Friday, 15 June 2012

મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી

એકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત… આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીના મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદ – કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી.
કેટલાય દિવસથી આ વ્યક્તિને મળવાની મનમાં એક તડપ ઉઠી હતી. એમાંય જ્યારે જ્યારે કન્યા વિદાયનું પ્રસિદ્ધ ભાવભર્યું ગીત કાને પડે અને લૂંટાતો લાડ ખજાનો જોતાં રહી ગયેલાં કવિ દાદને મળવાની ઝંખના જોર પકડે. અંતે દસમી ફેબ્રુઆરીને મંગળવારે સાંજે ખિસ્સામાં સરનામાંની ચબરખી અને હૃદયમાં એક ગીતમાત્રથી અનેકને ભાવવિભોર બનાવી દેનાર કવિને મળવાનો રોમાંચ લઈ જુનાગઢના તેમના નિવાસસ્થાને પહોંચવાનો સુયોગ સાંપડ્યો. કશા જ પૂર્વ પરિચય વગર અને કોઈ દેખીતા દુન્વયી કારણ વગર સીધા જ પહોંચી જવાનો ક્ષોભ ત્યાં પહોંચતા જ ખરી પડ્યો અને ઔપચારિક વાતોની ક્ષણો બાદ પૂરા બે કલાક સુધી શબ્દ, સાહિત્ય અને સંવેદનાના ત્રિવિધ રંગે અમારૂં ભાવ વિશ્વ રંગાતું રહ્યું.

ગુજરાતમાં કોઈ કન્યા વિદાયનો પ્રસંગ એવો નહી હોય જેમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…’ એ ગીત ન વાગ્યું હોય. કવિ દાદની આ રચના માટે અહોભાવપૂર્વક અમે જ્યારે કહ્યું કે આપનું આ ગીત ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ ની જેમ અમર થઈ ગયું છે ત્યારે મર્માળુ હસીને કવિએ કહ્યું કે એ તો સાંભળનારને એમાં પોતાની લાગણીનો પડઘો દેખાય એટલે એ લોકજીભે રમતું થયું. ૧૯૪૦ના સપ્ટેમ્બરની અગિયારમી તારીખે વેરાવળ તાલુકાનાં ઇશ્વરિયા ગામે જન્મેલા કવિ દાદના ચહેરા પર વહી ગયેલા સમયના અનેક રંગો દેખાય છે. ચાર ધોરણ સુધીનું શિક્ષણ લઈ બાર જ વર્ષની વયે પિતાને ગુમાવનાર આ ચારણ જે ચોથો વેદ ગણાય છે એ પીડાનાં પાંચમા વેદને પણ પચાવી ગયાં. કવિ નર્મદ જેમ પોતાના કવિત્વ માટે તાપી નદીને યશ આપે છે એમ કવિ દાદ પણ હિરણ નદીના કાંઠે વીતેલાં પોતાનાં શૈશવની વાત કરતાં કરતાં મનોમન હિરણ્યતીર્થ પ્રદેશની યાત્રા કરી લે છે અને કહે છે : ‘મને કવિ બનાવ્યો આ હિરણ નદીએ. એણે મને શબ્દદિક્ષા આપી.’ થોડીવાર આંખ બંધ કરી કવિ પોતાનું બાળપણ તાજું કરતા જાણે અર્ધી સદી પહેલાનાં સમયખંડમાં લટાર મારી લે છે. કવિ દાદે પોતાની પ્રેરણામૂર્તિ હિરણ નદીના સમયાંતરે બદલાતાં સ્વરૂપોની વાતો પણ ભાવવિભોર થઈને કરી. સવારની હિરણ, બપોરની હિરણ, સાંજની હિરણ, સંધ્યાકાળે દેખાતી હિરણ અને રાત્રીના અંધકારની હિરણ વિષે પોતાની કલમમાંથી ટપકેલાં કવિતની વાતો કરતાં કરતાં કવિ દાદનાં રૂંવે રૂંવે જાણે હિરણ નદી વહેવા લાગે છે. સર્જકની અંદર વહેતી સ્પંદનોની નદી જ સર્જકતા ખિલવે છે એ સત્યનો આ સાક્ષાત્કાર હતો.
માનવીના સંવેદનોની અનુભૂતિમાં ટેરવાંનાં પ્રભાવથી સુપેરે પરિચિત કવિ દાદે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘ટેરવાં’ રાખ્યા પછી ઉત્તરોત્તર ‘ટેરવાં ભાગ-૧ થી ભાગ 3’ પણ ભાવકો સુધી પહોંચાડ્યાં. એ સિવાયની વિવિધ નાનકડી પુસ્તિકાઓ તો અલગ. આમ તો ચારણ ગઢવીના ખોળિયાંમાં લોહી નહી પણ સાહિત્ય વહેતું હોય છે. પણ આ કવિ બહુ વિનમ્રભાવે અને આદરથી કવિશ્રી મકરંદ દવેને યાદ કરે છે. ગોંડલ કે જુનાગઢમાં તો ઠીક પણ શ્રીમકરંદભાઇ ને મળવા ખાસ નંદીગ્રામ પણ ગયાં એ વાત કરતી વેળા કવિના ચહેરાં પર સાંઈ મકરંદે સાધેલી સૂફીપણાંની ઊંચાઈ પ્રત્યે ભારોભાર આદર છલકે છે. કવિ મૂલત: અંતર્મુખી સ્વભાવને કારણે કવિઓ સાથે બેસતા હોવા છતાં પણ પોતાની રચનાઓ સંભળાવવા ક્યારેય તલપાપડ નહોતા થતાં પણ જુનાગઢના અનેક કવિઓના પ્રેમ થકી અને પૂ.મોરારિબાપુના સંપર્કથી આ ક્ષેત્રે પ્રદાન કરી શક્યાં એ વાતમાં એમનું નિરાભિમાનપણું પ્રગટ થાય છે.
સૃષ્ટિનાં ગુઢસત્યો અને તથ્યો વિષે જાગરૂક કવિ દાદ જીવનની રોજિંદી ઘટમાળમાં જાત સાથેનું એકાંત અને સર્જકતા જાળવી લેવાની વાત પોતાની આગવી શૈલીમાં કરતાં કહે છે : ‘આ તો ભાઈ, દળતાં દળતાં ફાકતાં જવાની વાત છે. દળવું એ આપણી રોજિંદી ઘટમાળ છે પણ એ ઘરેડ વચ્ચે પણ મનનો ખોરાક તો ચાલુ જ રાખવાનો છે.’ સર્જકતા ઇશ્વરકૃપા વગર આવે જ નહીં એમ દ્રઢતાપૂર્વક કહી કવિએ સરસ વાત કહી : ‘ઉપરવાળાના આશિર્વાદ હોય તો જ આ વહેતા વહેણમાંથી અંજલિ ભરી શકીએ બાકી ઘણા તરસ્યા ય વયાગ્યાં !’
‘દીકરી વહાલનો દરિયો’ના વિમોચન પ્રસંગે અભિયાનના આમંત્રણથી મુંબઈ ગયેલાં એ પ્રસંગ યાદ કરતાં કવિ કબૂલે છે કે ‘કાળજાં કેરો કટકો મારો…’ એ સંવેદનાઓ વારંવાર શબ્દદેહ ધારણ કરતી નથી હોતી. સાહિત્ય પરિષદનું જુનાગઢ ખાતેનું અધિવેશન જે સ્વતંત્રતા સેનાની શ્રી રતુભાઈ અદાણીની હયાતી દરમિયાન યોજાયેલું તેની પણ એક રસપ્રદ વાત કવિ દાદ કરે છે. શ્રી રતુભાઈએ કવિ દાદના કવિત્વને પડકારતાં હોય એ રીતે કહેલું કે ‘કવિ, ભોજન મંડપમાં લોકોના હાથ જમતાં અટકી જાય અને મોં તરફ જતો કોળિયો ક્ષણભર માટે અટકી જાય એવું કંઈક કરો…!’ અને જેવી થાળીઓ પિરસાઈ કે ભોજન મંડપના એક ખૂણે ખાસ બનાવાયેલાં સ્ટેજ પરથી અસલ ગઢવીના મિજાજ અને પહાડી રણકાથી કવિ દાદે કાવ્યગાન શરૂ કરતાં જ શ્રી રતુભાઈ અદાણીના શબ્દો પ્રમાણે જમનારા સૌના હાથ ક્ષણભર માટે થંભી ગયા’તાં.
અમારી એમના સાનિધ્યમાં વીતેલી સાંજની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે સાસરે ગયેલી દીકરીની સંવેદનાંનું એક કાવ્ય ‘મારાં ફળિયાનાં વડલાંની ડાળે, હિંચકો હીરલે ભરિયો……’ વહેતું મુક્યું અને એક અદ્દભુત ભાવવિશ્વ સર્જાયું. એ કમરામાં હાજર અમારા સૌની આંખો વહેતી હતી અને કારૂણ્યથી પ્રત્યેક ક્ષણ પાવક બની રહી હતી. કવિ દાદ રાજકારણીઓમાં પણ પ્રિય હતાં. ભૂ.પૂ. મુખ્યપ્રધાનશ્રી કેશુભાઈ પટેલ જ્યારે સત્તા પર હતાં ત્યારે એમના એક જન્મદિને કવિ દાદ પણ શુભકામના પાઠવવા ગયાં ત્યારે જાહેરમાં શ્રી કેશુભાઇએ કબૂલ્યું હતું કે મારી સરકારની ગરીબ દીકરીઓ માટેની યોજના ‘કુંવરબાઈનું મામેરૂં’ની પ્રેરણા મને કવિ દાદની ‘કાળજા કેરો કટકો મારો…’ એ રચના પરથી મળી છે. રાજ્ય સત્તા પર શબ્દ સત્તાનો કેવો અદભૂત પ્રભાવ….! અનેક માન સન્માન, સ્મૃતિ-ચિન્હો અને વાહ વાહના અધિકારી કવિ દાદ વર્તમાન કવિતાના લોકપ્રિય ગઝલ પ્રકારને પણ સાધ્ય કરી ચુક્યા છે. કેટલાંક શેર પ્રસ્તુત છે જે એમણે એમની પ્રભાવી શૈલીમાં અમને સંભળાવ્યાં.
આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે

શબ્દો થકી સૂરતા ને સાધનાર આ સરલ હૃદયી અને નખશીખ ઉમદા ઇન્સાનને મળવું એ અમારા માટે એક યાદગાર સંભારણું બની રહ્યું.

લતા મંગેશકર – રજની વ્યાસ

942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ ભાખ્યું હતું કે હવે તેમનો અંત નજીક હતો. તેમણે પોતાની સૌથી મોટી દીકરી લતાને પથારી નજીક બેસાડીને વહાલથી કહ્યું : ‘બેટા, તમને સૌને છોડીને હું જાઉં છું. પેલા ખૂણામાં મૂકેલો તાનપૂરો અને મારા ઓશીકા નીચે રાખેલું નોટેશન્સનું પુસ્તક – બસ આ બે જ ચીજો તને આપવા મારી પાસે છે. એ બે ચીજોને સહારે અને મંગેશી માતાના આશીર્વાદ સાથે તારે જીવન શરૂ કરવાનું છે. ઈશ્વર તને સહાય કરે.’
બીજે દિવસે સવારે પૂનાના સાસૂન હોસ્પિટલમાં પથારી પાસે માત્ર લતા અને માની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. લતા નોંધે છે : ‘મારા પિતાના કોઈ મિત્રો કે અમારાં સગાંવહાલાં આવ્યાં નહીં. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે પિતાના શબને અમે ઘેર લાવ્યાં અને ઉતાવળે સાંજે જ તેમનો અગ્નિદાહ કર્યો. કારણ, તે દિવસો ‘બ્લેકઆઉટ’ના હતા.’ લતાની ઉંમર એ સમયે માત્ર તેર વર્ષની હતી. નાની બહેન આશા, મીના, ઉષા અને ભાઈ હૃદય તો નાનકડાં હતાં. છેલ્લે છેલ્લે કથળી ગયેલી ઘરની હાલતમાં હવે ઘરની સઘળી જવાબદારી આવી ગઈ લતા ઉપર. શરૂઆતમાં કેટલીક મરાઠી-હિન્દી ફિલ્મોમાં લતાએ અભિનય કર્યો હતો પણ એની કમાણી એવી હતી કે કુટુંબને ઘણી વાર બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. માત્ર પાણી પીને બાળકો સૂઈ જતાં હતાં. પિતાએ અંત સમયે સોંપેલો તાનપૂરો હવે એનો એકમાત્ર આધાર હતો. એ તાનપૂરા સાથે નાનકડી લતાને આમ તો આઠ વર્ષની દોસ્તી હતી.
પિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. વિદ્યાર્થીઓ એમને ત્યાં શાસ્ત્રીય સંગીત શીખવા આવતા. એક વખત એક વિદ્યાર્થીએ તાલમાં ભૂલ કરી. દૂર બેઠેલી પાંચ વર્ષની બાલિકા લતાએ તેની ભૂલ બતાવી. પિતા તો ત્યાં બેઠા જ હતા. માત્ર શ્રવણથી કેળવાયેલી લતાની કોઠાસૂઝથી પિતાના મનમાં ઝબકારો થયો. ‘ભલે પાંચ વર્ષની છે. પણ હવે તાલીમ લેવા માટે તે તૈયાર છે.’ બીજે જ દિવસે એમણે લતાને મળસ્કે ચાર વાગે ઉઠાડી. એના નાનકડા દૂબળા હાથો વચ્ચે તાનપૂરો પકડાવ્યો. માથે હાથ મૂકીને આશિષ આપ્યા. પુરિયા ધનાશ્રી રાગથી તેનો પહેલો પાઠ શરૂ થયો. પછીની વહેલી સવારો પિતા દ્વારા દીક્ષિત વિવિધ રાગોથી સુગંધિત બનતી ગઈ. લતાના અવાજમાં પરિપકવતાનો પિંડ બંધાતો ગયો. સંગીત-સમજની સૂક્ષ્મતા સર્જાતી રહી અને ત્યાર પછી પરમસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એ સિલસિલો ચાલુ જ રહ્યો. સંગીત શીખવાની શરૂઆત કરનારને પહેલો પાઠ સામાન્ય રીતે સરળ કહેવાય તેવા ભૂપાલી રાગ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે પિતા દીનાનાથે લતાને પુરિયા ધનાશ્રી – જે શીખનાર માટે ઠીક ઠીક અઘરો કહેવાય તેવા રાગથી શરૂઆત કરાવી. કેવા એ સંગીતકાર – કેવી એમની શ્રદ્ધા એમની દીકરી પ્રત્યેની કે પુરિયા ધનાશ્રી જેવા રાગથી આરંભ કરાવ્યો !

1941માં એક એવી ઘટના બની જે લતાને પાર્શ્વગાયનની સામ્રાજ્ઞી બનાવવામાં નિમિત્તરૂપ બની. ‘ખજાનચી’ ફિલ્મ પૂનામાં ધૂમ મચાવી રહી હતી. એ વખતે ફિલ્મમાં સારા ગાનારની શોધ માટે એક ‘ખજાનચી મ્યુઝિક કોમ્પિટિશન’ યોજવામાં આવી હતી. એમાં ખજાનચી ફિલ્મના સંગીત-નિર્દેશક ગુલામ હૈદર પણ હાજર રહેવાના હતા. લતાએ પિતાથી ખાનગી રીતે આ સ્પર્ધાનું ફોર્મ ભર્યું હતું. કારણ કે દીકરી ફિલ્મી ગીતો ગાય તે પિતાને પસંદ ન હતું. છતાં કોઈક રીતે એમને આ વાતની ગંધ આવી ગઈ. તે ગુસ્સે થયા, પણ જુદા કારણસર – દીનાનાથની દીકરી પહેલી ન આવે તો… આબરૂ શી રહે ? પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની ! નાની વયથી જ તેની સંગીત પર પકડનો એક સરસ પ્રસંગ છે. તે વખતે લતા માંડ આઠ-નવ વર્ષની હશે. એક સમારંભમાં તેણે એક ગીત ગાવા માંડ્યું. ગીતના અંતે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી. આખો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રેક્ષકો-શ્રોતાઓએ એ નાનકડી છોકરી પાસે ફરી ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો. તપાસ કરતાં જણાયું કે લતા તેની માતાના ખોળામાં ઘસઘસાટ ઊંઘતી હતી !
દીનાનાથના મૃત્યુ પછી ભરણપોષણનો બીજો કોઈ આરો ન દેખાતાં લતાએ ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર મારવા શરૂ કર્યાં હતાં. આશાના કિરણ સાથે ઊગેલી સવારે એ ઉંબર બહાર પગ મૂકતી અને સાંજે-રાત્રે થાકેલી નિરાશાથી ભાંગી પડેલી ફરી ઉંબર વટાવીને ઘરમાં આવતી. દિવસે દિવસે સુકાતો એ મ્લાન ચહેરો જોઈને નાનાં ભાઈ-બહેન પણ શિયાવિયાં થઈ જતાં. એ વખતે હજી પ્લેબેકનો જમાનો આવ્યો ન હતો. તો પછી આવી દૂબળીપાતળી ને શામળી છોકરીને કોણ ફિલ્મમાં રોલ આપે ?
એક દિવસ અચાનક-
આવી એક રઝળપાટમાં લતાને નામી સંગીત-નિર્દેશક ગુલામ હૈદરસાહેબ મળી ગયા. લતાએ તેમને કામ આપવા વિનંતી કરી. ગુલામ હૈદરને છ વર્ષ પહેલાં ‘ખજાનચી’ની સ્પર્ધામાં પ્રથમ આવેલી આ છોકરી બરાબર યાદ હતી. બીજે દિવસે એને સ્ટુડિયોમાં બોલાવી. તે વખતે શશધર મુખરજીની ‘શહીદ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સવારે દસ વાગે લતા પહોંચી ગઈ સ્ટુડિયો પર. રેકોર્ડિંગ રૂમની બહાર હૈદર સાહેબની વાટ જોતી બેઠી. હૈદરસાહેબ આ વાત ભૂલી ગયેલા. આખો દિવસ એ છોકરી તેમના બહાર આવવાની વાટ જોઈને બેસી રહી – ભૂખે અને તરસે ! રખે ને પોતે ક્યાંક ખાવા-પીવા જાય ને સાહેબ બહાર આવે. પોતાને ન જુએ અને માંડ હાથ આવેલી તક સરકી જાય તો….
આખરે સાંજે કામ પત્યું ત્યારે ગુલામ હૈદર બહાર આવ્યા. લતાને જોતાં જ એમને યાદ આવી ગયું. સ્ટુડિયોના મ્યુઝિશિયનો પણ જતા રહ્યા હતા. આખરે પોતે જ હાર્મોનિયમ પર બેઠા. શશધર મુખરજી પણ બેઠા હતા. લતાએ નૂરજહાંએ ગાયેલું ઝીન્નત ફિલ્મનું એક ગીત ગાયું. શશધરે લતાને ‘નપાસ’ કરી દીધી. આવો દૂબળો અને ઝીણો અવાજ ન ચાલે. પરંતુ ગુલામ હૈદર લતાના કંઠની સોનાની ખાણને પારખી ગયા હતા. તેમણે શશધર મુખરજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘તમને ઠીક લાગે તેમ કરો. પરંતુ સામી દીવાલે લખી રાખજો કે એક દિવસ નિર્માતાઓ અને દિગ્દર્શકો આ છોકરી પાસે ગવડાવવા માટે તેના પગ પકડતા હશે !’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્નાટો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી !’
1948નું વર્ષ એને માટે સુવર્ણવર્ષ સમું નીવડ્યું. છ વર્ષના ગાળામાં તેનું નામ ચમકી ઊઠ્યું હતું. લગભગ બધા જ નામી સંગીત-દિગ્દર્શકો સાથે તે કામ કરી ચૂકી હતી. 1948માં તેણે પોતાની મોટરકાર ખરીદી ! અને 1948ની જ એક સોનેરી સવારે તેણે એક યાદગાર ગીત ગાયું…. ફિલ્મ હતી ‘મહલ.’ સંગીત-નિર્દેશક હતા ખેમચંદ પ્રકાશ અને ગીત હતું : ‘આયેગા…. આયેગા… આનેવાલા…’ પછી તો કીર્તિ અને કલદાર તેનાં ચરણ ચૂમવા લાગ્યાં. ‘અંદાઝ’, ‘આગ’, ‘બરસાત’ ફિલ્મોએ લતાને સર્વોચ્ચ શિખરે બેસાડી દીધી. પોતાની પાસે જ્યારે ઠીક કહી શકાય તેવી આવક થઈ તેમાંથી તેણે સૌ પ્રથમ તેનાં નાનાં ભાઈબહેનો માટે કપડાં અને તે મૂકવા કબાટ ખરીદ્યું. ગરીબીના કારમા દિવસો કાપવા માતાનાં વેચાઈ ગયેલાં ઘરેણાં પાછાં ખરીદ્યાં. પોતે ત્યારથી ગરવીલા સફેદ રંગનાં કપડાં ધારણ કર્યાં. મોટે ભાગે તે આજે પણ સાદગીમાં જ રહે છે.
લતા મંગેશકરનું સ્થાન ચાર ચાર દાયકા સુધી ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે નિશ્ચલ અને અજોડ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં બીજી કેટલીય પાર્શ્વગાયિકાઓ આ ક્ષેત્રમાં આવી છે. કેટલાકે સારો યશ પ્રાપ્ત કર્યો છે – કીર્તિ સંપાદન કરી છે – છતાં લતાની બરોબરી કરી શકે તેવો કંઠ હજી ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. ફિલ્મી જગતની કારકિર્દી છતાં લતાએ કદી સસ્તી લોકપ્રિયતા ઈચ્છી નથી. કોઈ સમારંભમાં એ ગાતાં નથી. એના જેટલી વિપુલ સંખ્યામાં પણ કોઈએ ગીતો ગાયાં નથી. એટલે જ તો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેઓ સ્થાન પામ્યાં છે. તેમણે 26,000થી પણ વધુ ગીતો ગાયાં છે. લતાનો અદ્દભુત કંઠ ઈશ્વરની એક અદ્દભુત કૃપા સમાન છે. એક દંતકથા સમાન છે. સાધનાની સરાણે ચઢીને એનો સૂર દિવ્ય તેજ પામ્યો હોય તેમ અવિરતપણે રેલાઈ રહ્યો છે. લતાને માટે ગાવું એ શ્વાસ લેવા જેટલું જ સહજ છે. કેટલાંક ગીતોની બંદિશ ટેલિફોન ઉપર જ સાંભળીને સ્ટુડિયોમાં પહેલી જ વારના ટેકમાં તે રેકર્ડ થઈ શક્યાં છે. ધન-વૈભવ, કીર્તિ અને કોઈ અભાવ વિનાની ચરમ પરિતૃપ્તિના શિખરે હોવા છતાં તે અત્યંત સૌમ્ય, વિવેકી અને સાદગીથી ભર્યાં ભર્યાં છે. બધાં ભાઈબહેનો, મીના, આશા, ઉષા પાર્શ્વગાયિકાઓ છે. ભાઈ હૃદયનાથ સંગીત-નિર્દેશક છે.
આટલી સિદ્ધિના શિખરે ઊભવા છતાં લતાના હૃદયમાં એક જ રંજ છે. એને એના પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રીય સંગીતની જ સાધના કરવી હતી. સંજોગોએ એને ફિલ્મક્ષેત્રમાં લઈને મૂકી દીધી. શાસ્ત્રીય સંગીતના આરાધકો – ગમે તેવા ઉચ્ચકોટિના પણ ફિલ્મી સંગીત માટે સૂગ ધરાવે છે.
એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો.
એક ખાંસાહેબે-ઉસ્તાદજીએ વાતવાતમાં અભિપ્રાય આપી દીધો : ‘ઠીક છે, છોકરી ફિલ્મોમાં ગાય છે એટલે એ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ આમાં સંગીત-સાધના ક્યાં ?’ લતાને કાને આ વાત ગઈ. ખૂબ આદરપૂર્વક ઉસ્તાદજીને લતાએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. એમના ચરણસ્પર્શ કરીને કહ્યું :
‘હું તાનપૂરો લઈને બેસું છું. આપ કાંઈક ગાઓ. હું તે દોહરાવવાની કોશિશ કરીશ.’
આવી ગુસ્તાખી ! ઉસ્તાદજીએ મનોમન લતાને પાઠ શિખવાડવાનું નક્કી કર્યું હોય તેમ એક વિચિત્ર તાનપલટાવાળી ગત ગાઈ. લતાએ તરત જ – ક્ષણનાય વિલંબ વિના ઉસ્તાદજી કરતાં પણ વધુ સહજતાથી-કુશળતાથી એ ગત ગાઈ સંભળાવી ! ઉસ્તાદજી અવાક થઈ ગયા. હવે તો એ પણ લતાની પ્રશંસા કરતા થાકતા નથી.
કહે છે કે સાધનાનું મૂલ્ય તો છે જ છતાંય પરમેશ્વરની કૃપાનો કોણ ઈન્કાર કરી શકે ? હા, સંગીતના પરમ સાધક પિતાના હૃદયના આશીર્વાદ સાથે બાલિકા લતાના હાથે ધરાયેલા એ તાનપુરાના સૂરોમાં મા મંગેશીના આશિષ પણ ભળ્યા હતા એ વાત અવાજની સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૈયે બરાબર કોતરાયેલી છે. કારણ કે આજે પણ તેને પુરિયા ધનાશ્રીના સૂરો સંભળાય છે.

