Thursday, 14 June 2012

યાત્રા ગુર્જરી – ડૉ. આરતી પંડ્યા

દ્વારિકાથી દમણ અને વેરાવળથી વલસાડ : આ તો, ગુજરાતના માનચિત્રને આંખોમાં ઉતારવાનો સંકેત માત્ર, તેની માટીની સુગંધમાં, અતીતનો ઈતિહાસ એટલાં બધાં જાજરમાન રૂપ જાળવીને બેઠો છે કે આપણે આશ્ચર્ય પામી જઈએ !
હા, આ પણ ગુજરાત છે, મિત્રો. પુસ્તકોનાં પાનાંઓની બહાર, વ્યાખ્યાનોના શબ્દોથી અલગ અને સમાજજીવનના સુખ દુ:ખના સમુદ્રનું સાક્ષી ગુજરાત ! પશ્ચિમ કિનારે એક ટપકા જેવડું ગામ તે દ્વારિકા. પુરાવિદ આર. કે. રાવે સમુદ્રતળે સંતાયેલી દ્વારિકા નગરીને શોધવા જહેમત લીધી છે. કૃષ્ણ તો અહીં આવ્યા જ હતા ને વિષાદયોગનો અનુભવ કરવા પ્રભાસપાટણ પહોંચ્યા હતા, પણ એ પછી એ દ્વારાવતીએ કંઈક સુખ-દુ:ખ પચાવ્યાં. જ્યાંથી તમે આજે રણછોડરાયનાં દર્શન કરીને સામે ખળભળતો સમુદ્ર જુઓ છો, ત્યાં જ 1860માં બહાદુર વાઘેરાણીઓએ ભીનાં ગોદડાંથી અંગ્રેજી તોપમારાને નાકામિયાબ બનાવ્યો હતો. મૂળુ માણેક બહારવટિયો તો હતો પણ નેકટેક અને સ્વાધીનતા માટેનો લડવૈયો. નાનાસાહેબ પેશવાના ભાઈ રાવસાહેબની તેને પ્રેરણા મળી હતી એટલે તો ગવાયું : ‘ના છડિયાં હથિયાર, અલ્લાલા બેલી, મરણે જો હકડીવાર !’ દ્વારકાથી થોડેક દૂર ઓખા (શું એ મહાભારતકાલીન અનિરુદ્ધની પ્રિય ઉષાને નામે અર્પિત થયું હશે ? કોણ જાણે…) અને ત્યાંથી સમુદ્રમાર્ગે બેટ દ્વારિકા. વૈષ્ણવ હવેલીનો અહીં પરાપૂર્વ વૈભવ દેખાય છે.
સમુદ્રના કિનારે કિનારે વેરાવળ આવે. ત્યાં ઊભું છે સોમનાથ મહાલય. ભારતનું શ્રદ્ધાકેન્દ્ર. મુનશીની ‘જય સોમનાથ’ નાં બધાં વર્ણનો તાદશ થાય આ કિનારે. નવા સોમનાથની સાથે જોડાયેલી છે સરદાર પટેલની સ્મૃતિ. જૂનાગઢ પાકિસ્તાનમાં ભળવા થનગનતું હતું ત્યારે આરઝી હકૂમતે નવાબને પડકાર્યા અને બહાઉદ્દીન કૉલેજના પ્રાંગણમાં સરદાર સાહેબ ભારતમાં વિલય જાહેર કરીને સીધા જીર્ણશીર્ણ સોમનાથ આવેલા ! જૂનાગઢ તે સોરઠવાસીનું જુનાણું. ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ના’વા જાય ! પણ નરસૈંયો જ ? ગરવા ગિરનારે જાળવી છે ‘મા પડ મારા આધાર’ કહીને આશ્વાસન આપતી રાણકની અગ્નિપિંડ જેવી સ્મૃતિ ! પાટણના સિદ્ધરાજ જયસિંહને તેણે તિરસ્કારથી કહ્યું હતું : ‘બાળું પાટણ દેશ, પાણી વિના પૂરા મરે, સરવો સોરઠ દેશ, સાવઝડાં સેંજળ પીએ !’ ભેગાવાના કાંઠે રાણક સતી થઈ અને સિદ્ધરાજને હાથ ન આવી, ને ના’જ આવી.

