ઈ.સ.૧૯૯૪ ની સાલ હતી હું મારી ચેમ્બરમાં બેઠો હતો ,ત્યાં લઘર વઘર કપડાં પહેરેલ એક માલધારી બેંકમાં પ્રવેશ્યો, બેન્કની બહાર જૂતાં ઉતારી મંદિરમાં પ્રવેશ કરતો હોય તેમ ....! ગ્લાસ વિન્ડોમાંથી મારી નજર પડી.
આગંતુક શા કારણે આવ્યો? જીજ્ઞાશા થયી . અમારી બેંક શહેરી હોય આવા ગામઠી લોકો માટે જરૂરિયાત નથી હોતી. હાથમાં ચેક હતો. મેં પટાવાળા મારફત ચેમ્બરમાં બોલાવ્યો. સંકોચ સાથે સામે ખુરશીમાં બેઠો .
મેં પાણી મંગાવ્યું અને પૂછ્યું, "શું કામ પડ્યું?" મને ચેક બતાવ્યો . ચેક પેએબલ એટ ધારી હતો .
ત્યારે કોર બેન્કિંગનો જમાનો ન્હોતો.સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ધારી વસુલ કરવા મોકલવો પડે ૧૦-૧૫ દિવસે વસુલ થાય, કમિશન લાગે. મેં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ઉના માં ખાતું ખોલાવવા સલાહ આપી .
"સાહેબ કોઈ ખાતું ખોલી દેતું નથી કહેતાં એની આંખમાંથી આંસુ ટપકી પડ્યું ! મને લાગી આવ્યું ,
હું પણ ગામડાંની ધૂળમાં મારું બાળપણ રજોટી ને આવ્યો હતો . મને તેનામાં મારો કોઈ બાળપણ નો ગોઠીયો દેખાયો. ખાતું ખોલવા માટે મેં તેના વિષે પૃચ્છાકરી . ત્યારે કે વાય સી રૂલ્સ આકરાં નહોતા પરંતુ ખાતું ખોલવા માટે રહેણાંક ઓળખાણ વિગેરે જરૂરી હતું . પણ આ તો માલધારી આજે અહીં તો કાલે ક્યાંક બીજે ! છેવટે એટલું જાણવા મળ્યું કે તેનો જન્મ બાણેજ નેસ માં થયો હતો હાલ જસાધાર પાસે મીંઢા નેસમાં તેનો 'માલ' છે .ઉના દૂધ વેંચવા આવે . કોઈ પણ પુરાવા ઉપલબ્ધ નહિ , ખાતું ખોલવું તો કેમ ? પરંતુ મેનેજર ને મારી અંદર પડેલા માણસે પડકાર્યો . વધારે પૂછપરછ કરતા થોડો સમય વડવિયાળા ગામે રહેલ ,
મારું કામ થોડું સરળ થયું કારણ કે વડવિયાળા ગામે મારી બેન્કના ઘણા બધા ગ્રાહકો હતા . ચેક શેનો મળ્યો પૂછતા કહ્યું : "સાવજે ગાય મારી તેનો જંગલ ખાતાએ આપ્યો છે ." પ્રાથમિક વિધિ પતાવી તેનું ખાતું ખોલી ચેક વસુલ કરવા મોકલી દીધો . એની આંખમાં મેં આભાર ની લહેરો જોઈ પરંતુ મારા જીવન માં આ ધન્ય ક્ષણ હતી ! એ માત્ર હું જ સમજી શક્યો . એણે પણ મારા રહેઠાણ વિષે પૂછ્યું અને કહ્યું કે હું તે બાજુ દૂધ દેવા આવું છું , મારે તમને દૂધ આપવા આવવું છે , મેં કહ્યું ભલા માણસ હું એકલો જ છું મારી જરૂરિયાત નથી .
પણ એ મારું ના માન્યો .આખરે હું હારી ગયો. મેં શરત મૂકી : ૧ લીટર દૂધ , ગામને જે ભાવે આપે છે તેનાથી ઓછો નહિ , અને તદ્દન ચોખ્ખું હોવું જોઈએ . મારી શરત માની . હર રોજ નિયમિત એ મને દૂધ દેવા આવતો. જે પણ વાસણ હોય તેમાં છલોછલ દૂધ ભરી દેતો અને એ પણ સળી ઉભી રહી શકે તેવું ચોખ્ખું !
મારા ભગવદ્ગોમંડલમાં મેં નવો શબ્દ ઉમેરી દીધો "વાજસુર વૃતિ"...!