ઘરની હવામાં જ સંગીત.. – રજત ધોળકિયા

બાળપણથી મેં પપ્પાને ગાતા, કમ્પોઝ કરતા જોયા છે. અમારા ઘરની હવામાં સંગીત વહેતું હતું. એટલે સંગીતનું શિક્ષણ લેવા માટે મારે બહાર ન જવું પડ્યું. પપ્પા સાઈલન્ટ ટીચર હતા. તેઓ કદી પણ ગુસ્સે ન થતા. તેમની કહેવાની શૈલી નિરાળી હતી. તેમને ન ગમતું કામ કરું તો તેઓ ગંભીર થઈને કહેતા અને પછી ચૂપ થઈ જાય. એ ચુપકીદી બે તમાચા કરતાં વધારે વાગતી.
તેમને ગમતું કે હું સંગીતમાં જ મારી કારકિર્દી બનાવું, પરંતુ ભણવાનું ન કરું તે ન ગમતું. હું જ્યારે બારેક વરસનો હતો ત્યારે સોસાયટીના છોકરાઓને ભેગા કરીને મેં ઑર્કેસ્ટ્રા બનાવ્યું હતું. તેના કામમાં હું ખોવાઈ જતો. અમે ઑર્કેસ્ટ્રા લઈને કાર્યક્રમ કરવા પણ પછી જતા. બે-ત્રણ વાર એવું બન્યું કે પરીક્ષા બંક કરીને મેં ઑર્કેસ્ટ્રા કરી તો તેમને ન ગમ્યું. ત્યારે તેમણે ગંભીર થઈને મને કહ્યું કે તું ઑર્કેસ્ટ્રા કરે તેનો મને વાંધો નથી, પરંતુ પરીક્ષા ન આપે તે મને પસંદ નથી. ભણવાનું પણ જરૂરી છે. બસ આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા. તેમની ચુપકીદીની અસર એવી થઈ કે ત્યારથી મેં પરીક્ષા બંક ન કરી. તેમના સંગીતમાં એક આગવી ઓળખ હતી. જે બાળપણથી મેં જોઈ-અનુભવી છે. તેમના સંગીતને એડપ્ટ કરવું કઠિન છે. તેમનાં ઈન્ટરપ્રિટેશન એટલાં યુનિક હોય કે શબ્દો પ્રમાણે ભાવ પ્રગટ કરે. કલાસિકલ, લાઈટ કલાસિકલ ધૂનો સાંભળવામાં સહેલી લાગે પણ ગાવા જઈએ તો ખ્યાલ આવે કેટલી અઘરી કરતાં યુનિક છે. બે શબ્દો વચ્ચેની હરકતો, સૂરોનું જોડાણ અદ્દભુત હોય. તેને પકડવું અને ગાવું સહેલું નથી હોતું.

તેઓ ગાયકોને તેમનાં કમ્પોઝિશન પહેલાં સરળ રીતે શીખવાડે અને પછી તેમાં બીજી હરકતો ઉમેરે. તેમનાં કમ્પોઝિશન એક જ રીતે ન ગાઈ શકાય, અનેક રીતે ગાઈ શકાય એવાં હોય. તેમનાં કમ્પોઝિશનની મજા એ હતી કે તેઓ એને એક જ રીતે ન ગાતા. એક લાઈન ગાય પછી તે બીજી રીતે રિપીટ થાય. તેમની પાસે હું ક્યારે સંગીત શીખ્યો તે ખબર જ ન પડી. મિત્રની જેમ વાતચીત કરતાં ટિપ્સ આપે કે ધૂનમાં સ્વર આ રીતે પણ લાગી શકે અને તેને બીજી રીતે પણ લગાવી શકાય. મોટા થયા બાદ મારાં કોમ્પોઝિશનમાં કોઈ ફોલ્ટ તેમને લાગે તો તે ક્યારેય ન કહે કે આ ખોટું છે. અને એમ પણ ન કહે કે આ સ્વર થોડો કચાશ ભરેલો છે પણ એ સૂચન કરે કે આ કમ્પોઝિશનમાં અમુક સ્વર આ રીતે પણ લાગે અથવા આ નોટ્સ આ રીતે સ્વરથી જોડી શકાય. આજે મને તેઓ નથી ત્યારે આ બધું સમજાય છે કે હું કઈ રીતે વિકસ્યો.
મને એક મારો પ્રસંગ યાદ આવે છે. હું ચોવીસેક વરસનો હોઈશ. તે અરસામાં હું સૌરાષ્ટ્રમાં ડોક્યુમેન્ટરી માટે ફર્યો હતો એટલે મારા ઉપર સૌરાષ્ટ્રના ફોકની અસર હતી અને ત્યારે મેં બાલમુકુંદ દવેની ‘પીઠી ચોળી લાડકડી…’ કમ્પોઝ કર્યું. તેનો અંતરો ‘તું શાનો સાપનો ભારો….. તું તુલસીનો ક્યારો…..’ કમ્પોઝ કરવામાં મેં સૌરાષ્ટ્રના ફોકની અસર લીધી હતી. તેને લીધે તેના નાજુક ભાવો ઊપસતા નહોતા. તો તેમણે મને એ સ્વરરચના અનેક રીતે દેખાડી ત્યારે સમજાયું કે વાત સાચી. પાંચેક વરસ બાદ તે ગીત રદાણી સિસ્ટરને મેં શીખવાડ્યું અને તેમણે ગાયું ત્યારે કાર્યક્રમમાં તે અંતરાને કારણે ગીતને ચાર વખત વન્સમોર મળ્યું, ત્યારે મને સમજાઈ તેમના સ્વરની તાકાત અને સૂઝ. સતત તેમણે મને માર્ગદર્શન આપ્યું છે પણ કોઈ ભાર વગર. આવું તે મારી સાથે જ નહીં, દરેક કલાકાર સાથે વરતતા. સહજતાથી સૂરો શિખવાડતા. આજે જ્યારે તેઓ નથી ત્યારે સમજાય છે કે હું ખરેખર ઘણું શીખી શક્યો હોત એમની પાસેથી જો તેમનો સમર્પિત શિષ્ય થયો હોત તો. એક સમીક્ષક તરીકે મેં તેમની પાસેથી પ્રેરણા લીધી. પણ સમર્પિત ન થયો તેનો અફસોસ છે. હવે મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું. એમના જીવનમાંથી મને સમજાય છે કે તેઓ સમર્પિત જીવન જીવતા હતા સંગીતને, ભગવાનને અને એટલે જ તેઓ યુનિક હતા. જે સમર્પિત થાય છે તે જ કંઈ પામી શકે છે. તેમનું સમર્પણ અદ્દભુત હતું. તે કક્ષાએ હું તો પહોંચી જ ન શકું એ નમ્રતા સાથે કહું છું. તેમને મિડિયામાં પોપ્યુલર થવાની ભૂખ નહોતી. ક્યારેય તેમણે પ્રસિદ્ધિ માટે જ કામ નથી કર્યું.
એ એક અલગારી જીવ હતા. અલગારી રીતે જીવન જીવ્યા. તેમને જો ક્યાંય જવું હોય તો કાર કે ટેક્સીની રાહ નહીં જુએ. ચંપલ પહેરીને ચાલવા માંડે. તેમની જરૂરિયાત લગભગ નહીંવત હતી. તેઓ કલરલેસ મિરર હતા. તેમાં કોઈ રંગ પોતાનો નહોતો. સદાય સફેદ લેંઘો-ઝભ્ભો અને ચંપલ. કોઈ જ વસ્તુ માટે મોહ નહીં. કશું જ પામવાની મહેચ્છા નહીં. એવા જીવનની કલ્પના પણ કરવી અઘરી છે આજે. જ્યારે તેઓ એવું જીવતા. મારી માતા ધ્રુમનબહેન તેમને ક્યારેક ટોકે, સંભાળી લે ત્યારે જ તો એ આ રીતે સાથી બનીને વરસો સુધી રહી શક્યા. બન્ને વચ્ચે સ્નેહ અને સ્વીકાર મેં જોયો છે, અનુભવ્યો છે.
સંગીત સિવાય સંસ્કૃત અને ગણિત તેમના પ્રિય વિષય. ગણિતનાં ઉખાણાં, ઈક્વેશન સુલઝાવવા તેમને ગમતાં. છાપામાં આવતાં સુડોકુ તરત જ ભરે. હોસ્પિટલમાં હતા ત્યારે છેલ્લા દિવસ સુધી તેમણે સુડોકુ ઉકેલ્યાં છે. સંસ્કૃત તો તેઓ ભણ્યા છે. સંસ્કૃત વાંચવું તેમને ગમતું. તેમણે નક્કી કર્યું હતું કે 67 વરસ બાદ પૈસા કમાવાનું કામ નથી કરવું. ત્યારે તો લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કામ કરતા હતા અને સારા પૈસા મળતા હતા, પરંતુ તેમણે એક જ દિવસમાં ત્યાં કહી દીધું કે બસ કાલથી હું નહીં આવું. ભગવાનની ઈચ્છામાં તેમણે પોતાની ઈચ્છા ભેળવીને જીવવાનું નક્કી કર્યું. તો છેલ્લા ત્રીસ વરસ તે જ રીતે જીવ્યા. કોઈ જ ફરિયાદ નહીં. અપેક્ષા નહીં. બસ અધ્યાત્મને સમર્પિત જીવન જીવ્યા. પ્રમુખ સ્વામીને મળ્યા બાદ તેમણે પછી સંગીત પણ ભગવાનને માટે જ ગાયું. સાધુ-સંતોને સંગીત શીખવાડ્યું અને ભજનો કમ્પોઝ કર્યાં. તેમણે 21 ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં હરિહરન, સુરેશ વાડકર, રૂપકુમાર રાઠોડ પાસે ગવડાવ્યાં. તેમને યાદ કરતાં જ હસતો શાંત ચહેરો નજર સમક્ષ ઊભો થાય છે. તેમનામાં ભરપૂર ઊર્જા હતી એટલે જ અમને તેમના માટે ફીલ ઓફ લોસનો અનુભવ નથી થતો. તેમના વ્યક્તિત્વની છટા કે ઓરા એવો હતો કે આજે પણ અમને તે તાદશ્ય અનુભવાય છે. તેઓ હજી પણ અમારી આસપાસ જ છે, ક્યાંય ગયા નથી.

શિમલાની આસપાસ – હેતલ દવે

કસૌલી :
kasauli તમે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા…’ ગીતવાળું ચલચિત્ર ‘1942 ધ લવ સ્ટોરી’ જોયું છે ? તેમાં દર્શાવેલ અત્યંત સુંદર કુદરતી દશ્યોને થિયેટરના પડદા પર જોવાને બદલે નરી આંખે, નજર કે સામને જોવાં હોય તો કસૌલી ચલો. શિમલાથી કલકા જતા રસ્તામાં 73 કિ.મી. દૂર આવેલ કસૌલી દરેક રીતે શિમલાથી ચઢિયાતું છે. ઓગણીસમી સદીની શાંતિમાં આળોટતું 1951 મીટરની ઊંચાઈએ આવેલ આ નાનકડું હિલ સ્ટેશન બ્રિટિશરોના કોલોનીયન રાજની યાદ તાજી કરાવે છે. જૂની ઢબના રસ્તાઓ, દુકાનો, મકાનો, સુંદર નાનકડા બગીચા અને ઉદ્યાનોની ભરેલા કસૌલીની ચોતરફ ‘પાઈન’, ‘ઓક’, અને ‘ચેસ્ટનટ’નાં વૃક્ષોનું જંગલ આવેલું છે. નજીકમાં આવેલ ચુડ ચાંદનીનું શિખર કસૌલીની ઉપર ઝળુંબે છે. તો પર્વતોની પછવાડેથી શિમલા ડોકિયું કરે છે. ઊંચાઈએ આવેલ કસૌલીની બરાબર નીચે પંજાબ અને હરિયાણાનાં વિશાળ મેદાનો આવેલાં છે. જ્યારે રાત પડે છે ત્યારે આ મેદાની વિસ્તારોની લબકઝબક થતી લાઈટો હીરાજડિત કારપેટ જેવી ભાસે છે અને દિવસ ઊગતાં જ દશ્યમાન થતું કુદરતી સૌંદર્ય રાત્રિનો પ્રભાવ ભૂલાવી દેવા સક્ષમ છે. બધાં હિલસ્ટેશનોની જેમ કસૌલીમાં પણ ‘મોલ’ આવેલ છે. તેના અપર અને લોઅર એમ બે ભાગ છે. તેના પર અકારણ પણ રખડવું આનંદ પમાડે છે.
કસૌલી જવા માટે શ્રેષ્ઠ રસ્તો કાલકા સુધી ટ્રેન દ્વારા પહોંચવાનો છે. જે કસૌલીથી 37 કિ.મી. દૂર છે. બસ દ્વારા કસૌલી-કાલકા, શિમલા, ચંદીગઢથી સંકળાયેલું છે. વિમાનમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ ચંદીગઢ ખાતે આવેલું છે, જે 65 કિ.મી. દૂર છે. કાલકાથી શિમલા જતી ટ્રેનમાં બેસી કસૌલીથી 12 કિ.મી. દૂર આવેલ ધરમપુર સ્ટેશન ઊતરી ત્યાંથી સ્થાનિક બસમાં પણ કસૌલી જઈ શકાય છે. કસૌલીમાં રહેવા માટે ‘ધ અલાસિયા હોટલ’, ‘ધ મોરીસ હોટલ’ તથા હિમાચલ ટુરિઝમની હોટલ ‘રોસ કૉમન’માં સારી સગવડ છે.

