાની કોઈ જ સારી જાણવણી થતી ન હોવાનું જોવા મળ્યું. નીરમહલ નામકરણ એ ટાગોરનું પ્રદાન છે. 24 જેટલા નાના-મોટા રૂમો અને બગીચા-ફુવારા બધું જ છે, પરંતુ કોઈ ઉપયોગ કે જાળવણી નથી. રાત્રે લાઈટિંગ કરીને મહેલનું સૌંદર્ય ખીલવવાનો પ્રયાસ થાય છે. રુદ્રસાગર સરોવર 5.3 કિ.મી.માં ફેલાયેલું છે. થોડાં પક્ષીઓ પણ જરૂર જોવા મળે છે. કિનારેથી મોટરબોટમાં યાત્રિકોને લઈ જવાય છે અને આ ખંડેર જેવો મહેલ જોવા 40 મિનિટ નાવિકો આપે છે. મારી ધર્મપત્ની ભારતીએ સાચું જ કહ્યું : ખંડર બતા રહા હૈ ઈમારત કિતની બુલંદ થી. અહીં કિનારે અમને ખૂબ મીઠાં લીલાં નાળિયેર પીવા મળ્યા અને કોપરું પણ એટલું બધું નીકળ્યું જે અમે ખાઈ શકીએ તેમ ન હતા. કિનારા પર સહારા મહલ ટુરિસ્ટ લૉજ છે. યાત્રિકો રાત્રિનિવાસ કરી શકે તેવાં સુંદર મકાનો દેખાતાં હતાં અને સાહિત્યમાં પણ તેની માહિતી પૂરી પાડવામાં આવી છે, પરંતુ તે ચાલુ છે કે નહીં તેની તપાસ ન કરી. અહીં અમને પ્રેરક નામના સુરતના ઈજનેરી વિદ્યાર્થીનો સંપર્ક થયો. તે ત્રિપુરાના તેના સાથી વિદ્યાર્થીને ત્યાં તેના પ્રદેશમાં ફરવા આવ્યો હતો. મૂળે વડોદરાનો હતો, પણ પ્રવેશ સુરત કૉલેજમાં મળ્યો હતો. મિત્રો સાથે તેને ફરવાનો આનંદ આવી રહ્યો હતો.
અહીંથી અમે ઉદેપુર થઈ ત્રિપુરાસુંદરી ગયા. એકાવન શક્તિપીઠોમાંની તે એક ગણાય છે. અહીં રોજ બપોરે 12:00 વાગે બકરાનો બલિ માતાજીને ભોગ ધરાવાય છે. નાનાં બાળકોના નામકરણવિધિ માટે બાળકો લઈને લોકો અહીં આવે છે. નીચે કલ્યાણસાગર નામનું સુંદર સરોવર છે જેમાં અસંખ્ય માછલીઓ અને થોડા મોટા કાચબા કિનારે જોવા મળે છે. લોકો માછલીઓને કુરકુરે અને કાચબાને બિસ્કિટ ખવડાવે છે. કિનારા પરની હોટલો તેનો કચરો અહીં જ ઠાલવતી હોવાનું પણ જોવા મળ્યું. ત્રિપુરાસુંદરીનું વાહન કાચબો છે. 15મી સદીમાં ત્રિપુરાના રાજા ધન્ય માણિક્યે આ મંદિર બંધાવેલું. રાજાને સ્વપ્ન આવ્યું હોવાની અને તે પછી વિષ્ણુના ધામમાં ત્રિપુરાસુંદરીની પ્રતિષ્ઠા કરી હોવાની કથા છે. આ શક્તિપીઠને કુર્મપીઠ પણ કહેવાય છે. કુર્મ એટલે કાચબો. અહીં દિવાળીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. હવે અમે ભુવનેશ્વરી મંદિર પહોંચ્યા જેને રવીન્દ્રનાથ ટાગોરે તેમના જાણીતા નાટક ‘વિસર્જન’ અને નવલ ‘રાજશ્રી’માં વર્ણવ્યું છે. એ સારી એવી ઊંચાઈ ઉપર આવેલું છે. આજે તે માત્ર પુરાતત્વના હવાલે આરક્ષિત સ્મારક છે. ઊભા ઊભા અંદર જઈ પણ ન શકાય તેવો તેનો નીચો દરવાજો છે અને શિખર કોઈ મોટું વાસણ ઊંધું પાડ્યું હોય તેવા આકારનું છે. નજીકમાં જૂના રાજમહેલના થોડા અવશેષો છે. નીચે ગોમતી નદી વહે છે. પુરાતત્વના સ્મારકમાં હવે તો મૂર્તિ પણ નથી અને બાજુની એક દેરીમાં મુકાયેલી મહાકાળીની મૂર્તિ તો તાજેતરની હોવાનું જણાય છે. અહીં ફેબ્રુઆરી 21-22-23ના રોજ મેળો ભરાય છે અને બંગાળ તથા બાંગલાદેશના યાત્રિકો અહીં મોટી સંખ્યામાં ઊમટી પડે છે. વનવિભાગે અહીં ઊંચો લાકડાનો વૉચ ટાવર ઊભો કર્યો છે જેના પરથી ચોપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી શકાય છે. મંદિર સુધી પહોંચવાના માર્ગે સુંદર રબર પ્લાન્ટેશન છે. જેના થડમાં રબ્બર એકઠું કરવાની કાચલીઓ પણ બાંધેલી જોવા મળી. આ કલેક્શન શિયાળામાં થતું હોય છે.
પાંચેક વાગ્યાના સુમારે અમે ફરીને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે અગરતલાની ગરમીને ધોધમાર વરસાદે અદશ્ય કરી મૂકી. ગ્રામ્ય વિસ્તારમાં અંદર સુધી જતા બધા જ રસ્તા ખૂબ સુંદર હતા અને ઘણે ઠેકાણે ડાંગરનું ઘાસ લોકો રોડ પર સૂકવતા હતા. વાહનો તેના પરથી પસાર થતાં હતાં. કમલાસાગર જતા ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સનું હેડક્વાટર્સ પણ હતું અને નીરમહલ જવાને રસ્તે થોડેક અંદર ઉગ્રવાદીઓનો વિસ્તાર પણ હતો. TSRના જવાનો ઘણે ઠેકાણે જોવા મળતા હતા. અમારા ડ્રાઈવર ઉત્તમના કહેવા મુજબ આ ઉગ્રવાદીઓ બહારની મિલેટરીથી ઓછા ડરે છે અને TSRના જવાનોથી વધુ ડરે છે. ત્રિપુરામાં ફરતાં ફરતાં સચિનદા એટલે આપણા ગીત-સંગીતકાર સચિનદેવ બર્મનની યાદ આવી ગઈ. અમે બંગાળી બાઉલ સંભળાવવા ડ્રાઈવર ઉત્તમને વિનંતી કરી. તેણે બે-ચાર લીટીઓ ખૂબ સુંદર રીતે ગાઈ સંભળાવી અને આવા જ બાઉલ સચિનદાના કંઠે ગવાયેલા સાંભળ્યાની સ્મૃતિના કિનારે અમને છોડી મૂક્યા. નીરમહલ રુદ્રસાગરના કિનારે ઉતારતાં તેણે છેલ્લી પંક્તિઓ ‘એકલો ચલો રે’ની ગાઈ જે સાંભળીને અમે બધા અનૂદિત પંક્તિઓ ગાઈ ઊઠ્યા : તારી જો હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે.