ગીરના જટાજુટ જંગલમાંથી પસાર થતાં સતાધાર આવે, કલૈયા કુંવરનું (અને શ્રી મન્નથુરામ શર્માનુંયે) બીલખા આવે, સંત દેવીદાસની જગા આવે, ફિરંગી ટપકાં જેવું ‘દીવ’ પણ દેખાય, અને એમ સમુદ્ર કિનારે જ મળી જાય પોરબંદર. ગાંધી અહીં જન્મ્યા હતા. સૌરાષ્ટ્રનું એક ચિરસ્મરણીય સ્થાન છે લોથલ. જામનગર જિલ્લાના રોજડી જેટલું જ તેનું મહત્વ. 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિને જાળવીને તે બેઠું છે. જે દિવસે અમે ત્યાં હતાં, રાત્રે ચાંદની રેલાતી હતી, ને અતિથિગૃહની બારીએથી દેખાતું હતું, સાવ સામે, પાંચ હજાર વર્ષ પૂર્વેનું નગર ! જાણે, આપણે પણ વીસમી સદીને બદલે તે સમયનાં પાત્ર હોઈએ અને લોથલની સુસંસ્કૃત, સુઘડ ગલીમાંથી પસાર થતાં હોઈએ…..
સૌરાષ્ટ્રના શિરમોરની જેમ બેઠું છે તે કચ્છ. રણની વિસ્તરતી ખારાશ વચ્ચે જવાંમર્દ જિંદગીનો અસબાબ જાળવીને એ બેઠું છે. છેક છેવાડેના નારાયણસર અને કોટેશ્વર લગી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ગયા હશે, ને લખપત લગી તો ગુરુ નાનક પણ ! કોટેશ્વરની શિવપ્રતિમા પર અલ્લાઉદ્દીન ખીલજીનો પ્રહાર થયો હતો ને, આ જ કચ્છે ‘ઝારાનો મેદાને જંગ’ પણ ખેલ્યો હતો ! ખાવડાથી આગળ જ્યાં સિંધ પાકિસ્તાનની સરહદો ભળી જાય છે તે, ‘પચ્છમાઈ પીર’ અર્થાત ‘કારો ડુંગર’ ની યાત્રા એટલે દરેક પળે ભીષણ જોખમનો અહેસાસ. ગુરુ દત્તાત્રેય અહીં અલખ જગવીને બેઠા હશે ત્યારે તો કેવી દુર્ગમ સ્થિતિ હશે ? અમે શિખર પરથી જોયું. રણમાં આકાશી સાંજ ઢળી ગઈ હતી. સાં-ય સાં-ય હવા અને સુદૂર લગી સફેદ રેતનો વિસ્તાર. માણસ નામનું પ્રાણી તો ક્યાંથી હોય ? થોડાંક ઊડીને દૂર દોડ્યે જતાં પંખીઓ ! રાતના અંધારે વીજળી દીવા વિના, મંદિર ઘંટારવ થયો, શિયાળવાંની લારી બંધ થઈ ને ખુલ્લા આકાશે ઘંટનો નિનાદ ફેલાયો. આંખોમાં એક આખું કચ્છ સળવળતું હતું ત્યારે.
- અને ઉત્તર-દક્ષિણ ગુજરાત ? પાવાગઢની પહેલાં ‘પટ્ટન સો દટ્ટન’ ‘રાણીકી વાવ’ ને ‘રાણકી વાવ’ કહેવામાં ઈતિહાસ ક્ષોભ શાનો હોય ? પાટણની શેરીઓ મુનશીની નવલકથાનાં પાત્રોની યાદ તાજી કરાવે તેવી ખરી. હમણાં કોઈક ગલીની એક તરફના ઝરૂખે પાટણનારીનો ગેલભર્યો સ્વર સંભળાશે એવો આભાસ થાય. પાટણથી થોડેક દૂર જ રૂદ્રમહાલય છે. છેક ઉત્તરથી આવેલા બ્રહ્મદેવો-જે પછી ઔદિચ્ય કહેવાયા – રૂદ્રમાળની પૂજનવિધિના પહેલા કર્મકાંડીઓ હતા.