બરોગ :
બરોગ જવા માટે કાલકાથી શિમલા જતી રમકડાગાડીમાં બેસવું રહ્યું. હા, રસ્તામાં બરોગ સ્ટેશન આવે છે. રમકડા ગાડીની રાહ ન જોવી હોય તો કાલકા-શિમલા વચ્ચે દર પંદર મિનિટે દોડતી બસમાં પણ જઈ શકાય છે. સમુદ્રની સપાટીથી 1680 મીટર ઉંચાઈએ આવેલ બરોગથી ચૂડ ચાંદની (જેનો અર્થ થાય છે ચાંદની બંગડી જેવું શિખર)નું હિમઆચ્છાદિત પર્વત શિખર એકદમ સાફ દેખાય છે. ચંદ્રની ચાંદની રેલાય ત્યારે ચૂડ ચાંદનીના બરફ પરથી હજારો ચૂડીઓ સરકતી હોય તેવું અદ્દભુત દશ્ય સર્જાય છે. કદાચ એટલે જ પર્વતને આવું અનેરું નામ લોકોએ આપ્યું હશે. કસૌલીની જેમ બરોગની આજુબાજુનો વિસ્તાર પણ ‘પાઈન’ અને ‘ઓક’ વૃક્ષના જંગલથી છવાયેલો છે. બરોગની નજીકનાં જોવાલાયક સ્થળોમાં સ્કોટિશ શૈલીમાં બંધાયેલા રેલવે સ્ટેશન, સોલન, ડોલાન્જી બોન મનેસ્ટ્રી, કરોલ ગુફા, ગૌરા, કિયારી ઘાટ તથા રાજગઢનો સમાવેશ થાય છે. બરોગમાં રહેવા માટે હિમાચલ ટુરિઝમની હોટલ પાઈનવુડ ઉપરાંત અન્ય મધ્યમ કક્ષાની રોકાણ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ચૈલ :
હિમાચલ પ્રદેશની શિવાલીકની ટેકરીઓના પ્રદેશમાં આવેલ ચૈલ અછૂતાં અરણ્યોની મધ્યે ત્રણ ટેકરીઓ પર વસેલું છે. ચૈલના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો મૂળ તે કેઓન્થાલ રાજ્યનો ભાગ હતું. ત્યારબાદ ચૈલ પર ગોરખા યોદ્ધા અમરસિંઘનું આધિપત્ય સ્થપાયું અને છેવટે તે પટિયાલાના મહારાજાનું ગીષ્મ કાલીન પાટનગર અને હવાખાવાનું સ્થાન બન્યું. પટિયાલાના રાજ્યનું ગ્રીષ્મકાલીન પાટનગર થવા પાછળની કહાની એ છે કે વર્ષ 1891માં મહારાજા ભુપીન્દરસિંઘ સાથે બ્રિટીશ આર્મીના કમાન્ડર ઈન ચીફ લોર્ડ કીચનરને કોઈક કારણસર વાંકું પડ્યું તે લોર્ડ કીચનરે ભૂપિન્દરસિંઘને શિમલામાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો. આથી અકળાયેલા ભૂપિન્દરસિંઘે શિમલાથી બહેતર ગ્રીષ્મ કાલીન પાટનગર બનાવવાનું નક્કી કરી શિમલાથી 45 કિ.મી. દૂર આવેલ બ્રિટીશરો તરફથી ભેટમાં મળેલ ચૈલ પર પસંદગી ઉતારી હતી.
72 એકર વિસ્તારમાં પથરાયેલ ચૈલ ખરેખર તો નજીક નજીકની ત્રણ ટેકરીઓ પર વસેલું છે. પટિયાલાના મહારાજાનો મહેલ બંધાયો છે તે રાજગઢ હિલ, બ્રિટિશ રેસિડેન્ટનું નિવાસસ્થાન સ્નોવ્યૂ હતું તે પાંડવહિલ અને 2226 મીટરની ઊંચાઈ ધરાવતું સિદ્ધ ટીબ્બા જ્યાં બાબા સિદ્ધનાથનું મંદિર આવેલું છે. ચૈલથી 3 કિ.મી. દૂર સમુદ્રની સપાટીથી 2444 મીટરની ઊંચાઈએ દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલ ક્રિકેટ મેદાન છે જે સન 1893માં બનાવડાવ્યું હતું. નજીકમાં આવેલ વન્ય પ્રાણી અભ્યારણ્યમાં હરણ અને આ વિસ્તારનાં પક્ષીઓને તેમના નૈસર્ગિક વાતાવરણમાં નિહાળી શકાય છે. આવા ચૈલમાં રહેવા માટે હિલચાલ ટુરિઝમની પેલેસ હોટલ, હોટલ દેવદાર તથા પાઈનવ્યૂ ટુરિસ્ટ લોજમાં સગવડ ઉપલબ્ધ છે.
કુફરી :
સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલ કુફરી ચૈલથી 27 કિ.મી. અને શિમલાથી 16 કિ.મી. દૂર આવેલું છે. કુફરીની આસપાસનો વિસ્તાર ટ્રેકિંગ-હાઈકિંગ માટે આદર્શ છે. તમે ચાલતા ચાલતા નજીકના મ્હાસુ શિખર સુધી પહોંચી શકો છો અને અદ્દભુત પ્રાકૃતિક સૌંદર્ય માણી શકો છો. દેશમાં સૌ પ્રથમ સ્કીંઈગની રમત અહીં છેક સન 1954માં શરૂ થઈ હતી. આ માટે વિન્ટર સ્પોર્ટ્સ કલબની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના બીજા જ વર્ષે આયોજિત સ્કીંઈગ કાર્નિવલની સ્પર્ધાનાં બધાં જ ઈનામો નોર્વેના તત્કાલીન રાજદૂત જીતી ગયા હતા ! જો કે વાતાવરણમાં ફેરફાર થવાથી કુફરીમાં હવે પહેલાં જેવી હિમવર્ષા થતી નથી એટલે સ્કીઈંગ કાર્નિવલનું આયોજન થતું નથી. આવો છેલ્લો કાર્નિવલ સન 1968માં યોજાયો હતો. જેમાં દસ હજાર વ્યક્તિઓએ ભાગ લીધો હોવાથી કુફરીના નિવાસીઓ હજુ તે કાર્નિવલને યાદ કરે છે. હિમવર્ષા ઘટી હોવા છતાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી સ્કીંઈગ થઈ શકે છે.
restaruntકુફરીની નજીક આવેલ હિમાલયન નેચર પાર્કમાં હિમાચલ પ્રદેશનાં પ્રાણી-પક્ષીઓને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં નિહાળી શકાય છે, તેમાં પ્રવેશ ફી રૂ. 10 તથા કેમેરા ફી રૂ. 30 છે. દરરોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેતા પાર્કમાં પોતાનું વાહન (ભાડાનું સ્તો) લઈને જવું હિતાવહ છે. કુફરીના ઈન્દિરા ટુરિસ્ટ પાર્કની મુલાકાત લઈ તમે સુંદર નઝારો માણવાની સાથે સાથે ઘોડેસવારી અને હિમાલયમાં જ જોવા મળતા યાક પ્રાણીની સાથે ફોટો પડાવી શકો છો. અહીં હિમાલય પ્રદેશ ટુરિઝમ સંચાલિત કાફે લલિતની મુલાકાત ચૂકવા જેવી નથી. કુફરીમાં પોટેટો રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. તમને કદાચ ખબર નહીં હોય, હિમાચલ પ્રદેશમાં શ્રેષ્ઠ બટાકા પાકે છે અને ગુજરાતમાં શ્રેષ્ઠ બટાકા પકવતા ખેડા જિલ્લાના ચકલાસી વિસ્તારના ખેડૂતો બટાકાનું બિયારણ દર વર્ષે હિમાચલ પ્રદેશથી મંગાવે છે ! કુફરીમાં રહેવા માટે ધ હોટલ સ્નો શેલ્ટર તથા કુફરી હોલીડે રિસોર્ટ્સમાં સગવડ ઉપલબ્ધ છે. કુફરી જવા માટે શિમલાથી નારકન્ડા રામપુર જતી કોઈ પણ બસમાં બેસી જવાય અથવા શિમલાથી ટેક્સી પણ મળી રહે છે, જેનું ભાડું સામાન્યત: રૂ. 750 થાય છે.
માશોબરા :
શિમલાથી 11 કિ.મી. દૂર આવેલ આ નાનકડા ગામની આજુબાજુ પ્રકૃતિનો ખોળો ખૂંદવા જવા જેવું છે. માશોબરાની નજીકમાં ચાલતા જ જવાય તેવાં સુંદર સ્થળો આવેલાં છે. અહીંથી નજીક આવેલ સિપી ગામમાં લાકડાનું બનેલું શિવ મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે મે મહિનામાં મેળો ભરાય છે. માશોબરાથી 3 કિ.મી. દૂર આવેલ કિંગનાનોમાં રહેવા માટે મ્યુનિસિપલ રેસ્ટહાઉસમાં સુંદર સગવડ ઉપલબ્ધ છે. જેનું રિઝર્વેશન હિમાચલ પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન મારફત થઈ શકે છે. તે સિવાય મોંઘા ભાવે અદ્યતન સુવિધાઓ ભોગવવી હોય તો ગેબલ્સ રિસોર્ટસ માં રહી શકાય.
નાલદેહરા :
માશોબરા થી 15 કિ.મી. ઉત્તરે સમુદ્રની સપાટીથી 2050 મીટરની ઊંચાઈએ વસેલું નાલદેહરા એટલું સુંદર છે કે બ્રિટીશ વાઈસરોય લોર્ડ કર્ઝને તેમની સૌથી નાની દીકરીનું નામ નાલદેહરા પાડ્યું હતું ! અહીં દેશનો સૌથી જૂનો અને સૌથી વધુ ઊંચાઈ પરનો ગોલ્ફ કોર્સ આવેલ છે. આ ગોલ્ફ કોર્સની મધ્યે માહુનાગ મંદિર ગોલ્ફ કોર્સની હરિયાળીમાં દ્વીપ જેવું લાગે છે. અહીં રહેવા માટે હોટલ ગોલ્ફ ગ્લેડમાં વ્યવસ્થા ઉપલબ્ધ છે.
તત્તાપાની :
સતલજ નદીના કિનારે આવેલ તત્તાપાનીમાં સલ્ફરયુક્ત ગરમ પાણીનું ઝરણું આવેલું છે. કુલુ મનાલીના વશિષ્ટ કે મણિકરણ જેવો વિકાસ અહીં થયો નથી, પરંતુ રોજિંદી દોડધામથી દૂર થવું હોય અને શરીરને પણ કુદરતી આરામ આપવો હોય તો તત્તાપાની જવા જેવું છે. અહીં નીરવ શાંતિમય વાતાવરણ અને નૈસર્ગિક ગરમ પાણી તમારા મન-તનને આરામ આપશે તે ચોક્કસ. ગરમ પાણીના ઝરણામાં ખુલ્લામાં નાહવા ન ઈચ્છનાર માટે કિનારે આવેલ ગેસ્ટ હાઉસોમાં પાઈપ મારફત તે જ પાણી ઉપલબ્ધ કરાવાય છે. અહીં રહેવા માટે હિમાચલ ટુરિઝમની ટુરિસ્ટ ઈન ઉપરાંત સ્પ્રિંગ વ્યૂ ગેસ્ટ હાઉસમાં સગવડ ઉપલબ્ધ છે. તત્તાપાની જવા માટે શિમલાથી દર કલાકે સુન્ની જતી બસમાં બેસી જવું. તેમાંની કેટલીક તત્તાપાની સુધી જાય છે. અન્યથા સુન્નીથી તત્તાપાની જતાં ચાલતાં અડધો કલાક થાય છે. શિમલાથી તત્તાપાની જઈ પરત આવવાનું ટેક્સી ભાડું રૂ. 1000 જેટલું થાય છે.
નારકન્ડા :
સમુદ્રની સપાટીથી 2708 મીટરની ઊંચાઈએ હિન્દુસ્તાન-તિબેટ રોડ (નેશનલ હાઈવે નંબર – 22) પર આવેલ નારકન્ડાથી હિમાચ્છાદિત પર્વત શૃંખલાનો બહેતરીન નઝારો જોવા મળે છે. પર્વતોની ગોદમાં ખોવાઈ જઈ રજાઓ ગાળવા માંગનાર પ્રવાસી માટે નારકન્ડાથી સારું બીજું સ્થળ નથી. નારકન્ડા એવા વિશિષ્ટ સ્થળે વસ્યું છે કે હિમાચ્છાદિત પર્વતોની સાથે સાથે હરિયાળાં ખેતરો અને ફળો આપતા બગીચા નિહાળવાનો લાભ પણ મળે છે. સન 1980માં અહીં સ્કીઈંગ થઈ શકે તેમ છે તેવું જણાયા પછી સ્કીઈંગ તથા અન્ય વિન્ટર સ્પોર્ટસનો વિકાસ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનો સમય સ્કીઈંગ માટે શ્રેષ્ઠ ગણાય છે. હિમાચલ પ્રદેશ ટુરિઝમ સ્કીઈંગ શીખવા સહિતનું સાત દિવસનું પેકેજ ઑફર કરે છે. જેમાં રહેવા જમવા, સ્કીઈંગ માટેનાં સાધનો અને સ્કીઈંગના કોચિંગનો સમાવેશ થાય છે. તે સિવાય મનાલી ખાતે મુખ્યમથક ધરાવતા ડિરેક્ટોરેટ ઑફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઈડ સ્પોર્ટસ દ્વારા 15 દિવસના બેઝિક કે ઈન્ટરમીડિયેટ કોર્સમાં જોડાઈને પણ સ્કીઈંગ શીખી શકાય છે.
સ્કીઈંગ ન કરવું હોય પણ કુદરતી સૌંદર્યને ભરપેટ માણવું હોય તો 8 કિ.મી. દૂર આવેલ હાતુ પીકની એક દિવસીય હાઈક કરવા જેવી છે. છેક પર્વત શિખર સુધી લઈ જતો રસ્તો સિડર અને સ્પ્રુસનાં વૃક્ષોથી ઘેરાયેલો છે. શિખરની ટોચે પહોંચ્યા પછી 330 મીટરની ઊંચાઈએ સમગ્ર હિમાલય પર્વતમાળાનાં હિમાચ્છાદિત શિખરો નિહાળી શકાય છે. સાથે સાથે ઊંડી ખીણમાં છવાયેલાં ગાઢ જંગલ, પહાડો પરનાં પગથિયાં જેવાં લાગતાં ખેતરો અને ફળોથી લદાલદ બગીચાઓ જોઈ દિલ ખુશ થઈ જાય છે. ટોચ પર સ્થાનિક હાતુ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. નારકન્ડાથી 18 કિ.મી. દૂર આવેલ કોટગઢ અને થાનેદાર હિમાચલ પ્રદેશના ફળોના બગીચાનો હૃદયસમો વિસ્તાર ગણાય છે. અહીંના અસંખ્ય બગીચાઓમાં ઊગતાં સ્વાદિષ્ટ સફરજન દેશભરમાં તો ઠીક પરદેશમાં પણ નિકાસ પામે છે. શિમલાથી 65 કિ.મીના અંતરે આવેલ નારકન્ડા પહોંચવા માટે બસની સગવડ ઉપલબ્ધ છે. તેમ ન કરવું હોય તો શિમલાથી નારકન્ડા જઈ પરત આવવાના ટેક્સીવાળા રૂ. 1000 લે છે. નારકન્ડામાં રહેવા માટે હોટલ સ્નો વ્યૂ, હોટલ મહામાયા તથા હિમાચલ ટુરિઝમની હોટલ હાતુમાં સારી સગવડ ઉપલબ્ધ છે. અહીં ભોજન માટે ઘણાં ઢાબાં આવેલાં છે જ્યાં સ્થાનિક વાનગીઓ માણવા જેવી હોય છે. તેમ ન કરવું હોય તો હોટલ હાતુમાં આવેલ રેસ્ટોરન્ટમાં સર્વ પ્રકારનું ભોજન-નાસ્તા ઉપલબ્ધ હોય છે.
રામપુર :
હિમાચલ પ્રદેશના પ્રવાસના અંતે સતલજ વેલીમાં જઈએ. સતલજ નદીના કિનારે વસેલું રામપુર એક જમાનામાં ભારતથી તિબેટ જતા વેપારી માર્ગ પરનું મહત્વનું કેન્દ્ર હતું. તે સમયે કિન્નોર સુધી વિસ્તરેલા બુશહેર રાજ્યનું રામપુર પાટનગર હતું. આજે પણ રામપુર મહત્વનું વેપારી મથક છે. દર વર્ષે નવેમ્બર માસમાં અહીં ભરાતા ‘લાવી’ મેળા અને માર્ચમાં આયોજિત ‘ફાગ’ મેળામાં હિમાચલ પ્રદેશની સ્થાનિક સંસ્કૃતિને નજીકથી નિહાળવા વિદેશી પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. આ મેળાઓમાં લાહૌલ સ્પીતી અને કિન્નોર સુધીના દૂરદૂરના નિવાસીઓ એકઠા થાય છે અને સ્થાનિક વસ્તુઓ ઉપરાંત ઘોડાનો વેપાર એ આ મેળાની વિશેષતા છે. રામપુરમાં જોવાલાયક સ્થળોમાં સન 1925માં બંધાયેલ પદમ પેલેસ શીર્ષસ્થ સ્થાન ધરાવે છે. મહેલની અંદર જઈ શકાતું નથી. પરંતુ સુંદર બગીચાઓ અને તેની વચ્ચે આવેલ મંદિરમાં જઈ શકાય છે. તે ઉપરાંત રામપુરમાં રઘુનાથ મંદિર, અયોધ્યા મંદિર અને નરસિંહ મંદિર આવેલાં છે. સન 1926માં બંધાયેલા દુમગીર બુદ્ધનું મંદિર તેના વિશાળ પ્રાર્થનાચક્ર અને પૌરાણિક ધાર્મિક સાહિત્ય માટે જાણીતું છે.
રામપુરથી 12 કિ.મી. દૂર સતલજના કિનારે વસેલ દત્તનગરનું નામ ત્યાં આવેલ દત્તાત્રય મંદિર પરથી પડ્યું છે. રામપુરથી 18 કિ.મી. દૂર આવેલા નીરથમા અત્યંત પૌરાણિક સૂર્યમંદિર આવેલું છે, તો 17 કિ.મી.ના અંતરે આવેલ નીરમન્ડમાં ભગવાન પરશુરામનું સુંદર કાષ્ટકોતરણી ધરાવતું મંદિર જોવાલાયક છે. શિમલાથી 134 કિ.મી. દૂર આવેલ રામપુર નિયમિત બસ સેવાથી સંકળાયેલું છે. કુલુથી સીધા રામપુર જવું હોય તો જાલોરી ઘાટ થઈ જઈ શકાય છે. આ અંતર 190 કિ.મીનું છે. રામપુરમાં રહેવા માટે નરેન્દ્ર હોટલ, હોટલ ભગવતી તથા હિમાચલ ટુરિઝમની હોટલ બુશહેર રીજન્સીમાં સારી સગવડ ઉપલબ્ધ છે. રામપુરમાં હોટલ નરેન્દ્રની રેસ્ટોરન્ટ, હિમાચલ ટુરિઝમની કાફે ‘સતલજ’માં જમવાની સારી સગવડ છે. ઉપરાંત રોડ સાઈડ ઢાબામાં સ્થાનિક ખોરાક માણી શકાય છે.
સરહાન :
બુશહેર રાજ્યનું ગ્રીષ્મકાલીન પાટનગર સરહાન કુદરતી સૌંદર્યથી ભર્યુંભર્યું છે. એવું કહેવાય છે કે ભગવાને પૂરેપૂરી ઉદારતાથી અહીં કુદરતી સૌંદર્ય વેર્યું છે. પર્વત શિખર તરફ દોરી જતા રસ્તાની અધવચ્ચે વસેલ સરહાન સુધી પહોંચતો રસ્તો પહેલાં ‘પાઈન’, પછી ‘ઓક’ અને પછી ‘રહોડોડેન્ડ્રમ્સ’નાં વૃક્ષોથી છવાયેલો છે. સરહાનની આજુબાજુ હરિયાળાં ખેતરો અને ફળાઉ વૃક્ષો ધરાવતા બગીચા આવેલા છે. ગામથી આગળ વધીને શિખર તરફ ગતિ કરતાં દેવદાર વૃક્ષો રસ્તાનો કબજો લઈ લે છે. બશલ શિખરની આજુબાજુ બીર્કનાં વૃક્ષો અને જંગલી પુષ્પોની વિવિધ જાતના છોડ જોવા મળે છે. શિખરની ઊંચાઈએ જોતાં છેક ઊંડી ખીણમાંથી સતલજ નદી વહેતી દેખાય છે. તે સામે હિમાચ્છાદિત શ્રીખંડ શિખર (5227 મીટર) ઊભું છે. બોલો છે ને પિક્ચર પોસ્ટકાર્ડમાં સમાવાય એવાં દશ્યૉ ! આટલું નૈસર્ગિક સૌંદર્ય હોય અને તેને કાયમ માટે સ્મૃતિબદ્ધ કરવા કેમેરા ન હોય તે ચાલે ? કુદરતી સૌંદર્યને ખરા અર્થમાં માણવા માટે સરહાનથી આજુબાજુ હાઈકિંગ-ટ્રેકિંગ માટેના અસંખ્ય રૂટ ઉપલબ્ધ છે. જ્યાં કુદરતને અત્યંત નજીકથી સંપૂર્ણ સમય આપીને માણી શકાય છે. સરહાન આપણે અગાઉ જઈ આવ્યા તે કિન્નોર પ્રદેશનું પ્રવેશદ્વાર ગણાય છે.
સરહાનનાં જોવાલાયક સ્થળોમાં ભીમ કાલી મંદિરનું પ્રમુખસ્થાન છે. આ ઐતિહાસિક મંદિર હિંદુ અને બૌદ્ધ સ્થાપત્યશૈલીનું મિશ્રણ ધરાવતી બહુમાળી ઈમારતમાં આવેલું છે. મંદિરનો ઊંચો ભાગ અને વિશિષ્ટ છાપરું તેને આગવું સ્વરૂપ આપે છે. મંદિરના ચોકમાં લઈ જતાં દ્વાર ચાંદીનાં બનેલાં છે, જેના પર કોતરણીકામ કરેલું છે. બીજા માળે ભીમ કાલી (મા દુર્ગાનું સ્થાનિક સ્વરૂપ), પાર્વતી, બુદ્ધ અને અન્નપૂર્ણાની મૂર્તિઓ છે જેના પર બારીક કોતરણી ધરાવતી ચાંદીની છત્રી આવેલી છે. પહેલા માળે માતા પાર્વતીની પૂજા થાય છે. ભીમકાલી મંદિરના ચોકના છેવાડે દીવાઓ અને શસ્ત્રોનું પ્રદર્શન જોવા જેવું છે. બાજુમાં આવેલ લંકા વીર મંદિરમાં ઓગણીસમી સદી સુધી ભીમકાલીને રીઝવવા નરબલિ ચઢાવવામાં આવતા હતા. મંદિર સંકુલમાં નરસિંહ અને રઘુનાથ મંદિર પણ આવેલાં છે.
આ ઉપરાંત સરહાનમાં બર્ડ પાર્ક જોવાલાયક છે. સરહાનથી 50 કિ.મી. દૂર આવેલ ભાભા નદીની વેલી જોવાલાયક છે. અહીં સુંદર તળાવ તથા આલ્પાઈન ઘાસનાં મેદાનો આવેલાં છે. સ્પિતીમાં આવેલ પીન વેલીનો ટ્રેકરૂટ અહીંથી શરૂ થાય છે. સરહાન શિમલાથી 198 કિ.મી. દૂર આવેલું છે. શિમલાથી સરહાન જવા માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. નારકન્ડા અને રામપુરથી પણ સરહાન જવા બસ મળી રહે છે. રામપુરથી સરહાન ટેક્સીમાં જવું હોય તો રૂ. 1000 થાય છે. સરહાનમાં રહેવા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા ભીમકાલી મંદિરના ગેસ્ટ હાઉસમાં છે, જ્યાં સ્વચ્છ-શાંત રૂમ ઉપલબ્ધ છે. તે સિવાય સ્નોવ્યૂ હોટલ તથા હિમાચલ ટુરિઝમની હોટલ શ્રીખંડ પણ સુંદર છે. સરહાનમાં જમવાની વ્યવસ્થા સ્નો વ્યૂ હોટલની અજય રેસ્ટોરન્ટમાં અને રોડસાઈડ ઢાબામાં ઉપલબ્ધ છે.
આમ, શિમલાની આસપાસના વિવિધ પ્રદેશો જોવા અને માણવાલાયક છે. બધા પ્રદેશો શિમલા જેટલા જ આકર્ષક, શાંત અને કુદરતના સાન્નિધ્યનો દિવ્ય આનંદ આપનારા છે.

ત્રિપુરામાં – ડંકેશ ઓઝા

હવે સીલ્ચર થઈને ત્રિપુરાની રાજધાની અગરતલા જવાનો ખ્યાલ હતો તેથી આગલી સાંજે જ સીલ્ચર પાર્કિંગમાં જઈને છ ટિકિટો બુક કરાવી. બીજે દિવસે સવારે સાત વાગે ઊપડેલી બસે આખા દિવસના પ્રવાસને અંતે અમને સીલ્ચર રાત્રે આઠ વાગે અંધારામાં વરસાદી ગંદકીમાં શહેર બહાર હાઈવે પર ઉતાર્યા. તે પૂર્વે આવેલું જીરીબામ મણિપુર બોર્ડરનું છેલ્લું ગામ છે. ત્યાર પછી આસામની સરહદ શરૂ થાય છે. આને કારણે જીરીબામમાં ઘણી અવઢવ રહી હતી. આ બસ અમને અહીં ઉતારીને બીજા નાના વાહનમાં સીલ્ચર પહોંચાડશે એવી પણ શક્યતા હતી. બધા જ પ્રવાસીઓ અનિશ્ચિત દશામાં હતા. અંતે કોઈ ફેરફાર વગર આ બસ છેક સીલ્ચર મુસાફરોને લઈ જશે એવું નક્કી થયું ને બધાએ હાશકારો અનુભવ્યો.
ઈમ્ફાલથી સીલ્ચરનો પહાડી રસ્તો એટલો અદ્દભુત છે કે અમે તો આગળ જવા માટે આ પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંય ન જવું હોય તો પણ ચોમાસાની શરૂઆતમાં આછા વરસાદમાં આ પ્રવાસ માણવા જેવો છે. ગોવાથી મહાબળેશ્વરનો આવો પ્રવાસ યાદ આવી ગયો. કુદરતમાં ફરતાં હોઈએ ત્યારે તેના નિરીક્ષણમાં આપણી કલ્પનાઓને છૂટો દૂર સાંપડતો હોય છે. આકાશમાં સફેદ વાદળોના પુંજ એવા ખડકાયેલા અને વિસ્તરેલા હતા કે તમને દરિયાની પણ અનુભૂતિ થાય. દૂર દૂરના ભૂરા પહાડો પર સફેદ વાદળોની બિછાત ક્યારેક બરફીલા પહાડો હોવાની ભ્રમણા ઊભી કરી જાય. ખીણોમાંથી ઉપર ઊઠતાં ઢગલાબંધ વાદળો. ક્યાંક હવામાં સરકતાં વાદળો અને ક્યાંક વાદળોને લીધે ધૂપછાંવની સ્થિતિ. આ બધું બસની બારીએ બેઠા બેઠા કલાકો સુધી માણવું એ પણ એક અદ્દભુત લહાવો છે. કોઈને ખજુરાહોનાં શિલ્પો પણ દેખાયાં. કોર્ણાકનાં શિલ્પો પણ દેખાય ને કંઈકનું કંઈક દેખાય. માણસના વિચારને કે કલ્પનાને કોઈ સીમા કે બંધન હોતાં નથી. આવા કુદરતનાં વિવિધ સ્વરૂપો અને ઉન્મેષો અંગતજન સાથે માણવાની પણ એક મજા હોય છે.