અમારી ‘સમ્રાટ’ હોટલની બાજુમાંથી આઉલબાઉલ નામની એક ઑડિયો-વીડિયો સીડી પણ ખરીદી. અગરતલામાં સવારમાં ચાલતાં અમે જે બે-ચાર મંદિર જોયાં તેમાંનું એક લોકનાથનું હતું. એ શંકરનો અવતાર ગણાય છે અને બંગાળીઓ તેમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. ઠેકઠેકાણે પછી તો આ લોકનાથના ફોટા અમે ઓળખી શક્યા, જેમાંનો એક અમારી ગાડીમાં પણ હતો. ઉજ્જ્યતા મહેલથી સહેજ આગળ ત્રિપુરા વિધાનસભા છે જેની સામે મુખ્યમંત્રી નિવાસ છે. વિધાનસભાની બાજુમાં ત્રિપુરા-પબ્લિક સર્વિસ કમિશન અને અન્ય સરકારી કચેરીઓ છે. મહેલના સરોવરની સામે કાંઠે ઉમા-મહેશ્વરની મૂર્તિઓ સાથેનું સુંદર પ્રાચીન મંદિર છે. જેના પરિસરમાં અમને અહીંની નગરપાલિકાના ભૂતપૂર્વ ચૅરપર્સન શ્રી શાહા મળી ગયા, જેમને સાથે ઊભા રાખીને પગથિયે અમે ફોટા પણ પડાવ્યા. અગરતલામાં શંકુતલા રોડ પર ઓરિયન્ટ ચોક નજીક ગુજરાત લૉજ આવેલી છે, જે અમે શોધી કાઢી. ખખડધજ મકાનમાં ઉપરના માળે તે છે. મૂળ સાવરકુંડલાના અશોક ગાંધી તે ચલાવે છે અને તેમનો જન્મ અહીં થયેલો છે. તેમના બાપુજી હવે કોલકતા રહે છે. તેમને ગુજરાતી બોલતા સાંભળીને ખૂબ આનંદ થયો, પણ ગુજરાતી ભાણાથી સંતોષ ન થયો. જમતાં જમતાં જૂનાં હિન્દી ફિલ્મી ગીતો ટી.વી. પર જોવા-સાંભળવાની મજા આવી ગઈ અને કોલકતાનું ‘ટેલિગ્રાફ’ વાંચવાની પણ. એમનો દીકરો MBA કરતો હોવાથી તેઓ છાપું મને આપી ન શક્યા. રોજ સવારે તેઓ અચૂક અડધો કલાક જૂનાં હિન્દી ગીતો સાંભળે છે. એકાદ ભાઈને બાદ કરતાં બધા હજુ ગુજરાતીઓને જ પરણ્યા છે અને છેલ્લે પાંચ વર્ષ પૂર્વે તેઓ ગુજરાત ગયા હતા. મારવાડીઓ અને અહીંના લોકો પણ ગુજરાતી લૉજમાં અહીં જમવા આવે છે.
સામ્યવાદી સરકાર કેવીક ચાલે છે એની વાતો અમે ડ્રાઈવર સાથે કરતા રહ્યા હતા. પાંચ ધોરણ સુધીનાં ગરીબ બાળકોને મફત પાઠ્યપુસ્તકો અને મધ્યાહ્ન ભોજનની બાબતથી સામાન્ય લોકોને ઘણો સંતોષ હતો. અગરતલામાં પહેલાં ગુંડાગર્દી ઘણી હતી, પરંતુ હવે સામ્યવાદીઓએ મસ્તાનોને અંદરોઅંદર લડાવી મારીને લોકોને વેપારીઓને શાંતિ કરી દીધી છે એવો પણ એનો મત હતો. લાંબા સમયથી સામ્યવાદી શાસન હોવા છતાં જેમ કોલકતામાં તેમ અહીં પણ કોઈ સીધો તફાવત સામાન્ય માણસની નજરે પડતો નથી. ઠેકઠેકાણે સુભાષબાબુના અને રવીન્દ્રબાબુનાં બાવલાં જરૂર જોવાં મળતાં હતાં.

No comments:

Post a Comment