અભિશાપિત બનાસકાંઠાના છેવાડે એક સા-વ નાનું ગામ તે સૂઈ ગામ. ત્યાંથી જલોયા, ભારતની સરહદનું છેલ્લવેલું ટપકું. પછી નગરપારકર ક્ષેત્ર શરૂ થાય. ભારતના સરહદી સુરક્ષા દળના જવાનો અહીં ધામા નાખીને પડ્યા છે. દુર્ગમ રણમાં થોડાક બેટ છે. નડા બેટ એમાંનો એક. નાડેશ્વરીમાનું મંદિર બી.એસ.એફના હરિયાણવીથી મદ્રાસી દળના જવાનોનું સાંજ ટાણાનું ભક્તિસ્થાન બની જાય છે. ઢોલ, ઘંટડી અને પખવાજ : અને એકબીજાનો ભળી જતો માતૃભક્તિનો ભજનસ્વર ! કેવું સાંસ્કૃતિક લઘુભારત રચાઈ જાય છે, આ સાવ નિર્જન રણમાં !
પણ થોભો. આપણે શામળાજી પણ જઈ આવીએ. મેશ્વોના કાંઠે આ વનવાસી તીરથભૂમિ છે; અનેક આક્રમણો પછી સાબૂત રહેલી વૈષ્ણવભક્તિ ! ‘કળથી છોકરાની મા’ ને વનવાસી પૂજે અને શામળાને વૈષ્ણવો. અહીંથી આગળ જતાં ઈડર દેખાય ને ‘ઈડરિયો રમણીય ગઢ જીત્યા’ નું લોકગીત હોઠે ચડે. આવું જ રમણીય છે પાવાગઢ. ગુજરાતે માતૃભક્તિનો બહુ મહિમા કર્યો છે. પાવાગઢમાં મહાકાલી બેઠાં છે, ખડગધારિણી મહિષાસુરમર્દિની દેવી. હોંશેહોંશે, થાક્યા પગલે પાછા ફરે છે. ક્યાં પહોંચશે આ વણઝાર ?
તમે ગુજરાતમાં હો અને મધ્યકાળના કલાત્મક વારસાને સાચવતું મોઢેરા ન જુઓ તો સાંસ્કૃતિક સમજની અધૂરપ રહી જાય ! આ ‘સૂર્યમંદિર’ આપણી ઉત્તમ શિલ્પકલાને સૂરજની સાક્ષીએ વ્યક્ત કરે છે એવી રીતે કે તેના દરેક ભાગમાં સૂર્યનું રૂપ અનિવાર્ય તો રહેવાનું જ ! અને, નળસરોવર ! એ સાઈબિરિયાના યાત્રીદૂતોનો રમણીય નિવાસ છે, જેવું કચ્છમાં સુરખાબ તેવું નળસરોવરમાં પણ પક્ષી-વિશ્વ ! દક્ષિણ એશિયાથી છેક અહીં, નિયમિત દર વર્ષે આવતાં પંખીઓના હૃદયમાં આ સરનામું કોતરાઈ ગયું હશેને ? ગુજરાતના સાગરકાંઠે સૌરાષ્ટ્રમાં દીવ તેવું દક્ષિણ ગુજરાતમાં દમણ છે અને મહારાષ્ટ્રની સીમાને જોડી આપતું સુંદર સાપુતારા !
માનવ વણઝારનું ભાગ્ય તેના ઈતિહાસ અને ભૂગોળ બંનેની સાથે જોડાયેલું છે. નહીંતર આજનું સલામ શહેરે અમદાવાદ તે ગઈકાલનું કર્ણાવતી અને તેની યે પૂર્વેનું આશા ભીલનું આશાવલ હોય ? અમદાવાદની જુગલબંદી કરે તેવું સૂરત છે. ‘સૂરત સોનાની મૂરત’ અને આ તે શા તુજ હાલ ‘સૂરત’ ?’ અહીંથી થોડેક દૂર સંજાણ બંદરેથી ઊતરેલા પારસીઓએ ગુજરાતીપણું આત્મસાત કરી લીધું છે. અને વડોદરા ? પ્રેમાનંદ આજે તો શાના હોય ? હા, દયારામને ચાંદોદ નર્મદા કિનારે જરૂર સાચવ્યા છે. આપણે પણ ‘નમામિ દેવી નર્મદે’ કહીને આ સાંસ્કૃતિક ગુજરાતની વંદના કરી લઈએ !

No comments:

Post a Comment