સીલ્ચર એવું મુખ્ય મથક છે જ્યાં તમારે વારંવાર આવવું પડે. ત્રિપુરા જવા માટે આવવું પડે, મિઝોરમ જવા માટે આવવું પડે અને શિલૉંગ જવા માટે પણ ત્યાંથી પસાર થવું પડે. સીલ્ચરમાં હોટલ ‘કલ્પતરુ’માં રોકાયા જે એસ.ટી. બસમથકને અડીને છે. રાત્રે મોડા પહોંચ્યા હોવાને કારણે બીજે દિવસે અગરતલા જવા માટે પાકી માહિતી મળી ન હતી, પરંતુ સવારમાં વહેલા નીચે ઊતર્યા તો સવારના 6:30ની અગરતલાની સીધી બસ અમને અચાનક મળી ગઈ. કાઉન્ટર પરથી બુકિંગ કરાવી બેસી ગયા. ઈમ્ફાલથી સીલ્ચરના પ્રાઈવેટ બસમાં, બાર કલાકની મુસાફરીના, રૂ. 250 થયા હતા, એટલા જ સમયની સીલ્ચરથી અગરતલાની એસ.ટી. બસમાં રૂ. 130 થવાના હતા.
અગરતલામાં મોટર સ્ટેન્ડે ઊતરીને રાત્રે હોટલની શોધખોળ શરૂ કરી તો સંતોષકારક ને ખાલી જગ્યા ન મળે. અંતે અમે ઊભા હતા ત્યાંથી તદ્દન નજીકમાં શનિતલા સામે ‘સમ્રાટ’ હોટલ મળી ગઈ અને તેના માલિક બંગાળીબાબુ સાથે મજા આવી. અમને વેજિટેરિયન ફૂડ માટે પણ તે સામે ચાલીને જગ્યા બતાવવા આવ્યા. મજાનો અનુભવ એ થયો કે શુદ્ધ શાકાહારી ભોજન શોધતા હોવ ત્યારે સ્વસ્તિક ભોજનાલયમાં ડુંગળી-લસણ ભોજનમાં તો ન હોય, પરંતુ તમારી પાસે હોય તોપણ ખાવાની મનાઈ. અમારામાંના મોટા ભાગનાને માંસ-મચ્છી નહીં, પણ ડુંગળી અચૂક જોઈએ. અહીં તો તેમની ડુંગળી પર પણ પ્રતિબંધ આવી ગયો. મહારાષ્ટ્રના બોગનગેરના એક સત્સંગી સંપ્રદાયનાં બહેન આ લૉજ ચલાવતાં હતાં અને અમને થાળીની અંદર કેળના ધોયેલા પાનમાં ભોજન પીરસવામાં આવ્યું હતું.
ત્રિપુરાની રાજધાની અગરતલામાં રાજમહેલ અને મંદિરો જોવા જેવા છે. ઉજ્જયતા પૅલેસ સરોવરને કિનારે વિશાળ જગ્યામાં ઊભેલો છે. તેની બિલકુલ બાજુમાં ટુરિઝમની ઑફિસ છે. વારસદાર રાણી ક્યારેક અહીં નિવાસ કરતાં હોય છે. એ વધુ સમય કોલકતા રહેતાં હોય છે. મહેલના કેટલાક ભાગમાં ઑફિસો પણ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં અવારનવાર યોજાય છે. અમે રોકાયા એ દિવસોમાં કોલકતા દૂરદર્શન તરફથી બંગાળી લોકનૃત્યનો કાર્યક્રમ પૅલેસ કમ્પાઉન્ડમાં રવીન્દ્રભવનમાં યોજાયો હતો, જેનું ઉદ્દઘાટન કોલકતાના રાજ્યપાલે કર્યું હતું. અમારામાંના બે મિત્રોએ આ કાર્યક્રમનો પૂરો લાભ લીધો.
અગરતલાની આસપાસ જોવા જેવાં ઘણાં સ્થળો છે. અમે 50-60 કિ.મી.ના વિસ્તારનાં સ્થળો એક દિવસમાં થઈ શકે તેવી રીતે કરવાનું નક્કી કર્યું. આખા દિવસની મારુતિ ઓમનીના રૂ. 1000 ઠરાવીને ફરવા નીકળ્યા. ટુરિઝમનાં વાહનો તેમના કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ત્યાંના કર્મચારીના મદદ અને માર્ગદર્શન હેઠળ સ્થળો અને વાહનનું નક્કી કર્યું. સૌપ્રથમ અમે કમલાસાગર ગયા. રાજધાનીની નજીકનું આ સુંદર પ્રાકૃતિક સ્થળ છે. બાંગલાદેશની સરહદ સરોવરને પેલે પાર છે. 16મી સદીનું કાલી ટેમ્પલ સરોવરના કિનારે થોડી ઊંચાઈ પર છે. એપ્રિલ અને ઑગસ્ટમાં ભારત અને બાંગલાદેશમાંથી યાત્રિકો કાલીમંદિરમાં એકઠા મળતા હોય છે. મહારાજા કલ્યાણ માણિક્યે આ સરોવર બંધાવ્યું હોવાનું કહેવાય છે. બાજુમાં કાફેટેરિયા પણ છે અને પ્રસાદ-પૂજાની દુકાનો મંદિર અને સરોવરની વચ્ચે છે. ટુરિસ્ટો માટે સરોવર કિનારે એક તરફ બેસવાની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. સિમેન્ટના થાંભલા અને તારની વાડ માત્ર આ સરહદે જોવા મળે છે અને થોડાક જવાનો તેની સુરક્ષા કરી રહ્યા છે. અમે સરોવર કાંઠે ઊભા રહ્યા એ દરમિયાન સરોવરને સામે કાંઠે વાડની બરાબર પાછળ એક મુસાફર રેલગાડી પણ પસાર થતી જોઈ. અહીં અમને રામનિવાસ નામનો સુરક્ષા જવાન મળી ગયો જેનો ભાઈ ઉત્તર ગુજરાતમાં કૉન્ટ્રાક્ટર હોવાથી તે ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યો હતો. પિયરનું કૂતરું મળે ને સ્ત્રીને આનંદ થાય તેવો આનંદ આ જવાનને જોઈને અમને ગુજરાતીઓને મળીને થયો. થોડી વાતચીત બાદ તેણે લીચી ડ્રીંક્સથી અમારી મહેમાનગતિ પણ કરી.
ત્યાંથી નીકળીને અમે નીરમહલ જવા નીકળ્યા. આ મહેલ રુદ્રસાગર સરોવરની વચ્ચે આવેલો છે. રાજસ્થાનનું ઉદેપુર શહેર લેક પૅલેસ માટે જાણીતું છે, પરંતુ પૂર્વભારતમાં આ એકમાત્ર નીરમહલ છે. રાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરે 1930માં તે બાંધવો શરૂ કરેલો અને 1938માં બાંધકામ પૂરું કરેલું. માંડ 70 વર્ષ પૂર્વેનું આ બાંધકામ આજે ખંડેરની અવદશામાં છે. આટલી સુંદર જગ્યાની કોઈ જ સારી જાણવણી થતી ન હોવાનું જોવા મળ્યું. નીરમહલ નામકરણ એ ટાગોરનું પ્રદાન છે. 24 જેટલા નાના-મોટા રૂમો અને બગીચા-ફુવારા બધું જ છે, પરંતુ કોઈ ઉપયોગ કે જાળવણી નથી. રાત્રે લાઈટિંગ કરીને મહેલનું સૌંદર્ય ખીલવવાનો પ્રયાસ થાય છે. રુદ્રસાગર સરોવર 5.3 કિ.મી.માં ફેલાયેલું છે. થોડાં પક્ષીઓ પણ જરૂર જોવા મળે છે. કિનારેથી મોટરબોટમાં યાત્રિકોને લઈ જવાય છે અને આ ખંડેર જેવો મહેલ જોવા 40 મિનિટ નાવિકો આપે છે. મારી ધર્મપત્ની ભારતીએ સાચું જ કહ્યું : ખંડર બતા રહા હૈ ઈમારત કિતની બુલંદ થી. અહીં કિનારે અમને ખૂબ મીઠાં લીલાં નાળિયેર પીવા મળ્યા અને કોપરું પણ એટલું બધું નીકળ્યું જે અમે ખાઈ શકીએ તેમ ન હતા. કિનારા પર સહારા મહલ ટુરિસ્ટ લૉજ છે. યાત્રિકો રાત્રિનિવાસ કરી શકે તેવાં સુંદર મકાનો દેખાતાં હતાં અને સાહિત્યમાં પણ તેની માહિતી પૂરી પાડવામાં આવી છે, પરંતુ તે ચાલુ છે કે નહીં તેની તપાસ ન કરી. અહીં અમને પ્રેરક નામના સુરતના ઈજનેરી વિદ્યાર્થીનો સંપર્ક થયો. તે ત્રિપુરાના તેના સાથી વિદ્યાર્થીને ત્યાં તેના પ્રદેશમાં ફરવા આવ્યો હતો. મૂળે વડોદરાનો હતો, પણ પ્રવેશ સુરત કૉલેજમાં મળ્યો હતો. મિત્રો સાથે તેને ફરવાનો આનંદ આવી રહ્યો હતો.
અહીંથી અમે ઉદેપુર થઈ ત્રિપુરાસુંદરી ગયા. એકાવન શક્તિપીઠોમાંની તે એક ગણાય છે. અહીં રોજ બપોરે 12:00 વાગે બકરાનો બલિ માતાજીને ભોગ ધરાવાય છે. નાનાં બાળકોના નામકરણવિધિ માટે બાળકો લઈને લોકો અહીં આવે છે. નીચે કલ્યાણસાગર નામનું સુંદર સરોવર છે જેમાં અસંખ્ય માછલીઓ અને થોડા મોટા કાચબા કિનારે જોવા મળે છે. લોકો માછલીઓને કુરકુરે અને કાચબાને બિસ્કિટ ખવડાવે છે. કિનારા પરની હોટલો તેનો કચરો અહીં જ ઠાલવતી હોવાનું પણ જોવા મળ્યું. ત્રિપુરાસુંદરીનું વાહન કાચબો છે. 15મી સદીમાં ત્રિપુરાના રાજા ધન્ય માણિક્યે આ મંદિર બંધાવેલું. રાજાને સ્વપ્ન આવ્યું હોવાની અને તે પછી વિષ્ણુના ધામમાં ત્રિપુરાસુંદરીની પ્રતિષ્ઠા કરી હોવાની કથા છે. આ શક્તિપીઠને કુર્મપીઠ પણ કહેવાય છે. કુર્મ એટલે કાચબો. અહીં દિવાળીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. હવે અમે ભુવનેશ્વરી મંદિર પહોંચ્યા જેને રવીન્દ્રનાથ ટાગોરે તેમના જાણીતા નાટક ‘વિસર્જન’ અને નવલ ‘રાજશ્રી’માં વર્ણવ્યું છે. એ સારી એવી ઊંચાઈ ઉપર આવેલું છે. આજે તે માત્ર પુરાતત્વના હવાલે આરક્ષિત સ્મારક છે. ઊભા ઊભા અંદર જઈ પણ ન શકાય તેવો તેનો નીચો દરવાજો છે અને શિખર કોઈ મોટું વાસણ ઊંધું પાડ્યું હોય તેવા આકારનું છે. નજીકમાં જૂના રાજમહેલના થોડા અવશેષો છે. નીચે ગોમતી નદી વહે છે. પુરાતત્વના સ્મારકમાં હવે તો મૂર્તિ પણ નથી અને બાજુની એક દેરીમાં મુકાયેલી મહાકાળીની મૂર્તિ તો તાજેતરની હોવાનું જણાય છે. અહીં ફેબ્રુઆરી 21-22-23ના રોજ મેળો ભરાય છે અને બંગાળ તથા બાંગલાદેશના યાત્રિકો અહીં મોટી સંખ્યામાં ઊમટી પડે છે. વનવિભાગે અહીં ઊંચો લાકડાનો વૉચ ટાવર ઊભો કર્યો છે જેના પરથી ચોપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી શકાય છે. મંદિર સુધી પહોંચવાના માર્ગે સુંદર રબર પ્લાન્ટેશન છે. જેના થડમાં રબ્બર એકઠું કરવાની કાચલીઓ પણ બાંધેલી જોવા મળી. આ કલેક્શન શિયાળામાં થતું હોય છે.
પાંચેક વાગ્યાના સુમારે અમે ફરીને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે અગરતલાની ગરમીને ધોધમાર વરસાદે અદશ્ય કરી મૂકી. ગ્રામ્ય વિસ્તારમાં અંદર સુધી જતા બધા જ રસ્તા ખૂબ સુંદર હતા અને ઘણે ઠેકાણે ડાંગરનું ઘાસ લોકો રોડ પર સૂકવતા હતા. વાહનો તેના પરથી પસાર થતાં હતાં. કમલાસાગર જતા ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સનું હેડક્વાટર્સ પણ હતું અને નીરમહલ જવાને રસ્તે થોડેક અંદર ઉગ્રવાદીઓનો વિસ્તાર પણ હતો. TSRના જવાનો ઘણે ઠેકાણે જોવા મળતા હતા. અમારા ડ્રાઈવર ઉત્તમના કહેવા મુજબ આ ઉગ્રવાદીઓ બહારની મિલેટરીથી ઓછા ડરે છે અને TSRના જવાનોથી વધુ ડરે છે. ત્રિપુરામાં ફરતાં ફરતાં સચિનદા એટલે આપણા ગીત-સંગીતકાર સચિનદેવ બર્મનની યાદ આવી ગઈ. અમે બંગાળી બાઉલ સંભળાવવા ડ્રાઈવર ઉત્તમને વિનંતી કરી. તેણે બે-ચાર લીટીઓ ખૂબ સુંદર રીતે ગાઈ સંભળાવી અને આવા જ બાઉલ સચિનદાના કંઠે ગવાયેલા સાંભળ્યાની સ્મૃતિના કિનારે અમને છોડી મૂક્યા. નીરમહલ રુદ્રસાગરના કિનારે ઉતારતાં તેણે છેલ્લી પંક્તિઓ ‘એકલો ચલો રે’ની ગાઈ જે સાંભળીને અમે બધા અનૂદિત પંક્તિઓ ગાઈ ઊઠ્યા : તારી જો હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે.
અમારી ‘સમ્રાટ’ હોટલની બાજુમાંથી આઉલબાઉલ નામની એક ઑડિયો-વીડિયો સીડી પણ ખરીદી. અગરતલામાં સવારમાં ચાલતાં અમે જે બે-ચાર મંદિર જોયાં તેમાંનું એક લોકનાથનું હતું. એ શંકરનો અવતાર ગણાય છે અને બંગાળીઓ તેમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. ઠેકઠેકાણે પછી તો આ લોકનાથના ફોટા અમે ઓળખી શક્યા, જેમાંનો એક અમારી ગાડીમાં પણ હતો. ઉજ્જ્યતા મહેલથી સહેજ આગળ ત્રિપુરા વિધાનસભા છે જેની સામે મુખ્યમંત્રી નિવાસ છે. વિધાનસભાની બાજુમાં ત્રિપુરા-પબ્લિક સર્વિસ કમિશન અને અન્ય સરકારી કચેરીઓ છે. મહેલના સરોવરની સામે કાંઠે ઉમા-મહેશ્વરની મૂર્તિઓ સાથેનું સુંદર પ્રાચીન મંદિર છે. જેના પરિસરમાં અમને અહીંની નગરપાલિકાના ભૂતપૂર્વ ચૅરપર્સન શ્રી શાહા મળી ગયા, જેમને સાથે ઊભા રાખીને પગથિયે અમે ફોટા પણ પડાવ્યા. અગરતલામાં શંકુતલા રોડ પર ઓરિયન્ટ ચોક નજીક ગુજરાત લૉજ આવેલી છે, જે અમે શોધી કાઢી. ખખડધજ મકાનમાં ઉપરના માળે તે છે. મૂળ સાવરકુંડલાના અશોક ગાંધી તે ચલાવે છે અને તેમનો જન્મ અહીં થયેલો છે. તેમના બાપુજી હવે કોલકતા રહે છે. તેમને ગુજરાતી બોલતા સાંભળીને ખૂબ આનંદ થયો, પણ ગુજરાતી ભાણાથી સંતોષ ન થયો. જમતાં જમતાં જૂનાં હિન્દી ફિલ્મી ગીતો ટી.વી. પર જોવા-સાંભળવાની મજા આવી ગઈ અને કોલકતાનું ‘ટેલિગ્રાફ’ વાંચવાની પણ. એમનો દીકરો MBA કરતો હોવાથી તેઓ છાપું મને આપી ન શક્યા. રોજ સવારે તેઓ અચૂક અડધો કલાક જૂનાં હિન્દી ગીતો સાંભળે છે. એકાદ ભાઈને બાદ કરતાં બધા હજુ ગુજરાતીઓને જ પરણ્યા છે અને છેલ્લે પાંચ વર્ષ પૂર્વે તેઓ ગુજરાત ગયા હતા. મારવાડીઓ અને અહીંના લોકો પણ ગુજરાતી લૉજમાં અહીં જમવા આવે છે.
સામ્યવાદી સરકાર કેવીક ચાલે છે એની વાતો અમે ડ્રાઈવર સાથે કરતા રહ્યા હતા. પાંચ ધોરણ સુધીનાં ગરીબ બાળકોને મફત પાઠ્યપુસ્તકો અને મધ્યાહ્ન ભોજનની બાબતથી સામાન્ય લોકોને ઘણો સંતોષ હતો. અગરતલામાં પહેલાં ગુંડાગર્દી ઘણી હતી, પરંતુ હવે સામ્યવાદીઓએ મસ્તાનોને અંદરોઅંદર લડાવી મારીને લોકોને વેપારીઓને શાંતિ કરી દીધી છે એવો પણ એનો મત હતો. લાંબા સમયથી સામ્યવાદી શાસન હોવા છતાં જેમ કોલકતામાં તેમ અહીં પણ કોઈ સીધો તફાવત સામાન્ય માણસની નજરે પડતો નથી. ઠેકઠેકાણે સુભાષબાબુના અને રવીન્દ્રબાબુનાં બાવલાં જરૂર જોવાં મળતાં હતાં.

હિમાલય દર્શન (ભાગ-1) – ભાણદેવ

હિમાલયના પ્રવાસોમાંનું એક સ્થાન છે ગંગોત્રી. અમારે ગંગોત્રી જવું છે અને તે માટેના અનેક માર્ગોમાંથી અમે હનુમાનચટ્ટીથી જતો માર્ગ પસંદ કર્યો. હું અને મારો મિત્ર એમ બંને જણ પગપાળા જ પ્રવાસ કરીએ છીએ જેથી હિમાલયના નાનામાં નાના સૌંદર્યને માણી શકાય. તેના યર્થાથ દર્શન થઈ શકે.
હનુમાનચટ્ટી પાસે હનુમાનગંગા નામની નદી યમુનાજીને મળે છે. આ હનુમાન ગંગાને કિનારે કિનારે અમારે ચાલવાનું છે. પ્રારંભમાં સારી પગદંડી છે. થોડીવાર ચાલ્યા ત્યાં એક ગામ આવ્યું. આ રસ્તાપર આ છેલ્લું ગામ છે. અહીંથી નોગાંવ (આ ગામનું નામ છે.) સુધી કોઈ ગામ નથી. ગામમાં બહુ ઓછા માણસો હાજર હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો મળ્યા. તેમણે અમને જણાવ્યું કે સ્ત્રીઓ અને પુરુષો ખેતરોમાં ખેતીકામ માટે ગયા છે. એટલે ગામ સાવ ખાલી લાગે છે. મળી શકે તો કંઈક ભોજન સામગ્રી મેળવવા અમે પ્રયત્ન કર્યો પણ એ શક્ય ન બન્યું. શિક્ષક મહાશયે અમને સમજાવ્યું કે ગામ બહુ નાનું છે લોકો ખૂબ ગરીબ છે એટલે મીઠાઈ કે તેવી કોઈ તૈયાર ભોજન સામગ્રી અહીં મળે જ નહિ. લોકો ચાવલ, રોટી, દાલ વગેરે ખાય છે. અને તેવી રસોઈ બનાવવાનું અત્યારે શક્ય નથી કેમકે ગામમાં કોઈ સ્ત્રી હાજર નથી. સૌ પોતપોતાનાં ખેતરોમાં ગયા છે. અમે તેમનો આભાર માની અમારે રસ્તે આગળ વધ્યા.