ઈશ્વર દરેકને તેની પાત્રતા મુજબ જ આપે છે - આપણું વાસણ ખાલી પણ નથી રાખતો અને છલકાઈ જાય એટલું ભરી પણ નથી દેતો .મારો વાજસુર પણ એમ જ ! જેવડું વાસણ એટલું દૂધ, ખાલી પણ ના રાખે છલકાવા પણ ના દે . મારા સામે રહેતાં એક પટલાણી ક્યારેક પૂછતા : આ વાજસુર, સાહેબ તમને કેવું દૂધ
આપે છે? મેં કહ્યું કે કેમ? તો કહે "મારો પીટ્યો મને તો પાણી જેવું દૂધ આપે છે ." મારે તેને કેમ સમજાવવું કે આ દુધની મલાઈમાંથી દર ૧૫ દિવસે ૧ કિલો ઘી હું ઘરે મોકલું છું ! અમે બંને એક બીજાને હૃદયસ્થ હતા ! તે સદા તંગીમાં રહેતો માલઢોર માટે ખોળ કપાસીયા લેવા ક્યારેક હું દૂધ પેટે એડવાન્સ આપી દેતો .એને જયારે ખબર પડી કે મને વાઇલ્ડ લાઈફ નો શોખ છે ત્યારે સાવજ ના વાવડ મને નિયમિત પહોંચાડતો . અને હું પણ
ક્યારેક એકલો ક્યારેક મારા કુટુંબ સાથે નેસડામાં પહોંચી જતો . મારા બે દીકરા સારંગ અને સ્વર પૈકી એક દુધનો હેરી અને એક દુધનો વેરી છે ! સ્વર સદાય દૂધ મળે તો અન્ય બધું તજી દયે જયારે સારંગ દુધવાળી મીઠાઈ પણ ત્યજી દે. વાજસુર ની પરોણાગત દૂધથી જ હોય ! તાજું દોયેલું દૂધ નું બોઘરું સવા શેર ના લોટા માં ભરી મારા સમ, મારો દાડો ખાવ કહી પીવરાવે . અમે બાપ દીકરો બે લોટા પી જઈએ અને સારંગ દુર થી તમાશો જોયા કરે ! એક વાર હું નેસડા બાજુ ગયો ત્યારે વાજસુર વ્યથિત હતો . મેં કારણ જાણ્યું . ગાય જંગલ માંથી આવી નથી .ગોતવા જવું પડશે . એક માલધારી અને એક મેનેજર વાજસુરની ગાય ગોતવા જંગલમાં
નીકળી પડ્યા ! આ મારા જીવન ની અદભૂત પળ હતી ! બાવળ ની કાંટાળી ઝાડી , બોરડી ના કાંટા ,સાવજ ના ભય ને ગણકાર્યા વિના માત્ર એક ડાંગના આધારે અમે જંગલ ખૂંદયા-આખરે ઈશ્વરે અમને ગાય ગોતી આપી અને એ પણ સાવજ નજીકમાં હોવા છતાં સાવ સલામત! આ અમારું સખ્ય હતું . એ મારો મેનેજર અને હું તેનો માલધારી બની ગયા હતા ! ક્યારેક તુલશીશ્યામ જતા જંગલમાં વાજસુર ભેટી જતો , તેના ખખડધજ રાજદૂત પર નેસડામાં દૂધ ભરવા જતો . દુરથી મને જોતા મોટર સાયકલ માંથી ઉતરી દોડી મને ભેટી પડતો- પગે લાગતો , અને હું પણ આ ભોળા આહીર ને મળી કૃત્યકૃત્ય થઇ જતો. ઈ. સ. ૧૯૯૭ આખરમાં મારી બદલી થયી , આ વાતની કર્ણોપકર્ણ વાજસુર ને જાણ થયી . મેં હજુ તેને જાણ કરી નહોતી ! કારણ એની પાસે મારા
૩ થી ૪ હજાર બાકી હતા જો હું જાણ કરું તો મારાથી મોટો સ્વાર્થી કોણ? પણ મારા આશ્ચર્ય વચ્ચે બદલીના સમાચારને બીજે જ દિવસે સવારે દૂધ દેવા આવ્યો ત્યારે મને પૈસા આપી ગયો .મેં સ્વીકારવાની ના પાડી છતાંય મારા સમ અને મારો દાડો ખાવાનું કહી હિસાબ ચુકતે કરી ગયો ! એની પ્રમાણિકતા મને પ્રભાવિત કરી ગયી. મેં ઉના છોડ્યું , કેટલાક દિવસ પછી મને ખબર પડી કે મારા પૈસા ચૂકવવા એણે અન્ય પાસેથી ઉધાર લીધેલાં. મારું મન સંતપ્ત થયી ગયું . ત્યારબાદ જયારે પણ તુલશીશ્યામ જતો ત્યારે વાજસુર જ્યાં હોય ત્યાં મળવા જતો ! રાત્રી ના ૧૨ વાગ્યા હોય તો પણ વાજસુર ને મળવા નેસડે પહોંચી જતો! ધીમે ધીમે દુર હોવાથી તુલસી શ્યામ જવાનું ઓછું થતું ગયું . વાજસુર ના સમાચાર પણ નહોતા જાણી શકતો. ૨૦૧૦ માં મારી પુનઃ ઉના બદલી થયી . મારી ગાડીમાં જરૂરી સામાન સાથે રાજકોટથી જંગલરસ્તે હું જસાધાર નાકે પહોચ્યો. મને મારો વાજસુર સાંભર્યો. ફોરેસ્ટ ગાર્ડને પૂછ્યું : વાજસુરભાઈ ક્યાં છે? " તમને ખબર નથી? "
મેં કહ્યું શું? તો કહે ઝેરી મેલેરિયા માં વાજસુરભાઈ બે વરસ પહેલા દેવ થયી ગયા . અને મારી આંખમાંથી ભર ઉનાળે શ્રાવણ ભાદરવો વરસ્યો . મેં સ્વસ્થ થયી તેના પરિવાર વિષે પૂછ્યું. "હવે બહુ સારું છે માલ પણ વધાર્યો છે " આ જાણી મને આશ્વાસન મળ્યું . મારો વાજસુર મને ત્યજી ગયો તેની વેદના મને રુંવેરુંવે થયી.
આજેય કોઈ ઉદાસ સાંજે આકાશમાં જોઉં છું ત્યારે કોઈ પ્રકાશિત તારલિયામાં મને મારો વાજસુર દેખાય છે . હું મનોમન વિચારું છું : મેનેજર વાજસુર મારા જેવા માલધારી નો લાગણી નો ચેક ક્યારે વસુલી દેશે? મને ખાતરી છે જ એ ક્યારેય કમિશન નહિ ઉધારે ! એ વાજસુર ભાઈ તું ક્યાં છો?.........................
સત્ય ઘટના