અડધો કિ.મી. ચાલ્યા હોઈશું ત્યાં એક સુંદર મેદાન આવ્યું. મેદાનમાં ગામનાં પશુઓ ચરી રહ્યાં હતાં. ત્રણ બાજુએ ઊંચા પહાડો અને ચોથી બાજુએ હનુમાનગંગાથી ઘેરાયેલું આ મેદાન ઘણું રમણીય સ્થાન છે. મેદાનના નદી તરફના છેડા પરથી અમારી પગદંડી પસાર થાય છે. અમે થોડીવાર ઊભા રહ્યા. મેદાનમાં સુંદર મોટું મોટું ઘાસ ઊગેલું છે. મેદાનની બરાબર વચ્ચે એક નાનું તળાવ છે. પશુઓ માટે ઘાસ અને પાણીની અહીં વ્યવસ્થા છે. પશુઓને ચરાવવા આવનાર બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. વચ્ચે વચ્ચે પહાડી ગીતોની કડીઓ લલકારતા હતા. પહાડી ગીતોની એક વિશિષ્ટ હલક હોય છે. હિમાલયના જુદાજુદા વિસ્તારોની ભાષા જુદી જુદી છે. તેમનાં ગીતો પણ જુદાંજુદાં છે પણ હલકમાં એક વિશિષ્ટ સમાનતા છે જે પહાડી ગીતોની વિશિષ્ટતા છે.
himalaya
આટલું સુંદર વાતાવરણ જોઈને અમે અનાયાસે જ પકડાઈ ગયા. લીલાછમ પહાડો, વેગથી-હનુમાન જેવા વેગથી વહેતી હનુમાન ગંગા, લીલાંછમ ઘાસનું મેદાન, મેદાનમાં તળાવ, ઘાસ ચરતી ગાયો અને અન્ય પશુઓ, ભલાં ભોળાં પહાડી બાળકોની રમત અને ગીતો ! અમે એક ક્ષણમાં તો જાણે જુદી દુનિયામાં પહોંચી ગયા. આ મેદાન પહાડોથી એવી રીતે ઘેરાયેલું છે કે જાણે વિશાળ સભાગૃહ હોય તેવું લાગે છે. આ સભાગૃહમાં લીલારંગના ગાલીચા પાથરેલા છે. અમે ચૂપચાપ ઊભા ઊભા જોઈએ છીએ. બાળકોનું ધ્યાન અમારા તરફ નથી. તેઓ પોતાની મસ્તીમાં છે. અચાનક એક બાળકનું ધ્યાન અમારા તરફ ખેંચાયું. તે દોડતો બંધ થઈ ગયો. તેણે અમારા તરફ આંગળી કરીને બીજા બાળકોને અમારી હાજરીની જાણ કરી. બધાં બાળકો અમારા તરફ જોઈ રહ્યાં. તેમનું દોડવું, કૂદવું, ગાવું બંધ પડી ગયું. બાળકો કાંઈક છોભીલાં પડી ગયાં. અમે તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. બધાં નીચું જોઈને મરકમરક હસે પણ અમારી સાથે એક શબ્દ પણ બોલ્યા નહિ. અમારે એમની સાથે થોડી વાત કરવી હતી એટલે પૂછયું : ‘આપ લોગ કિસ ગાંવ કે રહેનેવાલે હૈ ?’
એક મોટા બાળકે, અમે જે ગામ છોડીને આવતાં હતાં તેના તરફ માત્ર હાથ ચીંધી દીધો પણ કોઈની જીભ તો ચાલી જ નહિ. તેમને બહુ મૂંઝવવાનું અમને ઠીક ન લાગ્યું. કાંઈક ભય, કાંઈક સંકોચ અને કાંઈક અજાણપણાંને કારણે બાળકો લજામણીની જેમ સંકોચાઈ ગયાં. આવાં સરળ, ભલાં અને ગભરુ બાળકોને નીરખવાનું પણ ગમે છે !
આ નાનું મેદાન વટાવ્યા પછી ખરું જંગલ શરૂ થાય છે. પહાડના ઢોળાવ પરથી નાની પગદંડી પસાર થાય છે. નદી હવે નીચે ખીણમાં રહી ગઈ છે. બંને બાજુ વિશાળ પહાડોની હારમાળા છે વચ્ચે ખીણમાં હનુમાન ગંગા વહી રહી છે. ઘોર જંગલ છે. સૂમસામ રસ્તો છે. આ પગદંડી પર આગળ પાછળ કોઈ યાત્રી હોય તેવું લાગતું નથી. અમે બે મિત્રો ચૂપચાપ ચાલ્યા જઈએ છીએ. આકાશ સ્વચ્છ છે. મીઠો મીઠો તડકો છે. અને ઝરણાંઓ પહાડમાંથી નીકળીને વેગપૂર્વક નદી તરફ ધસી રહ્યાં છે. અમારે તેમને પાર કરવાં પડે છે. નીચે વેગપૂર્વક નદીનો અવાજ, વેગથી વહેતાં ઝરણાંઓનો અવાજ, નાના મોટા ધોધનો અવાજ, પક્ષીઓના અવાજ, ઝાડનાં પાનનો અવાજ, ક્યારેક ક્યારેક તમરાંનો અવાજ, અને એ બધાના નેપથ્યમાં ગુંજતો સન્નાટાનો અવાજ ! આ અવાજની એક દુનિયા છે. મારી સમગ્ર ચેતના કર્ણેન્દ્રિયમાં એકાગ્ર બની ગઈ. જાણે નાદની દુનિયામાં પ્રવેશ થયો !
અમે બે-કલાક ચાલ્યા હોઈશું ત્યાં રસ્તામાં વાંદરાનું એક મોટું ટોળું મળ્યું. આશરે પચાસેકની સંખ્યામાં હશે. અમારા આગમનને જોઈને તેમણે કૂદાકૂદ અને હુપાહુપ શરૂ કરી દીધી. પહેલાં તો અમને નવાઈ લાગી. આટલી ઊંચાઈ પર આવા ઠંડા પ્રદેશમાં આ અનિકેતન પ્રાણી રહે છે ! વાંદરાઓ ઘર તો બનાવતા નથી. સાધારણ રીતે માનવીને જોઈને વાંદરાઓ કંઈક કૂદાકૂદ તો કરતાં હોય છે પણ આ ટોળાંનો અમને જોઈને આપેલો પ્રતિભાવ ઘણો વધારે પડતો લાગ્યો. તેમ થવાનું કારણ પણ સમજાયું. આ વિસ્તારમાં માણસોની અવરજવર ઘણી ઓછી છે તેથી આ વાંદરાઓ માણસોથી ટેવાયેલા નથી, તેથી તેમને મન માણસોનું આગમન બહુ મોટી ઘટના છે, જે ઘટનાથી તેઓ ટેવાયેલા નથી તે ઘટના પ્રત્યે તેમનો પ્રતિભાવ વધારે પડતો હોય એ સ્વાભાવિક છે. જ્યારે તેમને લાગ્યું કે અમે તો ચૂપચાપ અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ ત્યારે તેઓ આપોઆપ શાંત થઈ ગયા. કોઈ કોઈ વિસ્તારમાં વાંદરાઓનો ઘણો ઉપદ્રવ હોય છે. આવે વખતે તેમની સાથે વર્તવાની સૌથી ઉત્તમ પદ્ધતિ એ છે કે તેમની સામે જોયા વિના, તેમના તરફ ધ્યાન આપ્યા વિના ચૂપચાપ ચાલ્યા જવું. તેઓ આપોઆપ શાંત થઈ જશે.
બપોર થયા છે. અમને ભૂખ લાગી છે. પણ અમારી પાસે ખાવાનું કશું નથી. સૂંઠિયું છે. સૂંઠની એકાદ ગોળી ખાઈને ઉપર પાણી પીએ છે. પણ સૂંઠ જઠરાગ્નિવર્ધક છે. ભૂખ શાંત થવાને બદલે વધુ પ્રજવલિત થાય છે. આકાશમાં વાદળાં ચડી રહ્યાં છે. હિમાલયમાં બપોર પછી વરસાદનું જોખમ રહે છે. થોડીવાર તો કાળાં વાદળાંથી આકાશ છવાઈ ગયું. અમને થયું વરસાદ હમણાં તૂટી પડશે. પણ વરસાદને બદલે બહુ થોડો થોડો બરફ પડવા માંડ્યો. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. રૂના પૂમડાં જેવી બરફની ગોળીઓ પડવા માંડી. આજુબાજુની જમીન અને ઝાડનાં પાન પર સફેદ બરફની ગોળી ગોઠવાવા માંડી. અમારી ટોપી પર, રૂ કશેરપર, કપડાં પર – એમ બધે આ રૂ નાં પૂમડાં જેવી બરફની ગોળીઓ પડી રહી છે અને ખરી રહી છે. અમે ગમ્મત ખાતર ખોબામાં ઝીલવા લાગ્યા. થોડા રસગુલ્લા ખાધા પણ ખરા ! પણ સદભાગ્યે બરફ બહુ થોડા પ્રમાણમાં અને બહુ થોડો સમય પડ્યો. આ હળવી હિમવર્ષા બંધ થઈ ગઈ. વાદળાંઓ પણ વિખરાવા માંડ્યા. અમે નચિંત થયા.
ભોમિયા વિના અને ભોજન વિના આ રસ્તે ચાલવાના દુ:સાહસની ભયંકરતાનો હવે અમને ખ્યાલ આવવા માંડ્યો છે. લગભગ ચારેક વાગ્યે અમે એક મોટા મેદાનમાં આવી પહોંચ્યા. હનુમાન ગંગા નદીનો પ્રારંભ આ મેદાનના ઝરણાઓમાંથી થાય છે. હનુમાન ગંગા ઘાટી અહીં પૂરી થાય છે. અમારી સાથે છેક સુધી રહેલી બંને બાજુની પર્વતમાળા અહીં મળી જાય છે. આ પર્વતોના મિલન પાસે આ મેદાન આવેલું છે. ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલું આ રમણીય સ્થાન છે. મેદાનમાં લીલુછમ ઘાસ ઊગી નીકળ્યું છે. મેદાનની વચ્ચેથી એક સુંદર ઝરણું વહી રહ્યું છે. મેદાન લગભગ સપાટ હોવાથી ઝરણાંની ગતિ ઘણી શાંત છે અને અવાજ તો લગભગ નથી. મેદાનના એક ખૂણામાં થોડા વિખાઈ ગયેલાં ઘાસના ઝૂપડાં છે. અનુમાન કર્યું કે આ ગુજ્જર માલધારીઓનો પડાવ હશે. અત્યારે ત્યાં કોઈ નથી.
રાત્રિનિવાસ કરવો હોય તો આ સ્થાન સારું છે. મોટું મેદાન છે. પહાડોથી ઘેરાયેલું સ્થળ છે. એટલે પવનના ઝપાટાં અહીં બહુ લાગતાં નથી. ભલે તૂટેલાં ફૂટેલાં પણ ઘાસના ઝૂંપડાં પણ છે. પણ હજી સમય છે. અંધારું થાય તે પહેલાં નોગાંવ પહોંચી જવાશે એવી અમને આશા છે. પણ નોંગાવ જેવું કેવી રીતે ? નોગાંવનો રસ્તો ક્યો ? અમે રસ્તાની શોધમાં મેદાનમાં થોડા આંટા માર્યાં. મેદાનમાં નાની નાની અને આડીઅવળી અનેક પગદંડીઓ છે. જમણી બાજુ એક ઊંચો પહાડ છે. આ પહાડ પર નાની નાની અને વાંકીચૂકી અનેક પગદંડીઓ જઈ રહી છે. અમને લાગ્યું આ પહાડની પાછળ જ નોગાંવ હશે તેથી આ પહાડ પર ચઢતી પગદંડી પસંદ કરીએ તો બરાબર થશે. અને અમે આ પહાડ પર જતી એક પગદંડી પસંદ કરી.
અમે ચઢવાનો પ્રારંભ કર્યો. સદભાગ્યે હિમવર્ષા બહુ થઈ નથી. આકાશ સ્વચ્છ થઈ ગયું છે. હિમાલયમાં યાત્રાની કેડીઓ ઉપરાંત પશુપાલકોની કેડીઓ પણ અનેક હોય છે. આ કેડીઓ ક્યાંય દોરી જતી નથી. જંગલના ચરિયાણ તરફ લઈ જાય છે. અથવા જંગલમાં જ આમ તેમ ફરે છે. આવી કેડીઓને યાત્રીની કેડી માની લેવાની ભૂલ થવાનો ઘણો સંભવ છે. હજી સૂર્યાસ્ત થયો નથી. હળવો તડકો છે. વાતાવરણ ખુશનુમા છે છતાં ઠંડી કંઈક વધી રહી છે. અમારા મનમાં એવી ધારણા છે કે આ પહાડ પાર કરીએ એટલે તુરત નોગાંવ હશે એટલે અમે હિંમતભેર અને ઝડપભેર ચાલી રહ્યા છીએ. મનમાં છે કે નોગાંવ પહોંચી જઈએ તો ભોજન-નિવાસની કંઈક વ્યવસ્થા તો થઈ રહેશે. રસ્તો કઠિન ચઢાઈનો છે અમે હાંફતાં હાંફતાં આગળ ચાલીએ છીએ.
આખા દિવસની સતત ખેપને કારણે અમે થાક્યા તો છીએ જ અને ભૂખ્યા પણ થયા છીએ. એથી યે વિશેષ તો અમને હવે આશંકા થઈ છે કે અમે સાચા રસ્તા પર છીએ કે નહિ એટલે હવે કઠિનાઈનો પ્રારંભ થયો છે. થાક, ભૂખ અને આશંકામાંથી એક હોય તો કામ ચાલી શકે છે પણ આ તો ત્રણે કુબ્જાઓ ભેગી થઈ એટલે તેનું જોર શતગુણિત થઈ ગયું છે. જે થાઓ તે, પણ આગળ ચાલ્યા વિના અમારી પાસે બીજો વિકલ્પ નથી એટલે અમે ખૂબ ખેંચીને પણ યથા શક્ય ઝડપથી ચાલી રહ્યા છીએ. મોટા વૃક્ષોનું જંગલ હવે પૂરું થયું છે. પર્વતની અમુક ઊંચાઈથી ઉપર જઈએ એટલે મોટાં વૃક્ષોની હદ પૂરી થાય છે. હવે લીલું ઘાસ અને નાના નાના છોડવાઓનો વિસ્તાર આવ્યો છે. સૂર્યાસ્ત થઈ ચૂક્યો. સૂર્યાસ્ત થાય એટલે હિમાલયમાં ઠંડી એકદમ વધી જાય છે. ત્રણ કુબ્જાઓ થાક, ભૂખ અને આશંકા હતી તેમાં ચોથી ભળી – ઠંડી.
ઠંડીની તીવ્રતા, આકરી ચઢાઈ, અંધારું અને પગદંડીનું સ્વરૂપ, જોતાં અમને મનમાં થવા માંડ્યું છે કે આજે તો હવે નોગાંવ પહોંચવાની શક્યતા નહિવત્ છે. પણ હવે પાછા ફરીને પહોંચાય ક્યાં ? અને રાત્રે રહેવું ક્યાં ? એટલે અમે મૂંગા મૂંગા આગળ ધપ્યે રાખીએ છીએ. અમારી જેવી તેવી અને ઉબડખાબડ પગદંડી હવે ગુલાબના જંગલમાં પહોંચી. ચારે બાજુ જંગલી ગુલાબના હજારો છોડવાઓ ઊગી નીકળ્યા છે. દેશી ગુલાબ નહિ, જંગલી ગુલાબ ! બાર પંદર ફૂટ ઊંચા આ છોડવાઓના ઝૂંડની વચ્ચે અમે આગળ ધપી રહ્યા છીએ. પુષ્કળ ફૂલો ખીલ્યાં છે પણ તેમને નિરાંતે જોવાની અમને ફૂરસદ નથી. ગુલાબના કાંટાથી કપડાં અને ક્યારેક ચામડી પણ ચીરાઈ જાય છે. નોગાંવ તો અમારે પહોંચવું છે અને નોગાંવ ન પહોંચાય તો રાત્રિ ગાળી શકાય તેવા કોઈક સ્થળે પહોંચવું છે. પણ પહોંચવું ક્યાં ? અને કેવી રીતે ?
આખરે ગુલાબનું જંગલ પણ પૂરું થયું અને કેડી પણ વિરમી ગઈ. આગળ કોઈ પગદંડી જ નથી અમને ખાત્રી થઈ ગઈ અમે રસ્તો ભૂલ્યા છીએ. આ રસ્તે આગળ જવાથી નોગાંવ પહોંચી શકાય નહિ અને ક્યાંય પહોંચી શકાય નહિ. ક્યાંય ન પહોંચાડતી અને જંગલમાં જ ઘૂમતી પગદંડીઓને પહાડના માણસો ‘જંગલ કા રાસ્તા’ કહે છે. અમે જંગલ કા રાસ્તાને પસંદ કરી લીધો હતો અને હવે તો તે પણ નથી. ઠંડી વધી રહી છે. અંધારું થઈ ગયું છે. આગળ કે પાછળ ક્યાંય જવાય તેવી પરિસ્થિતિ નથી. અમે બંને દિશાની પગદંડી ચૂકી ગયા છીએ. છેલ્લા એકાદ કલાકથી તો અમે લગભગ કેડી વિના જ કે નામની જ કેડી પર ઉબડખાબડ રસ્તે જ ચાલ્યા છીએ. એટલે પાછા ફરવાની સાચી પગદંડીનો પણ હવે અમારી પાસે પત્તો નથી અને આગળ જવાનો માર્ગ તો અમે ચૂક્યા જ છીએ.
અંધારાનું સ્વરૂપ જોતાં અમને લાગ્યું કે હવે ક્યાંય જઈ શકાય તેમ નથી. અને ક્યાંય ન જવાનો અર્થ છે અહીં જ ! અને અમે બેસી પડ્યા.

હિમાલયની પહેલી શિખામણ – કાકા કાલેલકર

ભીમતાલથી આગળ ચાલ્યા. રસ્તો સપાટ હતો. દૂર ડાબી બાજુએ હારબંધ રાવટીઓ દેખાતી હતી. માંદા સોલ્જરો ત્યાં રહેતા હતા, એમ પૂછતાં ખબર પડી. પહાડના માથા ઉપર આખરે પહોંચ્યા. અપાર આનંદ થયો અને ચિરપરિચિત સપાટ ભૂમિ ઉપર અમે જોસભેર ચાલવા લાગ્યા. પણ હિમાલયે તો, એક જ દિવસમાં જાણે બધાય પાઠો શીખવી નાખવા હોય તેમ, ફરી અમારા અભિમાન ઉપર આઘાત કર્યો. અરેબિયન નાઈટ્સમાં અથવા પંચતંત્રમાં એક વાર્તામાંથી નવી વાર્તા ફૂટે છે તે પ્રમાણે, આ પર્વત-શિખર ઉપર પહોળો થઈને બેઠેલો એક નવો જ પહાડ આવી પડ્યો. ચાર મજૂરના ખભા ઉપર આરામ-ખુરશીમાં કોઈ અમીર બેઠો હોય તે જ ગંભીર ભવ્યતાથી અને પોતાની મહત્તાનું પરિપૂર્ણ ભાન હોય એવી સ્વાભાવિકતાથી એ પહાડ બિરાજેલો હતો. જો એ ઊભો થાત તો ? મને લાગે છે કે આકાશનો ચંદરવો ચિરાઈ જ જાત !

આટલો બધો મોટો પહાડ ચડવો હતો, તેથી અમારી પાસેનો સામાનસુમાનનો તમામ ભાર મજૂરને આપી દીધો, અભિમાનનો ભાર તળેટીએ જ મૂક્યો અને તદ્દન વાદળાં સમાન હલકા થઈને અમે ચડવા માંડ્યું. છેક સાંજ સુધી ચડ ચડ કર્યું. રસ્તામાં એક જાતનાં ફૂલ ખીલી રહ્યાં હતાં. આકારે બારમાસીનાં ફૂલ જેવાં અને રંગે સારી પેઠે કાઢેલા દૂધની મલાઈ જેટલી પીળાશવાળાં હતાં. સુવાસની મધુરતાની તો વાત જ શી ? સુવાસ ગુલાબને મળતી, પણ ગુલાબ જેટલી ઉગ્ર નહીં. આ લજ્જાવિનયસંપન્ન ફૂલોને જોઈ હું પ્રસન્ન થયો. મારો અધ્વખેદ નીકળી ગયો. આવાં સુંદર અને આતિથ્યશીલ ફૂલોનું નામ ન જાણું તો મારાથી કેમ રહેવાય ? પણ રસ્તામાં કોઈ માણસ જ ન મળે. મજૂર તો તેના મજૂરધર્મને વફાદાર રહીને પાછળ પડી ગયો હતો. તેની રાહ જોવા જેટલો સમય ન હતો અને નામ જાણ્યા વગર આગળ ચાલવાની ઈચ્છા ન હતી. એટલામાં પહાડની એક પગદંડી ઉપરથી કોઈ પહાડી ઊતરી આવતો જણાયો. પગદંડી એટલે કેડી. હિમાલયની કેડી એટલી અઘરી હોય છે કે માણસની કેડ જ ભાંગી નાખે. પેલા પહાડીને મેં હિંદીમાં અથવા સાચું કહીએ તો મારે મન તે વખતે હિંદી લાગતી ભાષામાં, ફૂલ વિષે કેટલાક પ્રશ્ન પૂછ્યા. તેણે પહાડી હિંદીમાં જવાબ આપ્યો. પણ મને લાગતું નથી, મારો પ્રશ્ન એ સમજી શક્યો હોય. હું તો એના જવાબનો એક બ્રહ્માક્ષરે સમજી ન શક્યો. પણ સંભાષણમાંથી (આને સંભાષણ કહેવાય કે નહીં એ નથી જાણતો.) ફૂલનું નામ તો મને જડી ગયું. એસીરિયાના શરશીર્ષ-લિપિના શિલાલેખો કોઈ વિદ્વાન વાંચે અને અર્થ કરે તેટલા જ પ્રયાસથી મેં જાણી લીધું કે, ફૂલનું નામ ‘કૂજો’ હતું. મને લાગે છે, પહાડી ભાષામાં આ શબ્દ ભારે લલિત ગણાતો હશે. પણ મને પોતાને તે નામ ઉપર બિલકુલ મોહ ઊપજ્યો નહીં !
દૂર દૂર હવે ક્ષિતિજ દેખાવા લાગી. ત્યાં ઘણાં ગીચ વાદળાં હતાં. વાદળાં ઉપર આરસપહાણનાં પર્વતશિખર જેવું કાંઈક દેખાતું હતું. વાદળાંમાં તળેટીનો ભાગ ઢંકાઈ ગયેલો હોવાથી, આકાશમાં ઊડતું એક મૈનાક પર્વતનું બચ્ચું હોય તેવું એ લાગતું હતું. બીજે દિવસે મને ખબર પડી કે, તે પવિત્ર નંદાદેવીનું શિખર હતું.
થોડું ઊતરી અમે રામગઢ આવી પહોંચ્યા. ત્યાં એક નાની સરખી ધર્મશાળા હતી. અથવા ધર્મશાળા શાની ? પાંચ ફૂટ ઊંચી અને એક નાના બારણા સિવાય કોઈ જગાએ એક કાણું સરખું ન મળે એવી ઓરડીઓની હાર ! ગધેડાઓ પણ તેમાં રહેવાને રાજી ન હોય. બનિયા પાસેથી દાળ, ચોખા અને બટાટા ખરીદી લીધેલાં. બનિયાએ બે-ત્રણ વાસણો પણ આપ્યાં. અમે મનમાં કહ્યું : ‘કેવો ભલો વાણિયો ! રાંધવાને વાસણો પણ આપે છે !’ પાછળથી ખબર પડી કે, પહાડમાં તો આ રિવાજ જ છે. આટાચાવલની કિંમત લે છે તેમાં જ બનિયા વાસણનું ભાડું પણ ગણી લે છે. છતાં આ ત્યાંનો રિવાજ સારો છે એમાં કોઈ શંકા નથી. જેમતેમ રાંધીને અરધુંપરધું ખાધું, કેમ કે અમારી રસોઈ બરાબર બની નહોતી. ધર્મશાળાની સૂરત જોઈ બહાર ખુલ્લામાં સૂવાનો અમે વિચાર રાખ્યો અને પથારી કરી. એટલામાં હિમાલય કહે, ‘ચાલો નવો પાઠ લો.’ એટલી સખત ટાઢ વાવા લાગી કે, મંત્રમુગ્ધ સાપ જેમ પોતાની મેળે ટોપલીમાં ભરાઈ જાય, તેમ પથારી લઈને હવે ખૂબસૂરત લાગતી પેલી હૂંફાળી ઓરડીની અંદર અમે ઘૂસી ગયા; અને ઓરડીમાં એક પણ બારી ન રાખી એમાં ધર્મશાળા બાંધનાર શિલ્પીએ મયાસુર કરતાંયે અધિક કૌશલ વાપર્યું છે એવી અમને ખાતરી થઈ. આખો દિવસ ચાલ ચાલ કર્યું હતું. પહેલવહેલી જ આટલી વીસ માઈલ લાંબી મુસાફરી થઈ હતી. રાત્રે પેટમાં પણ પૂરું પડ્યું ન હતું અને ટાઢ તો કહે મારું કામ. આથી, બહુ વીનવ્યા છતાં, ઊંઘ તો પાસે ઢૂંકી જ નહીં.
નિદ્રાદેવી ન આવી એટલે તેની નિત્યવૈરિણી ચિંતા અને કલ્પના હાજર થયાં. હું વિચારમાં પડ્યો. ઘરબાર છોડીને, સમાજની સેવા કરવાનું છોડીને, પુસ્તકો વાંચવાનું છોડીને, છાપાંઓમાં લેખ લખવાનું છોડીને હું શા માટે અહીં આવ્યો ? ઈશ્વરે મને જે સ્થાનમાં મૂક્યો તે સ્વાભાવિક સ્થાન છોડીને આ અજાણ્યા મૂલકમાં હું શું કામ આવ્યો ? મને વૈરાગ્ય ઊપજ્યો હતો અને હિમાલય એ વૈરાગ્યનું મોસાળ છે, તેથી શું હું અહીં આવ્યો હોઈશ ? હિમાલયમાં જો વૈરાગ્ય હોત તો પેલા ગોરાઓ શા માટે ભીમતાલમાં જઈ માછલાં મારત ? શા માટે ? રામગઢનો બનિયો ઘરાકો પાસેથી વધારેમાં વધારે નફો લેવા મથત ? મેદાનમાં જેવા લોકો છે તેવા જ લોકો આ પહાડ પર પણ છે. અહીં પણ સ્ત્રી પોતાના પતિ સાથે લડે છે, પેલો પોસ્ટમાસ્તર પોતાનો દીકરો કહ્યું માનતો નથી એવી ફરિયાદ કરે છે અને લોકો ઢોર પાસે તેમના ગજા ઉપરાંત કામ કરાવે છે. બેશક, પહાડોમાં વેપાર વધ્યો નથી, રેલવે આવી નથી, વસતી ગીચ નથી અને ઉપલાં કારણોને લીધે સમાજમાં જે સડો પેસે છે તે અહીં પેઠો નથી.
આ પારકા મુલકમાં મારી ભાષા જાણે નહીં, મને કોઈ ઓળખે નહીં, સગુંવહાલું કોઈ ન મળે, જે વૈરાગ્યને માટે હું અહીં આવ્યો તેનું અહીં નામ કે નિશાન ન મળે, એ ખ્યાલથી મનમાં ગભરાટ થવા લાગ્યો, એટલે બહાર કરડકણી ટાઢ હોવા છતાં એક કંબલ ઓઢીને હું બહાર ગયો. હિમાલયની મુસાફરીમાં સોયથી સીવેલું કાંઈ કપડું વાપરવું નહીં એવો મારો નિશ્ચય હતો. દહાડે તો ધોતિયું, ખેસ અને કાનનું રક્ષણ કરવા મફલર એટલું જ હું પહેરતો. રાત્રે પાથરવા એક ચટાઈ અને કંબલ રાખતો અને ઓઢવા પછેડી અને જાંબુડા રંગનું એક રેશમી અબોટિયું લેતો. બહાર આવ્યો ત્યારે આકાશ નિરભ્ર હતું; નક્ષત્રો અદ્દભુત ક્રાંતિથી ચમકતાં હતાં. હું હિમાલયમાં આવ્યો તે પહેલાં મારા એક રસિક મિત્રે નવસારીમાં તારાઓ સાથે મારી ઓળખાણ કરાવી આપી હતી. તારાઓ મારા દોસ્ત બની ગયા હતા. પૌર્ણિમાના ચંદ્રથી પણ બી ન જાય એવા બધા તારાઓને હું ઓળખતો હતો; તેમની તરફ મેં જોયું. તેમણે કહ્યું : ‘ભાઈ, શા માટે ગભરાય છે ? આ તે વળી શાનો પારકો મુલક ? શું અહીંયાં તારું સગુંવહાલું કોઈ નથી ? જુઓ, અમે આટલા બધા તારા દોસ્તો અહીં પણ જેવા ને તેવા સાથે જ છીએ. બે ઘડી થોભીશ તો બીજા પણ પેલા પહાડ ઉપરથી હમણાં ઊંચે આવશે. શું તું અમને ભૂલી ગયો ? શું તારા અને અમારા સરજનહારને ભૂલી ગયો ? ક્યાં ગયો તારો પ્રણવજાપ ? ક્યાં ગયો તારો ગીતાપાઠ ?
मन एव मनुष्याणां कारण बन्धमोक्षयो: ।
न कशिचत्कस्यचिन्मित्रं न कशिचत्कस्यचिद्रिपु: ।
आत्मैव ह्यात्मनो बन्धु: आत्मैव रिपुरात्मन: ।
એ બધું તું જ કહેતો હતો ને ? આજે જ સવારે પેલી નદીએ તને શું કહ્યું હતું ? પેલો પહાડ જોઈને તને શા વિચાર આવ્યા હતા ? પેલા ‘કૂજો’ ફૂલોની વિશ્વસેવાની તારી ઉપર કશી અસર નથી થઈ ? નંદાદેવીનું દર્શન શું વિફળ ગયું ? છોડી દે આ ક્ષુદ્ર હ્રદયદૌર્બલ્ય, ત્યાગી દે મનના ઉદ્વેગને.’ હિમાલયમાં પણ વૈરાગ્ય ન મળે એવી મારી અશ્રદ્ધા ઊડી ગઈ. બાહ્યસૃષ્ટિ અંત:સૃષ્ટિ વચ્ચે તાદાતમ્ય જામી ગયું અને મને શાંતિ વળી; હું સહેલાઈથી સૂઈ ગયો.
સવારે ઊઠીને આગળ ચાલ્યા. આજે તો ઊતરવાનું હતું. જેટલું ચડ્યા એટલું જ ઊતરવું પડ્યું. રોમન લોકોને પોતાનું મહાસામ્રાજ્ય ગુમાવતાં પણ આટલું દુ:ખ થયું નહીં હોય. કેટલી મુસીબતે ચડ્યા હતા છતાં આખરે ઊતરવું તો પડ્યું. હિમાલયમાં ચાલવાનો એક નવો અનુભવ મળ્યો. ઉપર ચડતાં થાક લાગે છે ખરો, પણ તે થાક ક્ષણિક હોય છે. પણ સીધો ઉતાર ઊતરતાં જે આયાસ પડે છે, તેથી તો માણસના સાંધેસાંધા નરમ થઈ જાય છે. આવો ઊતરવાનો અનુભવ મળતાં જ મેં કહ્યું, ‘સ્વર્ગ સુધી ચડવાનું હોય તોયે બહેતર; પણ હે વિધાતા, આવી ઉતાર ઊતરવાની સજા તો કોઈ કાળે शिरसि मा लिख, मा लिख, मा लिख ।’
અહીંનો પ્રદેશ પણ ભારે રળિયામણો હતો. આપણે ત્યાંનાં સરુનાં ઝાડ જેવાં, ચીડ અને દેવદારનાં ભવ્ય વૃક્ષોની ઘટા અનુપમ છાયા વિસ્તારતી હતી. પણ ખરી ગમ્મત તો નીચે પડીને સુકાઈ ગયેલાં સળી જેવાં પાંદડાં ઉપરથી જ્યારે પગ લપસતો ત્યારે આવતી. હસવું કે રડવું એ જ ન સમજાતું ! આ પ્રદેશમાં થોડી ખેતી પણ થતી લાગી. કેમ કે રસ્તામાં એક નાનકડું પહાડી ગામડું આવ્યું, ત્યાં બેચાર ખેડૂતો નવું અનાજ વાવી રહ્યા હતા. પવનનું નામ ન હતું. તેથી બે જણ એક પછેડી વતી પવન નાખતા હતા. રસ્તામાં ચીડનાં મોટાં મોટાં ફૂલ પડેલાં દીઠાં. એ ફૂલનું વર્ણન કરવું અશક્ય છે. ફૂલ નાળિયેર કરતાં મોટું હોય છે. એની પાંખડી બાવળના લાકડા કરતાં કઠણ હોય છે. છતાં આ ફૂલ આકારે બહુ સુંદર હોય છે. એક દીંટના માથામાંથી આંગળી જેવડી અસંખ્ય પાંખડીઓનો જાણે એક ફુવારો ફૂટ્યો હોય છે; પણ રંગ કે વાસનું તો નામ ના લો. લાકડાનો જ રંગ ને લાકડાની જ વાસ. દેવદાર અને ચીડ જેવાં વૃક્ષો હિમાલયને જ શોભે. કુદરતનો વિશાળ વૈભવ જોઈ હું દિગ્મૂઢ થઈ ગયો અને ગાવા લાગ્યો…. राम दयाधना. क्षमा करुनि मज पाही…. સાચે જ નકામું જીવન ગાળીને મેં માને ભારે મારી હતી. જનની જ નહીં, પણ જન્મભૂમિને પણ. મારા પાછલા જીવન ઉપર મનમાં તિરસ્કાર ઊપડ્યો. અજ્ઞાનને લીધે હું વિદ્વત્તાની શેખી મારતો; પોતે અંધકારમાં રહ્યો રહ્યો લોકો આગળ પ્રકાશની વાતો કરતો. મેં ભજન આગળ ચલાવ્યું : करुणासागरा । राघवा मधुराजा । ભજનની ધૂન લાગી. હું ઊંચે સાદે લલકારતો હતો, હવે લીટી આવી… सच्चित्सुख तो तू परब्रह्म केवल… સામે પહાડે એકાએક ગર્જના કરી : सच्चित्सुख तो तू परब्रह्म केवल… હિમાલયની તે મેઘગંભીર ગર્જના મને તો અશરીરિણી વાણી લાગી. સાચે જ હું સચ્ચિત્સુખાત્મક પરબ્રહ્મ છું એ વસ્તુને હું ભૂલી જાઉં છું તેથી પામર બનું છું. જુઓ, આ ધીરગંભીર હિમાલય કેવો સચ્ચિત્સુખની સમાધિ ભોગવી રહ્યો છે ! જુઓ સામેનો બરફ. એને ઉનાળોયે સરખો અને શિયાળોયે સરખો. જુઓ આ વિશાળ આકાશ. કેટલું શાંત અને અલિપ્ત ! શું એથી હું અળગો છું ?
અદ્વૈતની મસ્તી મને ચડી એટલે પીઉડા ક્યારે આવ્યું એનું મને ભાન પણ ન રહ્યું. પીઉડાનું પાણી બહુ વખણાય છે. ક્ષય રોગના દરદી અહીંનું પાણી ખાસ મેળવીને પીએ છે. પીઉડામાં અમે રાંધી ખાધું, સહેજ આરામ કર્યો અને આગળ ચાલ્યા. વળી પાછો ઉતાર ! મારા ઢીંચણમાં ચસકા આવવા લાગ્યા તેથી વેદના થવા લાગી. પરિણામે હું દેહધારી છું એ વૃત્તિ ફરી જાગ્રત થઈ. ધીમે ધીમે હું આસપાસની સુંદરતા ફરી નિહાળવા લાગ્યો. હિમાલયની ખેતી જોવા જેવી હોય છે. બેઠી અને પહોળી ટેકરી હોય ત્યાં શિખરથી તળેટી સુધી બબ્બે-ચચ્ચાર હાથ પહોળાં પગથિયાં જેવા ક્યારા બનાવે છે અને એમાં હાથે ખોદીને અનાજ વાવે છે. નદીનો બાંધેલો ઘાટ જેવો દેખાય છે તેવો આ ખેતરોનો દેખાવ લાગે છે. જ્યાં ઉતાર પૂરો થયો ત્યાં એક ઝૂલતો પુલ આવ્યો. તે પુલને લોધિયાનો પુલ કહે છે. પુલની નીચેના પથ્થર જોવા જેવા છે. નદીના પ્રવાહથી ઘસાઈ ગયેલા પથરાઓનો આકાર મજાનો દેખાતો હતો. જ્યાં પાણીની ભમરી થતી હોય ત્યાં તળિયાના છૂટા પથ્થરો પણ ગોળ ફરી ફરીને તળિયાના પથ્થરમાં જે ઊંડા ઊંડા ખાડા પાડે છે તેનો દેખાવ મનોવેધક હોય છે. આ પુલ નીચે મેં એક સાપ દીઠો. એની નોંધ અહીં એટલા માટે જ કરું છું કે, હિમાલયનાં ગીચ જંગલોમાં અને ભિન્ન ભિન્ન પ્રદેશોમાં મેં બેત્રણ હજાર માઈલની મુસાફરી કરી તે દરમિયાન માત્ર બે જ સાપ મારા જોવામાં આવ્યા; એક અહીં અને બીજો ગંગોત્રી પાસે.
હવે પાછું ચડાણ આવ્યું. દૂરથી એક પહાડી શહેર દેખાવા લાગ્યું. એ આલમોડા હતું કે મુક્તેસર એનો હું નિશ્ચય કરી ન શક્યો. સાંજ પડવા આવી અને આખરે અમે આલમોડા પાસે આવી લાગ્યા. ત્યાં એક ચુંગીઘર હતું. ચુંગીઘર એટલે જકાતનું નાકું. અહીંયાં જ એક ગાડારસ્તો અમે જોયો. હિમાલયમાં ગાડારસ્તો એ સુધારાની પરિસીમા ગણાય છે. આપણે ત્યાં કોઈ બાદશાહી શહેરમાં આરસપહાણનો રસ્તો હોય તો લોકો તે રસ્તા વિષે જે ઉમંગ અને અદબ સાથે બોલે તેટલાં ઉત્સાહ અને અદબથી પહાડી લોકો આ ‘કોર્ટ રોડ’ વિષે બોલે છે. પડખે જ મુસલમાનોનું કબરસ્તાન હતું. પહાડની વન્ય શોભામાં આ ધોળી ધોળી કબરો અળખામણી લાગતી ન હતી. સાંજની વેળાએ આ કબરો, ચરી આવીને નિરાંતે વાગોળતી ગાયોનું ધણ બેઠું હોય તેવી દેખાતી હતી.
37 માઈલની મુસાફરી સહીસલામત કરી; પણ આખરે અમે ભૂલા પડ્યા. આલમોડાને અરધી પ્રદક્ષિણા કરી. રસ્તો છોડી લોકોના ફળિયામાં થઈને કેટલાક ઉકરડા ખૂંદીને આખરે સાત વાગ્યે અમે બજારમાં પહોંચ્યા. બજારના રસ્તા પથ્થરના બાંધેલા છે. ત્યાં હિલ બૉઈઝ સ્કૂલ ક્યાં છે એમ પૂછતા પૂછતા મારા મિત્રના મકાન સુધી આવી પહોંચ્યા. એ ઘરે ન હતા. ક્યાંક ફરવા ગયા હશે. હરખદેવ કરીને એક છોકરો ઘરમાંથી બહાર નીકળ્યો. તેણે અમારો સત્કાર કર્યો અને કહ્યું, ‘આવો; અંદર આવો, આ ખાટલા પર બેસો. હું સ્વામીનો શિષ્ય થાઉં છું. તેઓ બહાર ગયા છે. હમણાં આવશે. એઓએ કહ્યું હતું કે કાકાજી આવવાના છે : તમારામાંથી કાકાજી કયા ?’ થોડા વખત પછી સ્વામી આવ્યા. વડોદરામાં સ્વામીને જેવા જોયેલા તેવા તે ન હતા. લાંબી લાંબી દાઢી, લાંબો લાંબો ચોટલો, એની ઉપર, એક આછા ભગવા રંગનું મફલર અને લાંબી ધોળી કફનીવાળી મૂર્તિ, એક લાંબી અણિયાળી લાકડી હાથમાં રાખીને મારી આગળ આવી ઊભી રહી. પ્રેમથી અમે ભેટી પડ્યા. બુવા તો પ્રેમથી રોવા લાગ્યા. મેં જોયું કે સ્વામી મરાઠીમાં છૂટથી બોલી શકતા ન હતા. દરેક વાક્યમાં આવતા હિંદી શબ્દોને હઠાવવા એમને મહેનત કરવી પડતી હતી.
રાત્રે અમે શું ખાધું, કેટલા વાગ્યા સુધી વાતચીત કરતા બેઠા અને ક્યારે ઊંઘી ગયા એનું મને બિલકુલ સ્મરણ નથી. એક એટલું યાદ છે કે, તે કાળે સ્વામી પુરશ્ચરણ કરતા તેથી દૂધ ઉપર રહેતા, કશું ખાતા નહોતા, એટલું જ નહીં, પાણી સુદ્ધાં પીતા ન હતા. ઊંઘ એવી આવી કે જાણે નિર્વિકલ્પ સમાધિ.

Thursday, 14 June 2012

યાત્રા ગુર્જરી – ડૉ. આરતી પંડ્યા

દ્વારિકાથી દમણ અને વેરાવળથી વલસાડ : આ તો, ગુજરાતના માનચિત્રને આંખોમાં ઉતારવાનો સંકેત માત્ર, તેની માટીની સુગંધમાં, અતીતનો ઈતિહાસ એટલાં બધાં જાજરમાન રૂપ જાળવીને બેઠો છે કે આપણે આશ્ચર્ય પામી જઈએ !
હા, આ પણ ગુજરાત છે, મિત્રો. પુસ્તકોનાં પાનાંઓની બહાર, વ્યાખ્યાનોના શબ્દોથી અલગ અને સમાજજીવનના સુખ દુ:ખના સમુદ્રનું સાક્ષી ગુજરાત ! પશ્ચિમ કિનારે એક ટપકા જેવડું ગામ તે દ્વારિકા. પુરાવિદ આર. કે. રાવે સમુદ્રતળે સંતાયેલી દ્વારિકા નગરીને શોધવા જહેમત લીધી છે. કૃષ્ણ તો અહીં આવ્યા જ હતા ને વિષાદયોગનો અનુભવ કરવા પ્રભાસપાટણ પહોંચ્યા હતા, પણ એ પછી એ દ્વારાવતીએ કંઈક સુખ-દુ:ખ પચાવ્યાં. જ્યાંથી તમે આજે રણછોડરાયનાં દર્શન કરીને સામે ખળભળતો સમુદ્ર જુઓ છો, ત્યાં જ 1860માં બહાદુર વાઘેરાણીઓએ ભીનાં ગોદડાંથી અંગ્રેજી તોપમારાને નાકામિયાબ બનાવ્યો હતો. મૂળુ માણેક બહારવટિયો તો હતો પણ નેકટેક અને સ્વાધીનતા માટેનો લડવૈયો. નાનાસાહેબ પેશવાના ભાઈ રાવસાહેબની તેને પ્રેરણા મળી હતી એટલે તો ગવાયું : ‘ના છડિયાં હથિયાર, અલ્લાલા બેલી, મરણે જો હકડીવાર !’ દ્વારકાથી થોડેક દૂર ઓખા (શું એ મહાભારતકાલીન અનિરુદ્ધની પ્રિય ઉષાને નામે અર્પિત થયું હશે ? કોણ જાણે…) અને ત્યાંથી સમુદ્રમાર્ગે બેટ દ્વારિકા. વૈષ્ણવ હવેલીનો અહીં પરાપૂર્વ વૈભવ દેખાય છે.
સમુદ્રના કિનારે કિનારે વેરાવળ આવે. ત્યાં ઊભું છે સોમનાથ મહાલય. ભારતનું શ્રદ્ધાકેન્દ્ર. મુનશીની ‘જય સોમનાથ’ નાં બધાં વર્ણનો તાદશ થાય આ કિનારે. નવા સોમનાથની સાથે જોડાયેલી છે સરદાર પટેલની સ્મૃતિ. જૂનાગઢ પાકિસ્તાનમાં ભળવા થનગનતું હતું ત્યારે આરઝી હકૂમતે નવાબને પડકાર્યા અને બહાઉદ્દીન કૉલેજના પ્રાંગણમાં સરદાર સાહેબ ભારતમાં વિલય જાહેર કરીને સીધા જીર્ણશીર્ણ સોમનાથ આવેલા ! જૂનાગઢ તે સોરઠવાસીનું જુનાણું. ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ના’વા જાય ! પણ નરસૈંયો જ ? ગરવા ગિરનારે જાળવી છે ‘મા પડ મારા આધાર’ કહીને આશ્વાસન આપતી રાણકની અગ્નિપિંડ જેવી સ્મૃતિ ! પાટણના સિદ્ધરાજ જયસિંહને તેણે તિરસ્કારથી કહ્યું હતું : ‘બાળું પાટણ દેશ, પાણી વિના પૂરા મરે, સરવો સોરઠ દેશ, સાવઝડાં સેંજળ પીએ !’ ભેગાવાના કાંઠે રાણક સતી થઈ અને સિદ્ધરાજને હાથ ન આવી, ને ના’જ આવી.

ગીરના જટાજુટ જંગલમાંથી પસાર થતાં સતાધાર આવે, કલૈયા કુંવરનું (અને શ્રી મન્નથુરામ શર્માનુંયે) બીલખા આવે, સંત દેવીદાસની જગા આવે, ફિરંગી ટપકાં જેવું ‘દીવ’ પણ દેખાય, અને એમ સમુદ્ર કિનારે જ મળી જાય પોરબંદર. ગાંધી અહીં જન્મ્યા હતા. સૌરાષ્ટ્રનું એક ચિરસ્મરણીય સ્થાન છે લોથલ. જામનગર જિલ્લાના રોજડી જેટલું જ તેનું મહત્વ. 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિને જાળવીને તે બેઠું છે. જે દિવસે અમે ત્યાં હતાં, રાત્રે ચાંદની રેલાતી હતી, ને અતિથિગૃહની બારીએથી દેખાતું હતું, સાવ સામે, પાંચ હજાર વર્ષ પૂર્વેનું નગર ! જાણે, આપણે પણ વીસમી સદીને બદલે તે સમયનાં પાત્ર હોઈએ અને લોથલની સુસંસ્કૃત, સુઘડ ગલીમાંથી પસાર થતાં હોઈએ…..
સૌરાષ્ટ્રના શિરમોરની જેમ બેઠું છે તે કચ્છ. રણની વિસ્તરતી ખારાશ વચ્ચે જવાંમર્દ જિંદગીનો અસબાબ જાળવીને એ બેઠું છે. છેક છેવાડેના નારાયણસર અને કોટેશ્વર લગી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ગયા હશે, ને લખપત લગી તો ગુરુ નાનક પણ ! કોટેશ્વરની શિવપ્રતિમા પર અલ્લાઉદ્દીન ખીલજીનો પ્રહાર થયો હતો ને, આ જ કચ્છે ‘ઝારાનો મેદાને જંગ’ પણ ખેલ્યો હતો ! ખાવડાથી આગળ જ્યાં સિંધ પાકિસ્તાનની સરહદો ભળી જાય છે તે, ‘પચ્છમાઈ પીર’ અર્થાત ‘કારો ડુંગર’ ની યાત્રા એટલે દરેક પળે ભીષણ જોખમનો અહેસાસ. ગુરુ દત્તાત્રેય અહીં અલખ જગવીને બેઠા હશે ત્યારે તો કેવી દુર્ગમ સ્થિતિ હશે ? અમે શિખર પરથી જોયું. રણમાં આકાશી સાંજ ઢળી ગઈ હતી. સાં-ય સાં-ય હવા અને સુદૂર લગી સફેદ રેતનો વિસ્તાર. માણસ નામનું પ્રાણી તો ક્યાંથી હોય ? થોડાંક ઊડીને દૂર દોડ્યે જતાં પંખીઓ ! રાતના અંધારે વીજળી દીવા વિના, મંદિર ઘંટારવ થયો, શિયાળવાંની લારી બંધ થઈ ને ખુલ્લા આકાશે ઘંટનો નિનાદ ફેલાયો. આંખોમાં એક આખું કચ્છ સળવળતું હતું ત્યારે.
- અને ઉત્તર-દક્ષિણ ગુજરાત ? પાવાગઢની પહેલાં ‘પટ્ટન સો દટ્ટન’ ‘રાણીકી વાવ’ ને ‘રાણકી વાવ’ કહેવામાં ઈતિહાસ ક્ષોભ શાનો હોય ? પાટણની શેરીઓ મુનશીની નવલકથાનાં પાત્રોની યાદ તાજી કરાવે તેવી ખરી. હમણાં કોઈક ગલીની એક તરફના ઝરૂખે પાટણનારીનો ગેલભર્યો સ્વર સંભળાશે એવો આભાસ થાય. પાટણથી થોડેક દૂર જ રૂદ્રમહાલય છે. છેક ઉત્તરથી આવેલા બ્રહ્મદેવો-જે પછી ઔદિચ્ય કહેવાયા – રૂદ્રમાળની પૂજનવિધિના પહેલા કર્મકાંડીઓ હતા.
અભિશાપિત બનાસકાંઠાના છેવાડે એક સા-વ નાનું ગામ તે સૂઈ ગામ. ત્યાંથી જલોયા, ભારતની સરહદનું છેલ્લવેલું ટપકું. પછી નગરપારકર ક્ષેત્ર શરૂ થાય. ભારતના સરહદી સુરક્ષા દળના જવાનો અહીં ધામા નાખીને પડ્યા છે. દુર્ગમ રણમાં થોડાક બેટ છે. નડા બેટ એમાંનો એક. નાડેશ્વરીમાનું મંદિર બી.એસ.એફના હરિયાણવીથી મદ્રાસી દળના જવાનોનું સાંજ ટાણાનું ભક્તિસ્થાન બની જાય છે. ઢોલ, ઘંટડી અને પખવાજ : અને એકબીજાનો ભળી જતો માતૃભક્તિનો ભજનસ્વર ! કેવું સાંસ્કૃતિક લઘુભારત રચાઈ જાય છે, આ સાવ નિર્જન રણમાં !
પણ થોભો. આપણે શામળાજી પણ જઈ આવીએ. મેશ્વોના કાંઠે આ વનવાસી તીરથભૂમિ છે; અનેક આક્રમણો પછી સાબૂત રહેલી વૈષ્ણવભક્તિ ! ‘કળથી છોકરાની મા’ ને વનવાસી પૂજે અને શામળાને વૈષ્ણવો. અહીંથી આગળ જતાં ઈડર દેખાય ને ‘ઈડરિયો રમણીય ગઢ જીત્યા’ નું લોકગીત હોઠે ચડે. આવું જ રમણીય છે પાવાગઢ. ગુજરાતે માતૃભક્તિનો બહુ મહિમા કર્યો છે. પાવાગઢમાં મહાકાલી બેઠાં છે, ખડગધારિણી મહિષાસુરમર્દિની દેવી. હોંશેહોંશે, થાક્યા પગલે પાછા ફરે છે. ક્યાં પહોંચશે આ વણઝાર ?
તમે ગુજરાતમાં હો અને મધ્યકાળના કલાત્મક વારસાને સાચવતું મોઢેરા ન જુઓ તો સાંસ્કૃતિક સમજની અધૂરપ રહી જાય ! આ ‘સૂર્યમંદિર’ આપણી ઉત્તમ શિલ્પકલાને સૂરજની સાક્ષીએ વ્યક્ત કરે છે એવી રીતે કે તેના દરેક ભાગમાં સૂર્યનું રૂપ અનિવાર્ય તો રહેવાનું જ ! અને, નળસરોવર ! એ સાઈબિરિયાના યાત્રીદૂતોનો રમણીય નિવાસ છે, જેવું કચ્છમાં સુરખાબ તેવું નળસરોવરમાં પણ પક્ષી-વિશ્વ ! દક્ષિણ એશિયાથી છેક અહીં, નિયમિત દર વર્ષે આવતાં પંખીઓના હૃદયમાં આ સરનામું કોતરાઈ ગયું હશેને ? ગુજરાતના સાગરકાંઠે સૌરાષ્ટ્રમાં દીવ તેવું દક્ષિણ ગુજરાતમાં દમણ છે અને મહારાષ્ટ્રની સીમાને જોડી આપતું સુંદર સાપુતારા !
માનવ વણઝારનું ભાગ્ય તેના ઈતિહાસ અને ભૂગોળ બંનેની સાથે જોડાયેલું છે. નહીંતર આજનું સલામ શહેરે અમદાવાદ તે ગઈકાલનું કર્ણાવતી અને તેની યે પૂર્વેનું આશા ભીલનું આશાવલ હોય ? અમદાવાદની જુગલબંદી કરે તેવું સૂરત છે. ‘સૂરત સોનાની મૂરત’ અને આ તે શા તુજ હાલ ‘સૂરત’ ?’ અહીંથી થોડેક દૂર સંજાણ બંદરેથી ઊતરેલા પારસીઓએ ગુજરાતીપણું આત્મસાત કરી લીધું છે. અને વડોદરા ? પ્રેમાનંદ આજે તો શાના હોય ? હા, દયારામને ચાંદોદ નર્મદા કિનારે જરૂર સાચવ્યા છે. આપણે પણ ‘નમામિ દેવી નર્મદે’ કહીને આ સાંસ્કૃતિક ગુજરાતની વંદના કરી લઈએ !

ધૌલા છિના – ભાણદેવ

અમે આદિબદ્રીમાં છીએ અને દિવાબહેન અલમોડામાં છે. અમારી વચ્ચે વાત ચાલે છે. અમે પ્રારંભ કર્યો :
‘અમે અહીંથી બાગેશ્વર થઈને પાતાલ-ભુવનેશ્વર જઈએ છીએ. પાતાલ-ભુવનેશ્વરની યાત્રા પરિપૂર્ણ કરીને પછી અલમોડા આવશું.’
દિવાબહેન અમને માર્ગદર્શન આપે છે :
‘હા, તે ક્રમ બરાબર છે. પણ તમે પાતાલ-ભુવનેશ્વર તરફથી અહીં આવો ત્યારે રસ્તામાં ધૌલા છિના આવશે. ત્યાં થોડું રોકાઈને, દર્શન કરીને આવજો.’
‘ધૌલા છિના ? ધૌલા છિના શું છે ? ત્યાં કોનાં દર્શન કરવાનાં છે ?’
‘ધૌલા છિના વચ્ચે આવતા એક સ્થળનું નામ છે. ધૌલા છિનાથી ત્રણ કિ.મી. દૂર એક પહાડની ટોચ પર મા આનંદમયીનો આશ્રમ છે. બહુ સુંદર સ્થાન છે. ખૂબ એકાંત અને પવિત્ર સ્થાન છે. આશ્રમનું દિવ્ય વાતાવરણ તમને ખૂબ ગમશે. તમે ત્યાં જરૂર જજો.’
‘સારું. અમે ધૌલા છિના રોકાણ કરીશું. મા આનંદમયીના આશ્રમે જરૂર જઈશું.’
‘ભલે, અમે તમારી વાટ જોઈએ છીએ. વહેલા-વહેલા અલમોડા આવજો.’
‘હરિ ઓમ.’
વાત પૂરી થઈ.
અમારી યાત્રાસ્થાનોની યાદીમાં એક સ્થાન નવું ઉમેરાયું – ધૌલા છિના (ધવલ છિના)નો મા આનંદમયીનો આશ્રમ. તે જ દિવસે સવારે આદિબદ્રીથી નીકળીને કોટિભ્રામરીદેવી અને બૈજનાથ મહાદેવનાં દર્શન કરીને અમે સાંજે બાગેશ્વર પહોંચ્યા. બીજે દિવસે પાતાલ-ભુવનેશ્વરનાં દર્શન કરીને પાછા ફર્યા અને રાત્રિનિવાસ વેરીનાગમાં કર્યો. હિમશિખરોનાં દર્શન કરવા માટે વેરીનાગ આદર્શ સ્થાન છે. વહેલી સવારે હિમગિરિમાળાનાં દર્શન કરીને અમે નીકળ્યા. બપોર થતાં પહેલાં ધૌલા છિના પહોંચી ગયા.

‘ધૌલા’ શબ્દ તો ‘ધવલ’ શબ્દ પરથી બન્યો છે. ધવલ અર્થાત ધૌલા એટલે ધોળું કે સફેદ તે તો બરાબર, પણ આ ‘છિના’ શું છે ? છિના આ વિસ્તારની પહાડી ભાષાનો શબ્દ છે. બે પહાડની વચ્ચે થોડો નીચો ભાગ હોય છે, જ્યાંથી રસ્તો પસાર થઈ શકે છે. તેવા સ્થાનને ‘છિના’ કહેવામાં આવે છે. છિના એટલે છીંડું એવો અર્થ તો નહિ હોય ને ? કારણ કે છિના પણ બે પહાડની વચ્ચેથી નીકળવાનું એક પ્રકારનું છીંડું જ ગણાય. આ ધૌલા છિનામાં પણ આવી રીતે બે પહાડની વચ્ચેના નીચા ભાગમાંથી રસ્તો પસાર થાય છે. ધૌલા છિના પહોંચતાં જ રસ્તા પર જ એક શાળાનાં દર્શન થયાં. શાળાનું નામ છે : ‘श्री मा आनंदमयी विधालय’ વિદ્યાલયના ગણવેશમાં સજ્જ થયેલાં બાલક-બાલિકાઓ ઝડપથી શાળા તરફ ગતિ કરી રહ્યાં છે. તે બાળકોને જ અમે પૂછ્યું :
‘આનંદમયી માનો આશ્રમ ક્યાં છે ?’
બે-ત્રણ બાલિકાઓ ઉત્સાહભેર આગળ આવી અને બોલી : ‘જુઓ, આ સામે દેખાય છે, તે પગદંડી આશ્રમ સુધી જાય છે.’ અમારે આ પહાડી પગદંડીના માર્ગે અહીંથી ત્રણ કિ.મી. ચાલવાનું છે. અમે તૈયાર થયા અને પગપાળા યાત્રાનો પ્રારંભ થયો.
આકાશ વાદળોથી છવાયેલું છે. હમણાં વરસાદી હવામાન તો નથી, પણ આજે હવામાનમાં કાંઈક પલટો આવ્યો હોય તેમ લાગે છે અને હિમાલયમાં તો વરસાદ ગમે તે ઋતુમાં, ગમે ત્યારે આવી જાય તેમ બની શકે. અહીં તો – સદા રહત બર્ષા ઋતુ હમ પર ! વરસાદ આવે તો ભલે આવે, પણ અમારે મા આનંદમયીના આશ્રમે જવું તો છે જ. અમે ધીમે પગલે પહાડી પગદંડીને રસ્તે ચઢાણ ચડવાનો પ્રારંભ કર્યો. ચાલવાનો પ્રારંભ કરો અને ચાલતા રહો, ભાઈ ! જે ચાલશે તે ક્યારેક પહોંચશે. ‘ચરાતિ ચરતો ભગઃ |’ આમ, અમે પણ ચાલવાનો પ્રારંભ કર્યો અને ચાલતા રહ્યા. પ્રારંભમાં રસ્તો પહોળો છે, મોટર ચાલી શકે તેટલો પહોળો છે, પરંતુ રસ્તો બનાવેલો હોવા છતાં એટલો ઊબડખાબડ છે કે મોટર ક્યાંક વચ્ચે જ રહી જાય. તેના કરતાં તો ચાલવું જ સારું. ભગવાને આપેલા બે પગ જેવું કાર્યક્ષમ સાધન હજુ બીજું શોધાયું નથી. અમે તો આ બે પગને આધારે ચાલવા માંડ્યા. પહોળો રસ્તો પૂરો થયો એટલે એક સાંકડી પહાડી પગદંડીનો પ્રારંભ થયો. ચઢાઈ તો છે, પરંતુ સાવ સૌમ્ય ચઢાઈ – ચડવાનું ગમે તેવી ચઢાઈ. રસ્તાની બંને બાજુ વૃક્ષો તો છે, પણ સાવ પાંખાં. બંને બાજુ મોટા કદનાં પણ પાંખાં વૃક્ષો છે. આંખને ગમે તેવી વાત તો એ છે કે આ આખા પહાડ પર લગભગ સર્વત્ર ઘાસ ઊગી નીકળેલું છે. ચોમાસાના અંતિમ દિવસો છે. ધરતી સાવ લીલુડી ધરતી બની ગઈ. વચ્ચેવચ્ચે ક્યાંક આપ-મેળે ઉગીને ખીલેલાં પુષ્પોનાં ઝુંડ નજરે ચડે છે. પહાડનો આકાર એવો છે કે જાણે ખૂબ વિશાળ કાચબાની પીઠ પર ચડતા હોઈએ તેમ લાગે છે. અચાનક જ ગીચ ઝાડી આવી. બાપ રે ! પગદંડીની બંને બાજુ ખૂબ મોટા કદના ઘેઘૂર બિછુઆ ઊગી નીકળેલા છે. ઊગી નીકળેલા જ નથી, અડાબીડ જામ્યા છે. એમ જ કહો ને કે ફાટીને ધુમાડે જ ગયા છે !
અમે સૌ સાથી-મિત્રોને સાવધાન કરી દીધા.
‘જુઓ, આ બિછુઆ છે. શરીરને તેનો સ્પર્શ ન થઈ જાય તેની કાળજી રાખજો, નહિ તો કાળી બળતરા થશે.’ …પણ સાવધાની રાખવી કેમ ? બિછુઆ માથા-ઢંક ઊભા છે. હિમલાયની યાત્રા તો અમે અનેક વાર કરી છે અને બિછુઆ પણ ખૂબ જોયા છે, તેમના સ્પર્શની બળતરા પણ માણી છે, પણ આટલા મોટા, આટલા ઊંચા બિછુઆ પહેલી વાર જોયા. કેટલીક ડાળીઓ તો માથાની ઉપર ઝૂલે તેવડા મોટા આ બિછુઆ છે. પગદંડીની બંને બાજુ એટલા બિછુઆ થયા છે કે સામસામે અડી ગયા છે. તેમની વચ્ચે રહેલી આ પગદંડી પરથી જ પસાર થવાનું છે. બીજી પગદંડી જ નથી, બીજો વિકલ્પ જ નથી. કરવું શું ? આ જ બિછુઆની વચ્ચેથી, આ જ પગદંડી પર ચાલ્યા વિના બીજો કોઈ ઉપાય જ નથી. હાથમાં નાની-નાની, જેવી મળી તેવી લાકડીઓ રાખીને તેના વડે બિછુઆને યશાશક્ય દૂર રાખીને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એકબીજાને કહેતા રહીએ છીએ :
‘જાળવજો ! સાવધાન રહેજો !’
બિછુઆની ડાળીઓ અને ખાસ તો તેનાં પાન શરીરના કોઈ અંગને સ્પર્શ ન કરે તે માટે એકબીજાને મદદ પણ કરીએ છીએ. આમ, અથડાતા-કુટાતા, વચ્ચેવચ્ચે સિસકારા મારતા અમે આગળ ચાલ્યા.
આખરે અમે આ બિછુઆના જંગલમાંથી બહાર નીકળ્યા. ખૂબ સાવધાની રાખવા છતાં પ્રત્યેકને બિછુઆના સ્પર્શનો થોડોઘણો પ્રસાદ તો મળ્યો જ છે. કોઈને ત્રણ ઠેકાણે, કોઈને પાંચ ઠેકાણે અને કોઈને વળી આઠ ઠેકાણે આ બિછુઆનો કટુ-તીક્ષ્ણ સ્પર્શ મળ્યો છે. સૌને સૂચના આપી છે :
‘જે સ્થાને બિછુઆનો સ્પર્શ થયો હોય તે સ્થાને ખજવાળશો નહિ. તે સ્થાને ઝીણા કાંટા ચોંટેલા હશે. જાળવીને તે કાંટા વીણી લો એટલે રાહત રહેશે.’ થોડી વાર તો બધા આ અંગમાં ચોંટેલા કાંટા વીણવામાં વ્યસ્ત રહ્યા. પણ કાંટા એટલા ઝીણા હોય છે કે વીણવા મુશ્કેલ બને છે. અમારામાંથી એક ભાઈએ બળાપો કાઢ્યો પણ ખરો :
‘આવો સરસ આશ્રમ છે અને આશ્રમની પગદંડીમાં આટલા બિછુઆ છે ! આ લોકોને આ બિછુઆ કઢાવી નાંખવાનું કેમ સૂઝતું નથી ?’ …પણ ભાઈ બળાપો કાઢવાથી કાંઈ બિછુઆ ચાલ્યા જવાના નથી. માટે શાંત રહો અને આગળ ચાલો, આગળ ચાલો, આગળને આગળ ચાલ્યા જ કરો – આ જ ઉપાય છે, આ જ સાચો ઉપાય છે. તે પ્રમાણે અમે પણ આગળ ચાલ્યા. સાવ ધીમો-ધીમો ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદનાં અમીછાંટણાંએ અમારી બિછુઆની વેદનાને ધોઈ નાંખી, વેદનાનું શમન કર્યું. અમે તો બસ આગળ ને આગળ ચાલતા જ રહ્યા.
આખરે આશ્રમનાં મકાનો દેખાયાં. અહીં ઝાડપાન બહુ નથી. સર્વત્ર લીલુંછમ ઘાસ ઊગી નીકળ્યું છે. કાચબાની ઢાલ જેવા આકારનું એક મોટું મેદાન છે. સામાન્ય રીતે પહાડની ટોચ પર જગ્યા સાવ થોડી, સાવ સાંકડી હોય છે. પણ આ પહાડની ટોચ તેમાં અપવાદરૂપ છે. અહીં તો પહાડને મથાળે એક વિશાળ ખુલ્લી જગ્યા છે. બાજુમાં બીજા ઊંચા પહાડો છે, પરંતુ અહીં તો એક વિશાળ પહાડને મથાળે એક વિશાળ મોટું થોડા-થોડા ઢાળવાળું મેદાન છે. ઢાળનો આકાર પણ કેવો ? જાણે કાચબાની પીઠના ઢાળ જેવો ! હિમાલયમાં આટલી ઊંચાઈ પર આટલી મોટી ખુલ્લી જગ્યા અને વિશેષ વાત તો એ છે કે અહીં વૃક્ષો પણ નથી. જાણે ભુગ્યાલ જ જોઈ લો. ઝાડપાન વિનાના થોડા-થોડા ઢાળવાળા ઘાસના મેદાનને હિમાલયના લોકો ભુગ્યાલ કહે છે. આ પણ આવું એક ભુગ્યાલ છે. આશ્રમમાં પહોંચ્યા. જોઈને મન પ્રસન્ન થઈ ગયું. આશ્રમ કૂર્મપીઠાકાર જમીન પર વસેલો છે. બહુ મોટી વાત. આશ્રમમાં કોઈ કળાતું નથી. પ્રગાઢ નીરવ શાંતિ જ અનુભવાય છે. નાની-નાની સુંદર કુટિયાઓ છે. કોઈ માનવીનો પદસંચાર કે વાણીસંચાર પણ કળાતો નથી. આશ્રમમાં કોઈ છે કે નહિ ? હશે તો ખરા જ, પણ બૂમાબૂમ કરીને કોઈને બોલાવવાની પદ્ધતિ અહીં આશ્રમના પરિસરમાં શોભે નહિ. અમે શાંત રહ્યા. કોઈ મોજાં વિનાના શાંત સરોવરના પ્રશાંત જળમાં પથ્થર ફેંકીને પાણીની શાંતિને હણી નાંખવી તે અપરાધ છે. આટલા નીરવ, શાંત વાતાવરણમાં મોટેથી બોલવું તે પણ અપરાધ છે. બૂમાબૂમ કરવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આશ્રમ-પરિસરના સૌથી ઊંચા સ્થાન પર, સૌની વચ્ચે એક થોડી મોટી કુટિયા છે. કુટિયા ખુલ્લી જ છે. અમે દબાતે પગલે અને બંધ જીભે અંદર પ્રવેશ કર્યો. અરે, આ તો શ્રીમાનું મંદિર છે. મુખ્ય દ્વારની સામે જ એક આસન પર શ્રીમાની ચિત્રમૂર્તિ પધરાવેલ છે. ચારે બાજુની દીવાલો પર પૂ. માનાં અનેક ચિત્રો ગોઠવેલાં છે. પૂ. માની ચિત્રમૂર્તિની સામે એક પ્રજ્વલિત દીપ અને ધૂપ છે. આખા ઓરડામાં ગાલીચા પાથરેલા છે. અમે ગાલીચા પર બેઠા. ચારે બાજુની મોટી બારીઓમાંથી વિશાળ, ઉત્તુંગ અને લીલાછમ પહાડોનાં દર્શન થાય છે. કેવા સુંદર સ્થાને આશ્રમ બન્યો છે ! કેવું સુંદર વાતાવરણ છે ! કેવું એકાંત અને કેટલી શાંતિ ! આ સ્થાનની પસંદગી કોણે કરી ? અહીં આશ્રમ બન્યો કેવી રીતે ? અહીં આશ્રમ બનાવવાનું આયોજન કોણે કર્યું અને તેનો અમલ કોણે અને કેવી રીતે કર્યો ?

ઉભયાન્વયી નર્મદા – કાકાસાહેબ કાલેલકર

આપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે. હિંદુસ્તાનનો નકશો જો ઊંધો પકડીએ તો એનો આકાર શિવલિંગ જેવો દેખાય છે. ઉત્તરનો હિમાલય એ એનો પાયો અને દક્ષિણનો કન્યાકુમારીનો ભાગ એ એનું શિખર. ગુજરાતનો નકશો જરા ફેરવીએ અને પૂર્વનો ભાગ નીચે લઈએ અને સૌરાષ્ટ્રનો છેડો – ઓખા મંડળ ઉપર તરફ આણીએ તો એ પણ શિવલિંગ જેવો જ દેખાશે. આપણે ત્યાં જેટલાં પહાડનાં શિખરો છે તે બધાં શિવલિંગો જ છે. કૈલાસના શિખરનો આકાર પણ શિવલિંગ જેવો જ છે. અને આ પહાડોનાં જંગલોમાંથી જ્યારે કોઈ નદી નીકળે છે ત્યારે કવિઓ કહેવાના કે ‘શિવજીની જટામાંથી ગંગા નીકળી.’ કેટલાક લોકો તો પહાડમાંથી સરી આવતા પાણીના પ્રવાહને અપ્સરા કહે છે. કેટલાક તો પર્વતની આવી તમામ દીકરીઓને પાર્વતી કહે છે.
આવી જ એક અપ્સરા જેવી નદીની વાત આજે કરવી છે. મહાદેવના ડુંગર પાસે માઈકાલ પર્વતની તળેટીમાં અમરકંટક કરીને એક તળાવ છે. એમાંથી નર્મદા નદી નીકળે છે. જે નદી સરસ ઘાસ ઉગાડીને ગાયોની સંખ્યા વધારે છે એને ગો-દા કહે છે. યશ આપનારી યશો-દા. અને જે નદી પોતાના પ્રવાહની અને કિનારાની કુદરતી શોભા દ્વારા ‘નર્મ’ એટલે આનંદ આપે છે તે છે નર્મ-દા. એ નદીને કિનારે કિનારે રખડતાં જેને ઘણો જ આનંદ મળ્યો એવા કોઈ ઋષિએ આ નદીને આ નામ આપ્યું.

જેમ હિમાલયનો પહાડ તિબેટ અને ચીનથી હિંદુસ્તાનને જુદો પાડે છે તેવી જ રીતે આપણી આ નર્મદા નદી ઉત્તર ભારત અથવા હિંદુસ્તાન અને દક્ષિણ ભારત અથવા દખ્ખણ વચ્ચે આઠસો માઈલની ચળકતી-નાચતી-જીવતી-દોડતી લીંટી ખેંચે છે. અને રખેને કોઈ આ કુદરતી લીટી ભૂંસી નાખે એટલા માટે ભગવાને એ નદીને ઉત્તરે વિંધ્ય અને દક્ષિણે સાતપુડાના લાંબા લાંબા પહાડ ગોઠવ્યા છે. આવા ઉમદા ભાઈઓના રક્ષણ વચ્ચે નર્મદા દોડતી અને કૂદતી અનેક પ્રાંતો વચ્ચે થઈને પસાર થતી ભૃગુકચ્છ અથવા ભરૂચ પાસે સમુદ્રને જઈને મળે છે. અમરકંટક પાસેનો નર્મદાનો ઊગમ સમુદ્રની સપાટીથી પાંચ હજાર ફૂટની ઊંચાઈએ છે. હવે આઠસો માઈલની અંદર પાંચ હજાર ફૂટ ઊતરવું સહેલું તો નથી જ. એટલે આપણી નર્મદા ઠેકઠેકાણે નાનામોટા ભૂસકા મારે છે. એ ઉપરથી આપણા કવિપૂર્વજોએ નર્મદાને બીજું નામ આપ્યું ‘રેવા’. (‘રેવ’ એટલે કૂદવું.) જે નદી ડગલે ને પગલે ભૂસકો મારે છે એ નૌકાનયન માટે એટલે કે હોડીઓ દ્વારા દૂર સુધીનો પ્રવાસ કરવા માટે બહુ કામની નથી. સમુદ્રમાંથી જે વહાણ આવે છે તે નર્મદા નદીમાં માંડ ત્રીસપાંત્રીસ માઈલ અંદર ઘૂસી શકે છે. ચોમાસાને અંતે બહુ તો પચાસ માઈલ પહોંચે.
જે નદીને ઉત્તરે અને દક્ષિણે બે પહાડ ઊભેલા છે એ નદીનું પાણી નહેર ખોદી દૂર સુધી ક્યાંથી લઈ જવાય ? એટલે નર્મદા નદી જેમ વહાણવટાને માટે બહુ કામની નથી તેમ જ ખેતરોની સિંચાઈ માટે પણ વિશેષ કામની નથી છતાં એ નદીની સેવા બીજી રીતે ઓછી નથી. એના પાણીમાં વિચરતા મગરો અને માછલાંઓ, એને કિનારે ચરતાં ઢોરો અને ખેડૂતો, અને બીજાં જાત જાતનાં પશુઓ અને એના આકાશમાં કલરવ કરતાં પક્ષીઓ બધાંની એ માતા છે. ભારતવાસીઓએ પોતાની બધી ભક્તિ ભલે ગંગા ઉપર ઠાલવી હોય, પણ આપણા લોકોએ નર્મદા નદીને કિનારે ડગલે ને પગલે જેટલાં મંદિરો બાંધ્યાં છે એટલાં બીજી કોઈ પણ નદીને કિનારે નહીં હોય. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, ગોમતી, સરસ્વતી વગેરે નદીઓના સ્નાનપાનનું અને એમને કિનારે કરેલાં દાનનું માહાત્મય પુરાણકારોએ ભલે ગમે તેટલું વર્ણવેલું હોય, પણ કોઈ ભક્તે એ નદીઓની પ્રદક્ષિણા કરવાનું વિચાર્યું નથી. જ્યારે નર્મદાના ભક્તોએ, કવિઓને સૂઝે એવા નિયમો કરી, આખી નર્મદાની પરિક્રમા અથવા ‘પરિકમ્મા’ કરવાનું ગોઠવ્યું છે.
નર્મદા નદીના ઊગમથી દક્ષિણ કિનારે ચાલતાં ચાલતાં સાગર-સંગમ સુધી જાઓ. ત્યાં હોડીમાં બેસી ઉત્તર કિનારે પહોંચો અને એ કિનારે ફરી પગપાળા ચાલતાં ચાલતાં અમરકંટક સુધી જાઓ ત્યારે એક પરિક્રમા પૂરી થઈ. આમાં નિયમ એવો છે કે પરિકમ્મા દરમ્યાન નદીનો પ્રવાહ ક્યાંયે ઓળંગાય નહીં અને છતાં પ્રવાહથી બહુ દૂર પણ ન જવાય. રોજ નદીનાં દર્શન થવાં જોઈએ. પાણી પિવાય તે નર્મદાનું જ. સાથે ધનદોલત રાખી, એશઆરામમાં પ્રવાસ ન કરાય. નર્મદાને કિનારે જંગલમાં વસતા આદિવાસીઓના મનમાં યાત્રાળુઓનાં ધનદોલત પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. વધારે પડતાં કપડાં, વાસણકૂસણ કે પૈસા હોય તો એ બોજમાંથી એ તમને મુક્ત કરવાના જ. આપણા લોકોને એવા અકિંચન અને ભૂખ્યા ભાઈભાંડુઓનો પોલીસ મારફતે ઈલાજ કરવાનું કોઈ કાળે સૂઝ્યું નથી. અને આદિવાસી ભાઈઓ પણ માને છે કે યાત્રાળુઓ પર આપણો એ લાગો જ છે. જંગલમાં લૂંટાયેલા યાત્રીઓ જંગલમાંથી બહાર આવે એટલે દાની લોકો એમને નવાં કપડાં અને સીધું આપે છે. ભાવિક લોકો આ બધા નિયમોનું પાલન કરીને – ખાસ કરીને બ્રહ્મચર્યનો આગ્રહ રાખીને – નર્મદાની પરિક્રમા ધીરે ધીરે કરતાં, ત્રણ વરસમાં પૂરી કરે છે. ચોમાસાના બેત્રણ મહિના એક ઠેકાણે રહી જવાનો અને સાધુસંતોના સત્સંગથી જીવનનું રહસ્ય સમજવાનો તેઓ આગ્રહ રાખે છે.
આવી પરિક્રમાના બે પ્રકાર હોય છે. એમાંની જે આકરી હોય છે, તેમાં સાગર પાસે પણ નર્મદાને ઓળંગાતું નથી હોતું. ઊગમથી મુખ સુધી ગયા પછી એ જ રસ્તે પાછા ઊગમ સુધી આવી ઉત્તરને કિનારે સાગર સુધી પહોંચવાનું, અને ફરી એ જ ઉત્તરને કિનારે ઊગમ સુધી પાછા આવવાનું. આ પરિક્રમા આ રીતે બેવડી થાય છે. આનું નામ છે જલેરી. મોજમજા અને એશઆરામ છોડીને તપસ્યાપૂર્વક એક જ નદીનું ધ્યાન કરવાનું, એને કિનારે આવેલાં મંદિરોનાં દર્શન કરવાં, આસપાસ રહેતા સંતમહાત્માઓનાં વચનો સાંભળવાં અને કુદરતની શોભા અને ભવ્યતાનું સેવન કરતાં જિંદગીનાં ત્રણ વરસો પસાર કરવાં, એ કાંઈ જેવીતેવી પ્રવૃત્તિ નથી. એમાં ખડતલપણું છે, તપસ્યા છે, બહાદુરી છે; અંતર્મુખ થઈને કરવાનું આત્મચિંતન, ગરીબો સાથે એકરૂપ થવાની લાગણી છે. કુદરતમય થવાની દીક્ષા છે અને કુદરત મારફતે કુદરતમાં વિરાજતા ભગવાનનાં દર્શન કરવાની સાધના છે.
અને એ નદીકિનારાની સમૃદ્ધિ જેવીતેવી નથી. અસંખ્ય જમાનાના ઉચ્ચ કોટીના સંતમહંતો, વેદાંતી સંન્યાસીઓ, અને ભગવાનની લીલા જોઈ ગદગદ થનારા ભક્તો, પોતપોતાનો ઈતિહાસ આ નદીને કિનારે વાવતા આવ્યા છે. પોતાના ખાનદાનની ટેક જાળવનારા અને પ્રજારક્ષક પાછળ પ્રાણ પાથરનારા ક્ષત્રિય વીરોએ પોતાનાં પરાક્રમો આ નદીને કિનારે અજમાવ્યાં છે. અનેક રાજાઓએ પોતાની રાજધાનીના રક્ષણને અર્થે નર્મદા કિનારે નાનામોટા કિલ્લાઓ બાંધ્યા છે અને ભગવાનના ઉપાસકોએ ધાર્મિક કળાની સમૃદ્ધિનું જાણે સંગ્રહાલય તૈયાર કરવા માટે મુકામે મુકામે મંદિરો તૈયાર કર્યાં છે. અને દરેક મંદિર પોતાની કળા દ્વારા તમારું મન હરી લઈ અંતે શિખરની આંગળી ઊંચી કરી અનંત આકાશમાં પ્રકટ થતા મેઘશ્યામનું ધ્યાન કરવા પ્રેરે છે. જેમ ‘અજાન’નો અવાજ ખુદાપરસ્તોને નિમાજનું સ્મરણ કરાવે છે, તેમ જ દૂર દૂરથી દેખાતી શિખરરૂપી ચળકતી આંગળીઓ સ્તોત્રો ગાવાને પ્રેરે છે. અને નર્મદાને કિનારે શિવજીનું કે વિષ્ણુનું, રામચંદ્રનું કે કૃષ્ણચંદ્રનું, જગત્પતિનું કે જગદંબાનું સ્તોત્ર શરૂ કરતાં પહેલાં નર્મદાષ્ટકથી પ્રારંભ કરવાનો હોય છે – सबिंदुसिंधु सुस्खलम तरंगभंगरंजितम । આવી રીતે પંચચામરના લઘુ ગુરુ અક્ષરો જ્યારે નર્મદાના પ્રવાહનું અનુકરણ કરે છે ત્યારે ભક્તો મસ્તીમાં આવીને કહે છે, ‘માતા ! તારા પવિત્ર જળનું દૂરથી દર્શન થયું કે તરત આ દુનિયાની સમસ્ત બાધા દૂર થઈ જ ગઈ – गतं तदैव मे भयं त्वदम्बु वीक्षितं यदा । અને અંતે ભક્તિમાં લીન થઈ એ નમસ્કાર કરે છે – त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे ।
આપણે ભૂલવું ન જોઈએ કે જેમ નર્મદા આપણી અને આપણી પ્રાચીન સંસ્કૃતિની માતા છે તેમ જ તે આપણાં ભાઈભાડું આદિમજાતિ લોકોની પણ માતા છે. એ લોકોએ નર્મદાને બંને કિનારે હજારો વર્ષ સુધી રાજ્ય કર્યું હતું, કેટલાક કિલ્લાઓ પણ બાંધ્યા હતા અને પોતાની એક વિશાળ આરણ્યક સંસ્કૃતિ ખીલવી હતી. મને હંમેશા લાગ્યું છે કે હિંદુસ્તાનનો ઈતિહાસ પ્રાંતવાર કે રાજ્યવાર લખવાને બદલે નદીવાર લખાયો હોત તો એમાં પ્રજાજીવન કુદરત સાથે વણાયું હોત, અને દરેક પ્રદેશની પુરુષાર્થી જાહોજલાલી નદીના ઊગમથી મુખ સુધી તણાયેલી જડી હોત. જેમ આપણે સિંધુના કિનારાના ઘોડાઓને સૈંધવ કહીએ છીએ, ભીમાના કિનારાનું પોષણ મેળવીને પુષ્ટ થયેલા ભીમથડીના ટટ્ટુને વખાણીએ છીએ, કૃષ્ણા નદીની ખીણનાં ગાય-બળદોને વિશેષ રીતે ચાહીએ છીએ, તેવી જ રીતે જૂના કાળમાં દરેક નદીને કિનારે વિકસેલી સંસ્કૃતિ અલગ અલગ નામે ઓળખાતી હતી. એમાંયે નર્મદા નદી એ ભારતીય સંસ્કૃતિના બે મુખ્ય વિભાગની સીમારેખા ગણાતી. રેવાની ઉત્તરે પંચગૌડોની વિચારપ્રધાન સંસ્કૃતિ અને રેવાની દક્ષિણે દ્રવિડોની આચારપ્રધાન સંસ્કૃતિ મુખ્ય ગણાતી. વિક્રમ સંવતની કાળગણના અને શાલિવાહન શકની કાળગણના બંને નર્મદાને કિનારે સંભળાય છે અને બદલાય છે.
ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે એક લીટી દોરવાનું કામ નર્મદા કરે છે એમ મેં કહ્યું ખરું. પણ એની સાથે હરીફાઈ કરનારી એક બીજી નદી પણ છે. નર્મદાએ મધ્ય હિંદુસ્તાનથી પશ્ચિમ કિનારા સુધી લીટી દોરી. એ જાણે બરાબ ન થયું એમ માનીને ગોદાવરીએ પશ્ચિમના પહાડ સહ્યાદ્રિથી પ્રારંભ કરી પૂર્વસાગર સુધી એક ત્રાંસી લીટી ખેંચી છે. એટલે ઉત્તરના બ્રાહ્મણો સંકલ્પ બોલતી વખતે કહેવાના – ‘રેવાયાઃ ઉત્તરે તીરે’. જ્યારે પૈઠણના રાજ્યના અભિમાની અમે દક્ષિણી લોકો ‘ગોદાવર્યાઃ દક્ષિણે તીરે’ એમ બોલવાના. જે નદીને કિનારે શાલિવાહન અને શાતવાહન રાજાઓએ માટીમાંથી માણસો બનાવી એ ફોજ દ્વારા યવનોને હરાવ્યા, તે ગોદાવરીને સંકલ્પમાં સ્થાન ન મળે એ કેમ ચાલે ?
***
નર્મદા નદીની પરિકમ્મા તો મેં નથી કરી. અમરકંટક જઈને ઊગમનું દર્શન કરવાનો સંકલ્પ બહુ જૂનો છે. ગયે વરસે રીવા રાજધાની સુધી ગયા પણ હતા. અમરકંટક જવાયું નહીં. નર્મદાનાં દર્શન તો ઠેકઠેકાણે કર્યાં છે. એમાંનું વિશેષ કાવ્ય અનુભવ્યું તે જબલપુર પાસે ભેડાઘાટમાં. ભેડાઘાટમાં, હોડીમાં બેસીને આરસપહાણના પીળાનીળા પથરા વચ્ચે જ્યારે જલવિહાર કરીએ છીએ ત્યારે એમ જ લાગે છે કે જાણે યોગવિદ્યામાં પ્રવેશ કરી માનવચિત્તનાં ગૂઢ રહસ્યો ઉકેલીએ છીએ. અને એમાંયે જ્યારે બંદરકૂદની પાસે પહોંચીએ છીએ અને જૂના સરદારો ઘોડાને ઈશારો કરી પેલી પાર સુધી કૂદ્યાની વાતો સાંભળીએ છીએ ત્યારે જાણે મધ્યકાલનો ઈતિહાસ ફરી વાર જીવતો થાય છે. આ ગૂઢ સ્થાનનું આ માહાત્મય ઓળખીને જ કોઈ યોગવિદ્યાના ઉપાસકે પાસેની ટેકરી ઉપર ચોસઠ યોગિનીનું મંદિર બાંધ્યું હશે અને એ યોગિનીના ચક્ર વચ્ચે નદી ઉપર બિરાજેલાં શિવપાર્વતીને સ્થાપ્યાં હશે. એ યોગિનીની મૂર્તિઓ જોઈને ભારતીય સ્થાપત્ય પ્રત્યે માથું નમે છે અને એવી મૂર્તિઓ જેમણે ખંડિત કરી એમની ધર્માંધતા પ્રત્યે ગ્લાનિ પેદા થાય છે. પણ આપણે તો ખંડિત મૂર્તિઓ જોવાને ક્યારના ટેવાયા છીએ.
***
ધુવાંધાર, પ્રકૃતિનું એક સ્વતંત્ર કાવ્ય છે, પાણીને જો જીવન કહીએ તો અધઃપાતને કારણે ખંડ ખંડ થયા પછી પણ જે સહેજે પૂર્વરૂપ ધારણ કરે છે, અને શાન્તપણે આગળ વહે છે તે ખરેખર જીવનતમ છે. ચોમાસામાં જ્યારે આખો પ્રદેશ જળબંબોળ થાય છે ત્યારે ન મળે ‘ધાર’ અને ન નીકળે એમાંથી વરાળ જેવી ‘ધુવાં.’ ચોમાસુ ઓસરી ગયા પછી જ ધુવાંધારની મસ્તી જોઈ લેવી. ધોધ ઉપર મીટ માંડીને ધ્યાન કરવાનું હું પસંદ નહીં કરું, કેમ કે ધોધ એ કેફી વસ્તુ છે. એ ધોધમાંથી જ્યારે ધોબીઘાટના સાબુનાં પાણીની ભાત દેખા દે છે અને આસપાસ ઠંડી વરાળના ગોટેગોટા રમત રમે છે ત્યારે જેમ જુઓ તેમ ચિત્તવૃત્તિ અસ્વસ્થ થઈ જાય છે. એ દશ્ય ધરાઈને જોયા પછી, પાછા ફરતાં એમ જ લાગે છે કે જીવનના કોઈ કટોકટીના પ્રસંગમાંથી આપણે બહાર નીકળ્યા છીએ, અને આટલા અનુભવ પછી આપણે પહેલાંના જેવા રહ્યા નથી. ઈટારસી-હોશંગાબાદ પાસેની નર્મદા સાવ જુદી જ છે. ત્યાંના પથરા ત્રાંસા ત્રાંસા જમીનમાં ખૂંચેલા હોય છે. કયા ધરતીકંપથી પથરાનાં પડો આવાં વિષમ થયાં છે એ કોઈ કહી શકે નહીં. નર્મદાને કિનારે ભગવાનની આકૃતિ ધારણ કરીને બેઠેલા પાષાણો પણ કશું કહી ન શકે. અને એ જ નર્મદા જ્યારે પાઘડીપને આવેલા ભરૂચના કિનારાને ધોઈ કાઢે છે અને અંકલેશ્વરના ખલાસીઓને રમાડે છે, ત્યારે એ નદી સાવ જુદી જ દેખાય છે.
***
કબીરવડ પાસે પોતાને ખોળે એક બેટને ઉછેરવાનો લહાવો જેને એક વાર મળ્યો, તે સાગરસંગમ વખતે પણ એવા જ બેટબાળકને ઉછેરે અને કેળવે તો તેમાં આશ્ચર્ય શું ? કબીરવડ એ હિંદુસ્તાનનાં અનેક આશ્ચર્યોમાંનું એક છે. લાખો લોકો જેની છાયામાં બેસી શકે અને મોટી મોટી ફોજો જેની છાયામાં પડાવ નાખી શકે, એવો એક વડ નર્મદાપ્રવાહની વચ્ચોવચ એક બેટમાં પુરાણપુરુષની પેઠે અનંતકાળની પ્રતીક્ષા કરે છે. મહારેલ આવે એટલે બેટનો એક ભાગ એમાં તણાઈ જાય. એની સાથે એ વડની અનેક શાખાઓ અને વડવાઈઓ પણ તણાઈ જાય. કબીરવડના આવા ભાગલા અત્યાર સુધી કેટલી વાર થયા એની નોંધ ઈતિહાસ પાસે નથી. નદી વહેતી જાય છે અને વડને નવી નવી કૂંપળો ફૂટતી જાય છે ! સનાતન કાળ વૃદ્ધ પણ છે અને બાળક પણ છે. એ ત્રિકાળજ્ઞાની પણ છે અને વિસ્મરણશીલ પણ છે.
એ કાળ ભગવાનનું અને કાલાતીત પરમાત્માનું અખંડ ધ્યાન ધરનારા ઋષિમુનિઓ અને સંતમહાત્માઓ જેને કિનારે યુગે યુગે વસતા આવ્યા છે, તે આર્ય અનાર્ય સમસ્તની માતા નર્મદા ભૂત-ભવિષ્ય-વર્તમાનના માનવીઓનું કલ્યાણ કરે. જય નર્મદે હર !